Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

મોરબી ભાજપ કોંગ્રેસ ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય દાવ પર ! કોરીપાટી જેવી 'આપ'ને કંઇ ગૂમાવવાનું નથી !

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૫ : મોરબી પ્રથમ રાઉન્ડમાં મતદાન પુરૃ થયા બાદ શહેરભરમાં, જયાં જુઓ ત્યાં શેરીઓ ગલીઓ થી લઇ સોસાયટીઓ સુઘી દીવસરાત એકજ ચર્ચા ચાલી રહી છે. અને તે એ કે મોરબીમાં કાનાભાઈ કે જયંતિભાઈ બન્ને માંથી કોણ જીતશે?

ત્યારે મોરબીના મતદારોએ ઉમેદવારો સહિત તેના કહેવાતા રાજકીય મહારથીઓ, બહોળો રાજકીય અનુભવ ધરાવતા રાજકીય પંડિતો પોતપોતાના ઉમેદવારોને થયેલા મતદાનમાંથી કેટલા મતો મળશે? કેટલી લીડ મળશે? કયાં ખાધ પડશે અને કયાં પ્લસ મળશે તેના આંકડાઓનો ટાંગામેળ કરવામાં ઉંધેકાંધ કર્યા છે કે, ઉમેદવારના રાજકીય પંડિતો ચારદિવસ વીતવા છતાં પણ ખોંખારો ખાઈને, છાતી ઠોકીને દાવો કરતા દેખાતા નથી, કે અમારા ઉમેદવાર જ જીતશે.

હા ભાજપ કોંગ્રેસ બન્ને પક્ષના સમર્થકો અમે જીતસુ પણ લીડ બહુ ઓછી નીકળશે તેવું કહેતા ફરેછે. આ વાત કરવા સમયે પણ તેને પોતાને પણ જીતનો વિશ્વાસ નથી તેવું સ્પષ્ટ દેખાઈ આવેછે.

અને આ પ્રથમ એવી ચૂંટણી આવી છે. જેમાં મતદારોનો મિજાજ પારખવામાં ઉમેદવારો ઉણા ઉતર્યા છે.ઙ્ગ અને ચિંતામાં પણ મુકાયા છે. અને ચિંતામાં મુકાય તે સ્વાભાવિક છે કારણકે બન્ને ભાજપ કોંગ્રેસના ઉમેદવારનું રાજકીય ભવિષ્ય દાવ પર લાગ્યું છે. બન્ને ઉમેદવારો છ છ વખત ચૂંટણી લડી ચુકયા છે અને બન્નેને પોતપોતાની પાર્ટીઓએ સાતમી વખત ટિકિટ આપી છે. તેથી તેઓના માટે આ મરણીયા જંગ સમાન આરપારનો જંગ છે. જયારે આમ આદમી પાર્ટી માટે તો વકરો એટલો નફો જ છે. કોરીપાટી જેવા આપના ઉમેદવારને કશું ગુમાવવાનું નથી કારણકે તેના રાજકીય ભવિષ્યની આ શરૃઆત છે.

કયા પક્ષના કયા મુદ્દાઓ કેટલા અસરકારક રહ્યા? કયા ઉમેદવાર પર મતદારોએ ભરોસો કર્યો અને વિજયની વરમાળા પહેરાવસે? આવા તમામ સવાલોના જવાબ મેળવવા તા ૮ સુધી રાહ જોવી પડશે.

હા એક વાત ચોક્કસ છે, પાંચ પાંચ આંકડામાં ઉમેદવારને લીડ નીકળતી, લાખો કરોડોની ઉમેદવારના નામ પર શરતો લાગતી એ વાત ભુતકાળ બની ગઇ હોય તેવુ લાગે છે. અને ઉમેદવારોએ પણ આ બાબતે મનોમંથન કરવું પડશે

(12:36 pm IST)