Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

ગીર ઇકોઝોનમાં કરોડોની ખનિજ ચોરીનો પર્દાફાશ કરનાર ઇન્ચાર્જ એસ.પી. પાસેથી ચાર્જ લઇ લેવાયો

(અશોક પાઠક દ્વારા) કોડીનાર, તા.પ : ગીર-ઇકોઝોન વિસ્તારમાં ધમધમતી ૧૧ ગેરકાયદે ખાણો ઉપર મધ્યરાત્રીએ પ્લાનીંગથી રેડ પાડીને કરોડો રૂ.ની ખનિજ ચોરીનો પર્દાફાશ કરનાર ગીર સોમનાથના ઇન્ચાર્જ એસ.પી. ઓમપ્રકાશ જાટની પાસેથી તાત્કાલીક અસરથી એસ.પી.નો ચાર્જ લઇને જુનાગઢ જીલ્લા એસ.પી. રવિતેજા વાસમશેટીને સોંપવાનો ગંધીનગર ડી.જી. કચેરીના વહીવટ વિભાગની વડા આઇ.જી. બ્રિજેશકુમારે હુકમ કર્યો છે.

ગીરસોમનાથ જીલ્લાના એસ.પી. રાહુલ ત્રિપાઠી હોમ આઇસોલેશન ઉપર હોવાથી તેનો ચાર્જ ગીર સોમનાથના એ.એસ.પી. ઓમપ્રકાશ જાટ પાસે હોત અને અચાનક જ ગાંધીનગર ડી.જી. કચેરી દ્વારા તેમની પાસેથી ચાર્જ લઇને જુનાગઢ જીલ્લાના એસ.પી.ને સોંપાતા ચકચાર મચી ગઇ હતી. ઇન્ચાર્જ એસ.પી. ઓમપ્રકાશ જાટને મહેશભાઇ મકવાણાએ આધાર પુરાવા સાથે ચોંકાવનારી હકીકત જણાવતા ગીરસોમનાથના આ બાહોશ ઇન્ચાર્જ એસ.પી.એ તેમની ચુનંદા સ્ટાફ સાથે બે દિવસ પહેલા રાત્રીના સમયે મોટર સાયકલ ઉપર સફર ખેડીને ગીર ઇકોઝોનમાંથી એકી સાથે અગિયાર સ્થળેથી કરોડો રૂ.ની મુદામાલ સાથેની ખનિજ ચોરી પકડી પાડી હતી. કહેવાય છે કે ખનિજ ચોરો છેક ગાંધીનગર સુધી પ્રસાદી પહોંચાડતા હોય, એસ.પી.ને આ કામગીરી ઉપર રોક લગાવવા અને ઢીલુ છોડવા ટેલીફોન-મોબાઇલ ધણધણી ઉઠયા હતા, પરંતુ આ બાહોશ એસ.પી.એ એકજ જવાબ રાખ્યો હતો કે તમે તમારૂ કામ કરો હું મારૂ કામ કરૂ. બાદ ગાંધીનગરના એકજ આદેશથી હાલ આ અધિકારી પાસેથી એસ.પી.નો ચાર્જ લઇ લેવામાં આવ્યો છે ત્યારે ખનિજ ચોરો સામે આગળ શું કાર્યવાહી થાય છે. તે તરફ સૌની નજર છે.

(11:47 am IST)