Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

અયોધ્યામાં શ્રી રામલલ્લાને વિરપુર જલારામ મંદિર તરફથી થાળ ધરવાની જાહેરાતના ઉમંગભેર વધામણા : દિવાળી જેવો માહોલ

પૂ. જલારામબાપાના પરિવારજનો દ્વારા જાહેરાત કરાતા ગ્રામજનો - વેપારીઓ દ્વારા ઢોલ-નગારા વગાડીને ફટાકડા ફોટયા : મિઠાઇ વિતરણ

(કિશન મોરબીયા દ્વારા) વીરપુર (જલારામ) તા. ૫ : અયોધ્યામાં નિર્માણ પામી રહેલ રામ મંદિરમાં રામ લલ્લાને જે થાળ ધરવામાં આવશે તે આજીવન વીરપુર જલારામ જગ્યા તરફથી આપવામાં આવશે એવું બાપાના પરીવારજન તરફથી જણાવવામાં આવ્યું હતું.

ઈંટ અમારા ગામની અયોધ્યાધામમાં આ સૂત્ર ૧૯૯૧માં ગામેગામ પ્રચલિત થયું હતું. પરંતુ ત્યાર બાદ કોર્ટ કેઇસમાં ત્રીસ વર્ષ જેટલો સમય વીતી ગયો અને હવે જયારે મંદિર નિર્માણ થઈ રહ્યું છે ત્યારે સમગ્ર દેશમાં ખૂબ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મંદિર નિર્માણમાં દેશભરમાંથી કાર સેવકો શ્રમદાન કરશે, તેમજ દેશના મોટા મંદિરો દ્વારા જુદીજુદી સેવાઓ કરવામાં આવશે. તેમાં અતિ મહત્વનું કહી શકાય તેવું એટલે કે મંદિરમાં રામલલ્લાને બે ટાઈમ જે થાળ ધરવામાં આવશે તે વીરપુર જલારામ જગ્યા તરફથી ધરવાની માંગ મંદિરના ગાદીપતિ રઘુરામબાપા દ્વારા રામ મંદિરના ટ્રસ્ટીઓ સમક્ષ મૂકી જે ટ્રસ્ટીઓએ સ્વીકારી લેતા હવેથી આજીવન રામલલ્લાને થાળ વીરપુર જલારામ જગ્યા તરફથી ધરવામાં આવશે તેવી બાપાના પરિવારજન ભરતભાઇ ચાંદરાણીએ જણાવ્યું હતું.

અયોધ્યામાં રામલલ્લાને વીરપુર તરફથી આજીવન થાળની જાણ વીરપુરમાં થતાં જલાબાપાના ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. ગામલોકો અને વેપારીઓ દ્વારા ઢોલ નગારા વગાડી, ફટાકડા ફોડી એકબીજાના મોં મીઠા કરાવી ઉજવણી કરી હતી.

(11:41 am IST)