Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

સાચો રહી ન જાય : ખોટો લઇ ન જાય : વિજયભાઇ

ભુજ અકસ્માતના પરિવારજનોને ૫.૫ લાખની સહાય જાહેર કરતી રૂપાણી સરકાર

 ભુજ તા. ૫ : કચ્છના એક દિવસના પ્રવાસે આવેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી લખપત અને ભુજના પોતાના કાર્યક્રમ બાદ એકાએક ભુજના કેમ્પ વિસ્તારમાં પહોંચી ગયા હતા. આમતો, તેમના સત્તાવાર પ્રવાસ યાદીમાં આ કાર્યક્રમ ન હતો પરંતુ અચાનક મુખ્યમંત્રીએ હાલમાંજ ભચાઉ નજીક અકસ્માતમાં મૃત્યુ પામેલા એકજ પરિવારના ૧૧ મૃત્યુ પામનાર સભ્યોના ઘરની મુલાકાત લીધી હતી. અને નાણાકીય સહાયની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી રાહતનીધી ફંડમાંથી અકસ્માતમાં મૃત્યુ પામનાર ચાર પરિવારના ૧૧ સભ્યોને પાંચ પાંચ લાખ રૂપીયા આપવાની જાહેરાત કરી હતી. પાંચ દિવસ પહેલા ભુજનો કોટિયા પરિવાર ધાર્મીક સ્થળે દર્શન કર્યા બાદ ગાંધીધામ જઇ રહ્યો હતો ત્યારે ચીરઇ નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં પરિવારના ૧૧ સભ્યો મૃત્યુ પામ્યા હતા આજે રાજયમંત્રી વાસણભાઈ આહિર,સ્થાનીક ધારાસભ્ય અને સાંસદ સાથે મુખ્યમંત્રીઙ્ગ કોટિયા પરિવારના ઘરે પહોચ્યા હતા અને તેમને સાંત્વના આપી રાજય સરકાર તરફથી સહાયની જાહેરાત કરી પોતાની સંવેદના દર્શાવી હતી. એકજ પરિવારના અલગઅલગ ચાર કુટુંબના ૧૧ સભ્યો અકસ્માતની દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા અને તે સમયે પણ મુખ્યમંત્રીએ તંત્રને મદદ માટે સુચના આપી હતી. આજે પોતાના કચ્છના પ્રવાસ દરમ્યાન મુખ્યમંત્રીએ તેમના ઘરની મુલાકાત લીધી હતી.

મુખ્યમંત્રી એ લખપત મધ્યે ગુરુદ્વારા ના વિકાસ કાર્યોનું અને ભુજ મધ્યે ભુજીયા ડુંગર ના વિકાસ કાર્યો ના ખાતમુહૂર્ત કર્યું હતું. તો, ભુજના ટાઉનહોલ મધ્યે ગરીબકલ્યાણ મેળામાં સાધનસહાય નું વિતરણ કર્યું હતું. જોકે, ભુજમાં કલેકટર કચેરી મધ્યે અછત ની સમીક્ષા બેઠક બાદ મીડીયા સાથે વાત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છ માટે મહત્વની જાહેરાતો કરી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્તમાન અછતની પરિસ્થિતિમાં કચ્છના ૨ લાખ ખેડૂતોને મદદરૂપ બનવા ૨૪૬ કરોડ ઈં  ફાળવ્યા હોવાની જાહેરાત કરી હતી. ૨ હેકટર થી ઓછી જમીન ધરાવનારા ખેડૂતો માટે ૬ હજાર ઈં  અને ૨ હેકટર થી વધુ જમીન ધરાવનારાઓ માત્ર ૧૩ હજાર ઈં  ની સહાય સરકાર આપશે. એક ખેડુત ને એક જ વખત સહાય મળશે જે રકમ સીધી તેના બેંક ખાતામાં જમા થશે. અલગ થી એફિડેવિટ કે સોગંદનામું કરવાનું નથી પણ માત્ર અરજીપત્રક માં આપેલ સાદા સોગંદનામાં માં જ સહી કરવાની હોવાનો ખુલાસો ખુદ મુખ્યમંત્રી એ કર્યો હતો. કચ્છ માં દરિયા ના ખારા પાણી માથી રોજ ૧૦ કરોડ લીટર પાણી મીઠું કરવાની યોજના માટે ૧૪ મી જાન્યુઆરીથી ટેન્ડર બહાર પાડવાની જાહેરાત કરતા મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે આ ડીસએલીનેસન પ્લાન્ટ મુન્દ્રા, માંડવી અથવા લખપત એ ત્રણ જગ્યાએ થી કોઈ પણ બે જગ્યાએ કાર્યરત થશે. જોકે, આ ડીસએલીનેશન પ્લાન્ટ બે વર્ષ પછી કામ કરતા થશે. અત્યાર સુધી બાવન ઢોરવાડા ને મંજૂરી આપી દીધી હોવાનું અને હજી પણ વધુ ઢોરવાડા ખોલવાની મંજૂરી આપવા સરકાર તૈયાર છે. નર્મદાનું પાણી આજે લખપત પહોંચ્યા છે આગામી સમય માં ગાંધીધામ નો ટપ્પર ડેમ નર્મદાના પાણી થી ભરાશે તે ઉપરાંત જરૂરત પડ્યે પાણી નો જથ્થો પણ સરકાર વધારશે. અછત માં રોજગારી આપવા પણ સરકાર મક્કમ છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયભરમાં યોજાઇ રહેલા અગિયારમા તબક્કાના ગરીબ કલ્યાણ મેળાઓને ગરીબોની તકલીફોના નિવારણ  માટે રાજય સરકારે લીધેલાં સંવેદનશીલ નિર્ણય ગણાવ્યા હતા, અને આ મેળાઓમાં મળેલી સાધન-સહાય થકી  લાભાર્થીઓને તેમના જીવન વધુ ઉન્નત અને ઉજ્જવળ બનાવવા અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગરીબ કલ્યાણ મેળા અંગેની રાજયસરકારની નીતિની સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, સહાય મેળવવામાં 'ખોટો લઇ ન જાય અને સાચો રહી ન જાય'તે બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે, જેના ભાગરૂપે યોગ્ય નાગરિકોને તેમના હુન્નરને અનુરૂપ સાધન-સહાય આપી શકાયા છે.

અછતગ્રસ્ત કચ્છ જિલ્લા માટે રૂ. ૨૪૭ કરોડની કૃષિ ઇનપુટ સબસિડી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આપવાની જાહેરાત ભુજ ખાતેના ગરીબ કલ્યાણ મેળામાં કરી હતી, તથા જીવ માત્રની ચિંતા અર્થે રાજયસરકારે સેવેલી ચિંતાની લાગણી પ્રગટ કરી હતી. રાજયસરકારે લોકકલ્યાણ માટે લીધેલા અન્ય પગલાંઓની સવિસ્તર માહિતી પણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇએ તેમના વકતવ્યમાં અસરકારક રીતે વણી લીધી હતી.  આ કાર્યક્રમમાં સંસદસભ્યશ્રી વિનોદભાઇ ચાવડા, ધારાસભ્યો સર્વશ્રી નીમાબેન આચાર્ય, શ્રી માલતીબેન મહેશ્વરી અને શ્રી વીરેન્દ્રસિંહજી જાડેજા,  જિલ્લા પંચાયત પ્રમુખશ્રી લક્ષ્મણસિંહ સોઢા, નગરપાલિકા પ્રમુખશ્રી લતાબેન સોલંકી, જિલ્લા કલેકટર સુશ્રી રેમ્યા મોહન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રભવ જોષી, અગ્રસચિવો, સચિવશ્રીઓ, કચ્છ જિલ્લાના વિવિધ તાલુકાઓના નાગરિકો તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.(૨૧.૧૨)

(11:52 am IST)