Gujarati News

Gujarati News

News of Thursday, 5th December 2019

ખૂન કેસના મનદુઃખથી જુનાગઢના ગલીયાવાડમાં સામસામો સશસ્ત્ર હુમલો

બંને પક્ષની મહિલાઓની સામસામી ફરિયાદ

જુનાગઢ તા.૫: ખૂન કેસનાં મનદુઃખથી જૂનાગઢ તાલુકાના ગલીયાવાડા ગામે ગઇકાલે મહિલાઓ વચ્ચે ધિંગાણુ ખેલાયુ હતું. જેમાં હુમલાની સાથે તોડફડ મચાવીને લુંટ પણ ચલાવવામાં આવી હતી.

આ અંગેની વિગતો એવી છે કે, જૂનાગઢ નજીકના ગલીયાવાડાની બે વ્યકિતને તાજેતરમાં વંથલી  નજીક ટ્રક નીચે કચડી નાંખીને હત્યા થઇ હતી.

આ ખૂન બાબતનું મનદુઃખ રાખી ગઇકાલે ગલીયાવાડાનાં મુસ્કાનબેન યુસુફભાઇ સીડાને ત્યાં તાહીરાબેન ફારૂક સીડા, તસ્લીમબેન ફારૂકભાઇ, રસીદાબેન યુસુફ, હનીફા હુસેનભાઇ અને અમીનાબેન કારાભાઇ નામની મહિલાઓ ઘસી ગઇ હતી.

આશીયાના બેનના માથા ઉપર કુહાડીનો ઘા ઝીંકી દઇ ગંભીર ઇજા પહોંચાડી તેમજ લોખંડના પાઇપ વડે હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો.

સામા પક્ષે આશીયાના અહેમદ, રોશનબેન આમદ, રસીદા મહમદ, રોશન આસિફ, રીઝવાન ઇબ્રાહીમ, મેમુદા આમદ, સમીમ કાસમ, મુશ્કાન યુસુફ સાહિસ્તા યુસુફ, ખતીજા ઉમર, શબાના યાસીન, હુમા હસન, અસ્ફા જાબીર અને ઓજમાણ હાસમ ઉર્ફે ભાયમીયાએ ઢીકાપાટુનો માર મારી અને હનીફાબેનને માથાના ભાગે કુહાડી મારી દીધી હતી.

તેમજ બનાવનું શુટીંગ કરી રહેલ તસ્લીમા પાસેથી રૂ.૧૩ હજારના મોબાઇલ તથા રૂ.૫૫૦ ની રોકડની લૂંટ ચલાવી એકટીવા અને મકાનનાં ડેલામાં તોડફોડ કરી નુકશાન કર્યુ હતું.

આ બનાવ અંગે સામસામી ફરિયાદ લઇ તાલુકા પોલીસે તમામની સામે કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ પી.એસ.આઇ, બી.એમ.વાધમશી ચલાવી રહ્યા છે.

(11:32 am IST)