Gujarati News

Gujarati News

News of Thursday, 5th December 2019

જાંબુવનની ગુફામાં જઇ સુડીથી ગુપ્તાંગ કાપી નાંખનારા પ્રોૈઢે કહ્યું-ભકિતના માર્ગમાં વાસના આડે ન આવે એટલે આવું કર્યુ

મુળ કુતિયાણાના બાવળાવદરના અને પાંચ વર્ષથી શાપર (વે) રહેતાં પ્રોૈઢ રાજકોટ સારવાર હેઠળઃ આહિર પ્રોૈઢ ગઇકાલે સવારે ઘરેથી જાણ કર્યા વગર નીકળી ગયા'તાઃ સાંજે કોઇએ ફોન કરી તેના દિકરાને બનાવની જાણ કરી

રાજકોટ તા. ૫: 'હવે સંસારમાંથી મન ઉતરી ગયું છે, ભકિત જ કરવી છે, ભકિતના માર્ગમાં વાસના આડે ન આવે એટલે મેં આવું કર્યુ'...આ વાત સિવિલ હોસ્પિટલના બિછાનેથી મુળ પોરબંદરના કુતિયાણાના બાવળાવદરના વતની અને હાલ પાંચેક વર્ષથી પુત્ર, પત્નિ સાથે શાપર વેરાવળમાં સ્થાયી થયેલા અરજણભાઇ રાજશીભાઇ વરૂ (ઉ.વ.૫૫) નામના આહિર પ્રોૈઢે જણાવી હતી...તેમણે ગઇકાલે રાણાવાવની જાંબુવનની ગૂફામાં જઇ સુડીથી પોતાનું અડધુ ગુપ્તાંગ કાપી નાંખતાં પોરબંદર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હોસ્પિટલના બિછાને પહોંચેલા અરજણભાઇ સાત ભાઇમાં બીજા છે અને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. પોતે શાપર વેરાવળમાં પરચુરણ કરિયાણા-ભાગની દૂકાન ચલાવે છે. ગઇકાલે સવારે અરજણભાઇ ઘરે કોઇને કંઇ જાણ કર્યા વગર નીકળી ગયા હતાં. પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી ત્યાં સાંજે ચારેક વાગ્યા બાદ અરજણભાઇના ફોનમાંથી એક વ્યકિતએ તેના શાપર રહેતાં દિકરા લક્ષમણભાઇને ફોન કરી કહ્યું હતું કે આ ફોન જેમનો છે એ બાપાએ સુડીથી પોતાનું ગુપ્તાંગ કાપી નાંખ્યું છે અને તેને પોરબંદર હોસ્પિટલે ખસેડ્યા છે.

આ વાત સાંભળી લક્ષમણભાઇ સહિતના લોકો તાકીદે પોરબંદર જવા રવાના થયા હતાં. ત્યાંની પોલીસની પુછતાછમાં અરજણભાઇએ કહ્યું હતું કે હવે ભગવાનની ભકિતમાં લીન થઇ જવું છે એટલે મેં જાતે મારું ગુપ્તાંગ કાપી નાંખ્યું છે. અરજણભાઇને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજભાઇએ પોરબંદર પોલીસને જાણ કરી હતી.  લક્ષમણભાઇએ કહ્યું હતું કે મારા પિતાજી પહેલેથી ધાર્મિક ભાવના ધરાવે છે. તે દરરોજ ગીતાજીનું પઠન કરે છે અને શ્રીકૃષ્ણના ભજનો સતત ગાતા-સાંભળતા રહે છે. જો કે અગાઉ તેમણે સંસારમાંથી મન ઉઠી ગયાની વાતો કદી કરી નહોતો. ગઇકાલે સાંજે ગુફામાં જઇ આવુ કર્યા બાદ તેમણે હવે સંસારમાંથી મન ઉઠી ગયું છે અને ભકિત જ કરવી છે તેવી વાતો શરૂ કરી હતી.

(11:33 am IST)