Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

પ્રેમ પ્રકરણમાં નિર્દોષ કુટાઇ ગયોઃ અગાઉ ર વખત રફીકને મારી નાંખવા પ્રયાસ થયા'તા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., પઃ પ્રેમી સાથે કરવા લગ્ન માટે પતિને પતાવી દેવા સોરઠમાં પ્રથમ વખત એક મહિલાએ કાતિલ ઝેર સાઈનાઈડનો  ઉપયોગ કરીને ક્રુરતાની તમામ હદ વટાવી દીધી છે. જોકે પોલીસે મૃતકની પત્‍ની  મહેમુદા તથા તેનો પ્રેમી આસિફ અને આસિફનો મિત્ર ઈમરાનની ધરપકડ કરીને તમામને પાંચ દિવસનાં રીમાન્‍ડ ઉપર મેળવીને આગળની તપાસ હાથ ધરી છે.

જૂનાગઢમાં દિવસ-રાત સતત ધમધમતા ગાંધી ચોકમાં જાહેર શૌચાલયની બાજુમાં રિક્ષા સ્‍ટેન્‍ડ પાસે રિક્ષા ચાલક રફીક હસનભાઈ ઘોઘારી અને ભરત ઉર્ફે જોન છગન પીઠડીયાનું ગત તા. ૨૮ નવેમ્‍બરનાં સાંજના ૭.૩૦ના અરસામાં ઝેરી પ્રવાહી પીવાથી મૃત્‍યુ નીપજયું હતું. આ મામલે બી ડીવીઝન પોલીસે એડી નોંધીને ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વિધાનસભા ચુંટણી સમયે જ બે રિક્ષા ચાલકનાં શંકાસ્‍પદ મોતના પગલે બન્નેના મોત લઠ્ઠાકાંડને લઈને થયા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્‍યું હતું. આ બનાવથી પોલીસ પણ હરકતમાં આવી ગઈ હતી અને રાજયનાં પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટીયાએ ઘટનાની ગંભીર નોંધ લઈ તાત્‍કાલિક એડીશનલ ડીજીપી રાજકુમાર પાંડિયન તથા એટીએસના અધિકારીઓને તપાસ અર્થે જૂનાગઢ મોકલ્‍યા હતા. તેઓએ પોસ્‍ટ મોર્ટમ રિપોર્ટ વગેરેના આધારે બન્નેના મૃત્‍યુ લઠ્ઠાકાંડને લઈને નહી પરંતુ કાતિલ ઝેર સાઈનાઈડનાં કારણે થયા હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવનો ભેદ ઉકેલવા માટે જૂનાગઢ રેન્‍જના પોલીસ પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજ વાસમ શેટ્ટીએ પોલીસ અધિકારીઓની ટીમો બનાવીને સુપરવિઝન કરવાની સાથે માર્ગદર્શન પુરૂ પાડ્‍યું હતું.

ડીવાયએસપી હિતેશ ધાંધલ્‍યા, એલસીબીના પીઆઈ જે. એચ. સિંધવ પીએસઆઈ જે. જે. ગઢવી, ડી.એમ. જલુ, પેરોલ ફર્લોના પીએસઆઈ વી.કે.ઉંજીયા, બી ડિવીઝન પીઆઈ એન.એ.શાહ વગેરેની ટીમે બાતમીદારોને કામે લગાડીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા કમર કસી હતી. આ દરમ્‍યાન મૃતક રફીકની પત્‍ની મહેમુદાને તેની બાજુમાં જ રહેતો આસિફ રજાક ચૌહાણ સાથે આઠ માસથી પ્રેમ સંબંધ હોય અને જેમાં રફીક આડખીલીરૂપ થતો હોય જેથી રફીકનો કાંટો કાઢી નાખવા રફિકભાઈને દાવત સોડાની બોટલ મારફતે ઝેરી પ્રવાહી પીવડાવી દીધું હોવાની બાતમી મળતા પોલીસે બન્નેને ઉઠાવી લઈ આકરી પુછપરછ કરતા મહેમુદા, આસિફ રજાક અને તેનો મિત્ર ઇમરાન કાસમ ચૌહાણએ રફીકની હત્‍યાનું કાવત્રું ઘડ્‍યું હોવાની કબુલાત આપી હતી. આથી પોલીસે ઈમરાનને પણ ઉઠાવી લીધો હતો.

આ બનાવમાં પ્રથમ રફીકે ઝેરી પ્રવાહીવાળુ પીણું પીધા પછી આ પ્રવાહી ભરત ઉર્ફે જોન છગન પીઠડીયાએ પણ પીતા તેને પણ જીવ ગુમાવવો પડયો હતો.

એટલું જ નહી રફીકને મારી નાખવા માટે મહેમુદા અને આસિફે અગાઉ બે વાર નિષ્‍ફળ પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી મોટી સફળતા મેળવી છે. આ ગુનાનો ભેદ ઉકલેવા માટે પોલીસ અધિકારીઓની સાથે એલસીબી તેમજ પેરોલ ફર્લો વગેરેના પોલીસ સ્‍ટાફે મહત્‍વની ફરજ બજાવી હતી. પ્રથમ એડી દાખલ થયેલ. પરંતુ શનિવારની રાત્રે મૃતક રફિકભાઈનાં ભાઈ ફારૂક ઘોઘારીએ મહેમુદા તથા આસિફ ચૌહાણ અને ઇમરાન કાસમ સામે રફિકભાઈ તથા ભરત ઉર્ફે જોન છગન પીઠડીયાની હત્‍યાની ફરિયાદ કરતા બી ડિવીઝન પીઆઈ એન. એ. શાહે કાર્યવાહી કરી હતી.

આ બનાવમાં અત્‍યાર સુધી એક મહિલા અને બે શખ્‍શોની ધરપકડ કરવામાં આવી છે. ગત રાત્રે પીઆઈ શાહે ત્રયેણ આરોપીને ૧૪ દિવસનાં રીમાન્‍ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કર્યા હતા. અદાલતે પાંચ દિવસના એટલે કે શુકવાર સુધીના રીમાન્‍ડ મંજુર કરતા હત્‍યા માટે સાઈનાઈડ કોની પાસેથી મેળવ્‍યું? તેમજ આ ગુનામાં અન્‍ય શખ્‍શોની સંડોવણી છે કે કેમ તે અંગે ત્રિપુટીની પુછપરછ તેમજ  તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે માનવ હત્‍યા માટે સાઈનાઈડ કાતિલ ઝેરનો ઉપયોગ કરવાની સોરઠમાં આ પ્રથમ ઘટના છે. તેમાય ખાસ કરીને એક મહિલાએ પોતાના જ પતિની હત્‍યા માટે પ્રેમી અને તેના મિત્રની સાથે મળીને કાવત્રુ ઘડી સાઈનાઈડ થકી પતિની સાથે અન્‍યને પણ યમધામ પહોંચાડી દેતા હવે ત્રણેયને જેલના સળિયા ગણવાનો વારો આવ્‍યો છે.

(11:27 am IST)