Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

હળવદ પાસે બે અકસ્માતમાં ૪ના મોત

કચ્છના ગઢવી પરિવારના સભ્યો દર્દીને લઇને વતન પરત ફરી રહ્યા હતા ત્યારે એમ્બ્યુલન્સને અકસ્માત નડયો : કચ્છના એક જ પરિવારના ૩ના મોતથી અરેરાટી : નવા ધનાળા પાટીયા પાસે હિટ એન્ડ રનમાં આધેડનું મૃત્યુ

(દિપક જાની - ફઝલ ચૌહાણ દ્વારા) હળવદ - વઢવાણ તા. ૫ : મોરબી જિલ્લાના હળવદ નજીક કાલે રાત્રીના કચ્છના ગઢવી પરિવારના ૩ સભ્યોના અકસ્માતમાં મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે. જ્યારે નવા ઘનાળા પાસે હિટ એન્ડ રનમાં એક વ્યકિતનું મોત થતા બે અકસ્માતમાં ૪ના મોતથી અરેરાટી વ્યાપી ગઇ છે.

હળવદના ધનાળા ગામના પાટિયા પાસે આજે રાત્રીના આશરે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ કચ્છમાં જતા ગઢવી પરિવારને ગોઝારા અકસ્માત નડ્યો હતો જેમાં એક જ પરીવારના ત્રણ સ્વજનો મોતને ભેટયા હતા. જયારે અન્ય બે ઇજાગ્રસ્ત થતા ૪ સારવારમાં ખસેડવામાં આવ્યા છે. જે એમ્બ્યુલન્સ દર્દીના જીવનને બચાવવા માટે હોય છે તેને જ અકસ્માત નડી જતા એમ્બ્યુલન્સ મોતનું કારણ બની જતા માતમ છવાયો છે.

બનાવની વિગત એવી છે કે મોરબી જિલ્લાના હળવદના ધનાળા ગામના પાટીયા પાસે મોડી રાત્રીના ૧૨.૩૦ વાગ્યાની આસપાસ ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમા એકજ પરીવારના ત્રણ સ્વજનોના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. જેમાં આ પરિવાર માંડવીના લયજા ગામના ગઢવી પરીવારના સભ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

આ પરિવાર અમદાવાદ હોસ્પિટલે સારવારમાં રહેલા દર્દીની તબિયત સુધરતા અમદાવાદ હોસ્પિટલેથી રજા લઇને ખાનગી એમ્બ્યુલન્સમા પોતાના ઘરે પરત જઇ રહ્યા હતા ત્યાં હળવદના ધનાળા ગામના પાટીયા પાસે પહોચતા ડ્રાઇવરે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ગાડી પલ્ટી ખાઇ ગઇ હતી.અને અકસ્માત સર્જાયો હતો.

આ ગોઝારા અકસ્માતમા ગઢવી પરીવારના એકજ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે. જેમાં રામભાઇ નારાયણભાઇ ગઢવી ઉં. ૩૫ રહે.લયજા તાં.માંડવી જી.કચ્છ, ડ્રાઇવર પિન્ટુભાઇ કાનજીભાઇ ઉ ૨૭ ઇજાગ્રસ્ત થતા વધુ સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા છે

પોલીસે મૃતકોના પરિવાર જનોનો સંપર્ક સાધવા અને તેઓની ઓળખ કરવા વધુ કવાયત હાથ ધરી છે. અકસ્માતમાં પલ્ટી જનાર એમ્બ્યુલન્સ બુકડો બોલેલી હાલતમાં જોવા મળતા અકસ્માત કેટલો ગંભીર હશે તે જાણવા મળી શકે છે.

તાલુકાના નવા ધનાળાના પાટિયા પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે જેની હળવદ પોલીસને જાણ કરતા તાત્કાલિક હળવદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આ અજાણ્યા આધેડને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લાવી વાલી વારસ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે જે કોઈ લાગતા-વળગતા હોય તો હળવદ પોલીસનો સંપર્ક સાધવા જણાવાયું છે.

હળવદ માળીયા હાઈવે નવા ધનાળા પાટીયા પાસે અજાણ્યા વાહનચાલકે અજાણ્યા પુરૂષને ટક્કર મારતા પુરૂષનું મોત નીપજાવેલ છે જે બાબતે અજાણ્યા પુરૂષની ઓળખ થઇ શકેલ નથી જેથી ફોટા માં જણાવેલ અજાણ્યો પુરૂષ કયાંય ગુમ થયેલ હોય તો હળવદ પોલીસનો સંપર્ક કરવા હળવદ પોલીસ સ્ટેશન તરફથી અપીલ કરવામાં આવેલ છે.

(11:45 am IST)