Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

હું ડેલીએ ઉભી'તી ને જમાઇ બેય હાથમાં છરી લઇને આવ્યો, પહેલા મને પછી દિકરીને ને પછી મારા ધણી ન્હાઇને બહાર આવ્યા ત્યાં તેને પણ ઘા ઝીંકી દીધા

થાનના સરોડીમાં ડબલ મર્ડરઃ બચી ગયેલા ઉષાબેન ચાવડાને રાજકોટ ખસેડાયા...રડતાં રડતાં ઘટના વર્ણવતા કહ્યું-: ઉષાબેન (ઉ.વ.૪૨) અને પુત્ર લલીત (ઉ.વ.૧૯) સારવારમાં: તેના પતિ દામજીભાઇ હરિભાઇ ચાવડા (ઉ.વ.૪૫)એ રાજકોટમાં અને દિકરી સોનલ (ઉ.વ.૨૨)એ થાનમાં ઘટના સ્થળે દમ તોડ્યોઃ બબ્બે હત્યા કરનાર હિતેષ કોટડીયા પણ રાજકોટ સારવારમાં

ડબલ મર્ડરઃ જેની હત્યા થઇ તે દામજીભાઇ હરિભાઇ ચાવડાનો નિષ્પ્રાણ દેહ તથા તેની દિકરી સોનલ (ઉ.વ.૨૨)નો ફાઇલ ફોટો તથા જમાઇના હુમલામાં ઘાયલ થયેલા અને બચી ગયેલા સાસુ ઉષાબેન દામજીભાઇ ચાવડા સારવાર હેઠળ નજરે પડે છે. અન્ય તસ્વીરોમાં ઘટના સ્થળ, એકઠા થયેલા લોકો, પોલીસ અધિકારી અને સ્ટાફ તથા બંને હાથમાં છરી સાથે વાયરલ થયેલો હિતેષ કોટડીયાનો સોશિયલ મિડીયામાં ફરતો થયેલો ફોટો જોઇ શકાય છે.

રાજકોટ તા. ૬: થાનના સરોડીમાં જમાઇએ બેફામ બની સસરા, સાસુ, સાળી, પત્નિ અને સાળા પર છરીના આડેધડ ઘા ઝીંકતાં સાળીનું ઘટના સ્થળે અને તેના સસરાનું રાજકોટ હોસ્પિટલમાં મોત નિપજતાં ઘટના ડબલ મર્ડરમાં પરિણમી હતી. જમાઇના હુમલામાં બચી ગયેલા સાસુ ઉષાબેન દામજીભાઇ ચાવડા (ચમાર) (ઉ.વ.૪૨) અને તેનો પુત્ર લલીત દામજીભાઇ ચાવડા (ઉ.વ.૧૯) રાજકોટ સારવાર હેઠળ છે. બબ્બે લોથ ઢાળી દેનારા આરોપી મુળી આંબેડકરનગરમાં રહેતાં હિતેષ ભરતભાઇ કોટડીયા (ઉ.વ.૩૨)ને પણ ઇજા થઇ હોઇ તેને પણ રાજકોટ સારવાર માટે ખસેડાયો છે. હોસ્પિટલના બિછાનેથી સમગ્ર ઘટનાની રડતાં-રડતાં વિતક વર્ણવતા ઉષાબેને કહ્યું હતું કે-હું ડેલીએ ઉભી હતી ત્યાં જમાઇ હિતેષ બેય હાથમાં છરી લઇને આવ્યો હતો. હું કંઇ વિચારૂ એ પહેલા જ મને ઘા ઝીંકી દીધા હતાં. મારી નાની દિકરી સોનલ  બચાવવા આવતાં એના પર તૂટી પડ્યો હતો. એ પછી મારા ધણી દામજીભાઇ ન્હાઇને બહાર આવ્યા ત્યાં જ તેને પણ ઘા ઝીંકી દીધા હતાં. મોટી દિકરી મીના અને દિકરા લલીતને પણ જમાઇએ ઘાયલ કર્યા હતાં અને એ પછી તે રૂમમાં પુરાઇ ગયો હતો.

ઉષાબેને વધુમાં જણાવ્યું હતું કે મારી દિકરી મીનાના લગ્ન બે વર્ષ પહેલા મુળીના હિતેષ કોટડીયા સાથે થયા છે. હિતેષ કારખાનામાં કામ કરે છે. દિકરી મીનાને તે સગર્ભા હતી ત્યારથી જ જમાઇએ નાની નાની વાતે ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. આથી એ સગર્ભા હાલતમાં જ અમારા ઘરે રિસામણે આવી ગઇ હતી. સાતેક મહિનાથી તે માવતરે હતી. પાંચ મહિના પહેલા તેણીએ દિકરાને જન્મ આપ્યો હતો. 

ગઇકાલે હું ઘરની ડેલીએ ઉભી હતી અને મારી દિકરી સોનલ અંદર ગઇ હતી ત્યાં જ જમાઇને મેં બેય હાથમાં છરીઓ સાથે આવતો જોયો હતો. હું હજી કંઇ વધુ વિચારું એ પહેલા જ તેણે આવીને મને ઘા ઝીંકવાનું ચાલુ કરી દેતાં મેં દેકારો કરતાં દિકરી સોનલ દોડી આવતાં એને પણ હિતેષે ઘા ઝીંકી દીધી હતાં. વધુ દેકારો થતાં બીજી દિકરી મીના અને દિકરો લલીત દોડી આવતાં આ બંનેને પણ હિતેષે ઘાયલ કર્યા હતાં. મોટી દિકરી મીના તો તેના બાળકને લઇને સંતાઇ ગઇ હતી.

વધુ દેકારો થતાં મારા ધણી દામજીભાઇ જે ન્હાવા ગયા હતાં એ પેન્ટ પહેરીને બહાર આવ્યા ત્યાં જ તેને પણ હિતેષે છરીના ઘા ઝીંકી દીધા હતાં. ભારે દેકારો થતાં બીજા લોકો પણ દોડી આવ્યા હતાં. એ પછી જમાઇ એક રૂમમાં છુપાઇ ગયો હતો. હોસ્પિટલના બિછાનેથી વિતક વર્ણવતા ઉષાબેન હિબકે ચડી ગયા હતાં.

થાન પોલીસે રાજકોટ હોસ્પિટલમાં આરોપી હિતેષ ઉપર બંદોબસ્ત ગોઠવી રાખ્યો છે. અહિથી રજા અપાયા બાદ ધરપકડની કાર્યવાહી થશે. જમાઇના હાથે સસરા-સાળીની હત્યાથી ઘટનાએ થાન પંથક અને સમાજમાં ગમગીની ફેલાવી દીધી છે.

સાળી-સસરાને પતાવી દેનારા હિતેષનું  રટણઃ મને પાંચ મહિનાથી દિકરાનું મોઢુ જોવા દેતાં નહોતા અને ખોટી ફરિયાદો કરતા'તા એટલે કાળ ચડ્યો!

. સસરા અને સાળા એમ બંનેને છરીના ઘા ઝીંકી રહેંસી નાખનાર જમાઇ મુળી આંબેડકરનગરમાં રહેતો હિતેષ ભરતભાઇ કોટડીયા (ઉ.વ.૩૨) આડેધડ છરીના ઘા ઝીંકયા બાદ વળતા હુમલામાં ઘાયલ થતાં રૂમમાં પુરાઇ ગયો હતો. તેને પોલીસે બચાવ્યો હતો અને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અહિ હોસ્પિટલના બિછાનેથી હિતેષે એવું રટણ કર્યુ હતું કે-મને પાંચ મહિનાથી મારા દિકરાનું મોઢુ જોવા દેતાં નહોતાં અને ખોટી ફરિયાદો કરતાં હતાં. આ કારણે મને કાળ ચડતાં મેં હુમલો કરી દીધો હતો. જો કે હિતેષની વિધીવત ધરપકડ બાદ પોલીસ તેનું નિવેદન નોંધશે.

(11:16 am IST)