Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

બબ્બેની લોથ ઢાળી દેનારને ફાંસીએ ટીંગાડો : થાનગઢ પોલીસ સ્ટેશને લોકોનો આક્રોશ

ગૃહકંકાસમાં જમાઇના હાથે સસરા અને સાળીની હત્યાથી અરેરાટી : હત્યા કરનાર આરોપીના કૃત્યથી રોષ

 

વઢવાણ : પ્રથમ તસ્વીરમાં મૃતક સસરા, બીજી તસ્વીરમાં છરો, ત્રીજી તસ્વીરમાં ઘટનાસ્થળ અને ચોથી તસ્વીરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત નજરે પડે છે. (તસ્વીરઃ ફઝલ ચૌહાણ-વઢવાણ)

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૬: સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સરોડી ગામે જમાઈના હાથે સસરા અને સાળીની હત્યા થતા ડબલ મર્ડરની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ થાનગઢ તાલુકાના સરોડી ગામે રહેતા દામજીભાઈ રામજીભાઇ ચાવડા (ઉ.૫૦) અને તેની પુત્રી સોનલબેન દામજીભાઇ ચાવડા (ઉ.૨૨), ઉષાબેન દામજીભાઈ ચાવડા અને લલિત દામજીભાઈ ચાવડા ઉપર તેના જમાઈ હિતેશ ભરતભાઈ કોરડીયા એ કોઈ કારણસર હથિયારોથી હુમલો કર્યો હતો.

જેમાં દામજીભાઈરામજીભાઇ ચાવડા (ઉ.૫૦) અને તેની પુત્રી સોનલબેન દામજીભાઇ ચાવડા (ઉ.૨૨)નું ગંભીર ઇજા થવાથી રાજકોટ સારવારમાં ખસેડાયા હતા જયાં બંનેના મોત નિપજયા હતા.જયારે તેમના સાસુ અને સાળાને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવેલ છે.

પોલીસે હત્યા કરનાર જમાઈ હિતેશ ભરતભાઈ કોરડીયાની ધરપકડ કરી છે આ બનાવથી થાનગઢ પંથકમાં ખળભળાટ મચી ગયો છે.

થાન તાલુકાના સરોડી ગામે પતિ દ્વારા પત્ની રીસામણે હોય તે અંગેનું મનદુઃખ રાખી જીવલેણ હુમલો કરતાં સાળીનું ઘટના સ્થળે મોત નીપજયું હતું જયારે સસરાનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું તેમજ સાળો, સાસુ અને પત્નીને ઈજાઓ પહોચી હતી આમ ડબ્બલ હત્યાના બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

થાનના સરોડી ગામે હત્યાના બનાવ બાદ આરોપી પતિ રૂમમાં પુરાઈ જતાં બહારથી તાળુ માળી પોલીસને જાણ કરવામાં આવી હતી આથી પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને બનાવના સ્થળેથી જ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

સરોડી ગામે રહેતી મીનાબેન દામજીભાઈ ચાવડાના લગ્ન આશરે દોઢ વર્ષ પહેલા મૂળી ખાતે હિતેશ ભરતભાઈ કોરડીયા સાથે થયા હતા.લગ્ન થયા ત્યારથી મીનાબેનને સાસુ સસરા પતિ શારીરિક-માનસિક ત્રાસ આપતા હોય, તેઓ છેલ્લા આઠ મહિનાથી પિયર તેડી લાવેલ જે પોતાના માતા પિતા અને પરીવાર સાથે રહેતા હતા ત્યારે ગઇ કાલે તા. ૫/૧ ના સવારે અચાનક હિતેશ આવી ખુની ખેલ ખેલી એક રૂમમાં પુરાઈ ગયો હતો પોલીસ બોલાવવામાં આવી હતી. પોલીસ આવી રૂમને ખોલતા આરોપીએ બન્ને હાથમાં છરી રાખી ભાગવાનો પ્રયત્ન કરતાં અને પોલીસ પકડવા જતા પોલીસનાં હાથે પણ છરી અડી જતાં આંગળામાં ઈજા થવાનો બનાવ બનવા પામ્યો છે. આરોપીને પાંચ મહિનાનું બાળક પણ છે.

તમામ ઇજાગ્રસ્તોને વાંકાનેર રાજકોટ ખાતે ખસેડવામાં આવેલ છે બનાવની જાણ થતા ડી.એસ.પી. મહેન્દ્ર બગડીયા ડી. વાય.એસ.પી. સી. પી. મુંધવા, એલસીબી પીઆઈ ડી એમ ઢોલ થાન પીઆઇ ચોધરી, એસ.ઓ.જી ચોટીલા સાયલા મૂળી સહિતનો પોલીસ કાફલો થાન પોલીસ મથકે ખડકી દેવામાં આવેલ.

આરોપી હિતેશ ભરત કોરડીયા ની સતર્કતા દાખવી સ્થળ પરથી જ ધરપકડ કરવામાં આવી હતી અને લોકોનાં રોષનો ભોગ બનતા અટકયો હતો જો કે ઝગડામાં તેને પણ માથાના તથા શરીરના જુદા જુદા ભાગે ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે પ્રથમ ચોટીલા વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.

૧૨૦૦ આસપાસ વસ્તી ધરાવતા સરોડી ગામમાં એકી સાથે એક જ પરિવારના ગૃહ કંકાસમાં પાંચ પાંચ સભ્યો ઉપર હુમલાનો બનાવ બનતા ગામમાં ઉશ્કેરાટ વ્યાપી ગયો હતો અને ગ્રામજનો દ્વારા આરોપી અમને સોપી દો ની વાત સાથે ઘર્ષણ સર્જયેલ અને પ્રાઇવેટ ગાડીના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા જોકે પોલીસે આ વાતનો નનૈયો રાખેલ છે.

સરોડી ગામે ખેલાયેલ જંગના વિડીયો વાયરલ થતા આરોપીના હાથમાં ખુની ખેલ ખેલાતા વિસ્તારનાં લોકો મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયાનું જોવા મળે છે તો આરોપી ખુખાર રીતે ખુલ્લી છરી સાથે કેદ થયેલ છે. લોકો બોલી રહ્યા છે હેઠો બેહ ભાઇ સાબ થાવાનું હતુ તે થઇ ગયું કોઇ ૧૦૮ વાળાને ફોન કરો ઇજા પામેલ લોકો ફળીયામાં પડેલા દેખાય છે.

ઘટના બાદ ગામ લોકો એટલી હદે ઉશ્કેરાયેલા કે થાન પોલીસ સ્ટેશનમાં મોટી સંખ્યામાં ઘસી ગયેલ અને હત્યારાને ફાંસી કરી ન્યાય કરોનો રોષ વ્યકત કરેલ અંતે સમજાવટથી મામલો થાળે પાડી ગામમાં એસઆરપી સહિત ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

હદયને હચમચાવી દેતા આ હત્યા કાંડથી સમગ્ર ઝાલાવાડ સાથે સૌરાષ્ટ્રમાં ચર્ચાનો વિષય બનેલ છે ત્યારે પંથકમાં ઘરેલુ ઝઘડાથી બનતી હિંસાની ઘટના પાછળ કેવા પરિબળો જવાબદાર હોય છે એને ખાળવા અને આવા બનાવને અટકાવવા કેવા પગલા અત્યાર સુધી લેવામાં આવ્યા છે.? તે પણ ગંભીરતા ભર્યો સવાલ ઉદ્ભવે છે.

(11:15 am IST)