Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

ભાવનગર નજીકના નારી ચોકડી પાસે થયેલ હત્યાના કેસમાં પકડાયેલ ત્રણ આરોપીઓને ૧૦ વર્ષની સજા

કોર્ટ દ્વારા સાપરાધ મનુષ્ય વધની કલમ ૩૦૪ પાર્ટ-૨ હેઠળ સજા ફટકારી : અન્ય આરોપીને શંકાનો લાભ : ડીસ્ટ્રીકટ જજ શ્રી વચ્છાણીએ આપેલ ચુકાદો

(વિપુલ હિરાણી) ભાવનગર,તા. ૬: બે વર્ષ પુર્વે ભાવનગર નજીકના નારી ગામ ચોકડા નજીકમાં આધેડની હત્યા કેસમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ભાવનગરના ડીસ્ટ્રીકટ જજે આઇ.પી.સી. કલમ ૩૦૪ પાર્ટ-૨ મુજબનો ગુનો સાબીત માની ૧૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી. જયારે અન્ય એક આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવા હુકમ કરેલ છે.

પ્રાપ્ત લિગતો મુજબ આ કામના ફરીયાદી સાગરભાઇ શિવાભાઇ ચાવડા (રહે. સીદસર ગામ, ભાવનગર) અને તેઓની બાજુમાં જ રહેતા પ્રતાપભાઇ બાવકુભાઇ ખાચરની દીકરી કાજલ સાથે તેઓને પ્રેમ સંબંધ થઇ જતા તેઓકાજલને લઇ ને જે તે સમયે ભાગી ગયેલ અને તે અંગેનો કેસ માં તેઓ જામીન ઉપર છુટી ગયેલ ત્યારબાદ તા. ૩/૫/૨૦૧૮ ના રોજ રાત્રીના ૮:૩૦ કલાકે કાજલને તેના ઘરેથી ભગાડીને સાગરભાઇ સુરત લઇ ગયેલ ત્યાં તેઓના મીત્રના ભાડાના મકાનમાં તેઓ રહેતા હતા તે દરમ્યાન તા. ૧૦/૫/૨૦૧૮ ના રોજ કાજલના પિતા પ્રતાપભાઇ તથા તેના કાકા વનરાજસિંહ તથા દેવરાજસિંહ તથા અજાણ્યો એક શખ્સ આવેલ અને સાગરભાઇને સમજાવીને તેની સાથે સમાધાન કરી ભોગ બનનારને એક વાહનમાં ભાવનગર રવાના કરેલ ત્યારબાદ સાગરભાઇને આ કામના આરોપી નં, (૧) પ્રતાપ વિક્રમભાઇ રાઠોડ (ઉ.વ.૩૬, રહે. સીદસર) (૨) વનરાજ રવજીભાઇ ડાભી (ઉ.વ.૨૭, રહે, લાઠીંદડ, જી.બોટાદ), (૩) દેવ્યાંત ઉર્ફે દેવરાજ જવાભાઇ વાધોશી (ઉ.વ.૨૬, રહે. ચુડી, તા. તળાનન), (૪) ઘનશ્યામ વિક્રમભાઇ રાઠોડ (ઉ.વ.૩૪, રહે. મુળ બોટાદ હાલ ભાવનગર), નામના આરોપીઓએ આ કામના ફરિયાદી સાગરભાઇ ચાવડાને સમજવી તેની સાથે સમાધાન કરી ભોગ બનનારને એક વાહનમાં ભાવનગર રવાના કરેલ ફરીયાદીને આરોપીઓએ પોતાની સાથે ઇકો વાહનમાં બેસવાનું કહેતા સાગરભાઇને પણ ભાવનગર આવવુ હોય તેઓને સમાધાન થઇ ગયેલ હોય જેથી સાગરભાઇ પણ ઉકત આરોપીઓ સાથે ઇકો કારમાં બેસી ગયેલ અને તેઓ બધા સુરત થી ભાવનગર આવવા નીકળેલ રાત્રીના સુમારે ભાવનગર નજીકના નારી ચોકડીએ બોલાચાલી થતા સાગરભાઇને ઉકત આરોપીઓએ વાહન માંથી નીચે ઉતારી વારાફરતી આડેધડ લાકડી ધોકા વડે માર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. અને જે તે સમયે આરોપીઓ ઘટના સ્થળેથી નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત સાગરભાઇ ચાવડાને સારવાર માટે ભાવનગરની સર.ટી.હોસ્પીટલમાં દાખલ કરેલ આ અંગેની ફરીયાદ તા. ૧૧/૫/૨૦૧૮ ના રોજ તેમણે નોંધાવેલ ત્યારબાદ ઇજા પામનાર સાગરભાઇ નું ગત તા. ૧૭/૫/૨૦૧૮ ના રોજ સારવાર દરમ્યાન મરણ થતા આ બનાવ હત્યામાં પરીણ્મ્યો હતો. ઉકત આરોપીઓ સામે ૩૦૨ ના ગુનાનો ઉમેરો કરવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે ઇજાગ્રસ્ત સાગરભાઇ શિવાભાઇ ચાવડાએ જે તે સમયે પોલીસ સ્ટેશનમાં ઉકત ચારેય આરોપીઓ સામે ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ઇપીકો કલમ ૩૦૨, ૩૨૫, ૩૨૩, ૧૧૪, તથા જીપીએકટ ૧૩૫ મુજબનો ગુનો નોંધીયો હતો. આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ આર.ટી.વચ્છાણી ની અદાલતમાં ચાલી જતા અદાલતે મુખ્ય જીજ્ઞા સરકારી વકીલ વિપુલભાઇ દેવમુરારીની અસરકારક દલીલો, મૌખીક પુરાવા ૧૪, દસ્તાવેજી પુરાવા ૩૧, વિગેરે ધ્યાને રાખી આ કામના આરોપીઓ નં. (૧) પ્રતાપ વિક્રમભાઇ રાઠોડ (૨) વનરાજ રવજીભાઇ ડાભી (૩) દેવ્યાંત ઉર્ફે દેવરાજ જીવાભાઇ વાધોશી સામે ઇપીકો કલમ ૩૦૪ પાર્ટ-૨ મુજબનો ગુનો સાબીત માની ત્રણેય આરોપીઓને તકસીરવાન ઠરાવી ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રોકડા રૂમ. ૩૦૦૦ નો દંડ આરોપી દંડ ન ભરે તો વધુ ૧ માસની સજા, ત્રણેય આરોપીઓને ઇપીકો કલમ ૧૧૪ મુજબના ગુના સબબ પાંચ વર્ષની કેદની સજા રોકડા રૂમ. ૧,૦૦૦ હજારનો દંડ, દંડ ન ભરે તો વધુ ૧૫ દિવસની સજા, ઇપીકો કલમ ૩૨૩ મુજબના ગુના સબબ ત્રણેય આરોપીઓને ૬ માસની કેદની સજા અને રોકડા રૂ. ૫૦૦ નો દંડ, દંડ ન ભરે તો વધુ ૭ દિવસ સજા અદાલતે ફટકારી હતી. જયારે અન્ય એક આરોપી ઘનશ્યામ વિક્રમભાઇ રાઠોડ ને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવા અદાલતે હુકમ કર્યો હતો.

(11:31 am IST)