Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

કોડીનાર એજયુકેશન લોન મેળવનાર વિદ્યાર્થીનું મૃત્યુ થતા બેંક દ્વારા જામીનદારોના ખાતા સીઝ કર્યા !

મૃતકના પિતા દ્વારા કોર્ટમાં આધાર-પુરાવા સાથે રજુઆત કરાઇ

કોડીનાર, તા. પ : કોડીનાર એસ.બી.આઇ. દ્વારા વિદેશ ભણતા વિદ્યાર્થીને એજયુકેશનની લોન આપીને લોન આપનાર અધિકારીએ લોન આપતી વેળાએ એસ.બી.આઇ.ની લાઇફ રીનરક્ષા યોજના મુજબ લોન પ્રક્રિયા નહી કરતા અને આવા એક કોડીનારના વિદ્યાર્થીનું મૃત્યુ નિપજતા તેની લોન બાકીના વળતર માટે કોર્ટમાં દાવો કરતા અને જામીનદારોના ખાતા સીઝ કરી દેતા. એસ.બી.આઇ.ના અધિકારીની ભૂલનો ભોગ બનનાર જામીનદારોએ કોર્ટમાં વિગતવાર અહેવાલ રજૂ કરી તેમના ખાતા ખોટી રીતે સીઝ કરવા બદલ કાર્યવાહી કરી છે.

વિગત એવી છે કે, કોડીનાર પેટા તિજોરી કચેરીના પટ્ટાવાળા તરીકે નોકરી કરતા ધીરૂભાઇ લખમણભાઇ ડેરનો પુત્ર યાજ્ઞિક એન્જીનીયરીંગનો અભ્યાસ પૂરો કરી માસ્ટર ડીગ્રી માટે અમેરિકા અભ્યાસ અર્થે ગયેલ. જેણે અભ્યાસ માટે એસ.બી.આઇ.માંથી રૂ. ૧પ લાખની લોન લીધી હતી. આ લોનની રકમ ભરપાઇ કરી આપી હતી. દરમ્યાન યાજ્ઞિક ડેરનું આકસ્મીક અવસાન થતા ચડત વ્યાજની રકમ બાકી રહી ગયેલ જે રકમ યાજ્ઞિકના અવસાનથી નહીં ભરાતા એસ.બી.આઇ. દ્વારા તેમના પિતા ધીરૂભાઇ ડેર તથા જામીનદારો ઉપર કોર્ટમાં દાવો કર્યો હતો અને આ બન્નેના એસ.બી.આઇ.માં રહેલા એકાઉન્ટ સ્થગીત કર્યા હતા. દરમ્યાન ધીરૂભાઇ ડેર અને જામીનદારના ખાતા સ્થગીત થવા અંગે યાજ્ઞિકની લોન કારણભૂત હોવાનું માલૂમ પડેલ. બાદ યાજ્ઞિકના પિતા ધીરૂભાઇ ડેર એસ.બી.આઇ.માં તપાસ કરતા એવું જાણવા મળેલ કે, યાજ્ઞિકને એજયુકેશન લોન આપતી વેળા એસ.બી.આઇ.ની લોન સ્કીમ મુજબ એસ.બી.આઇ. લાઇફ રીનરક્ષા મુજબ આ લોન પાસ થઇ હતી અને આ લોન સુરક્ષા વિમો લેવાની જવાબદારી ધિરાણ ચૂકવનાર અધિકારીની હોય છે. જેણે અસુરક્ષીત રીતે વિમો ચૂકવીને પોતાની ગંભીર ભૂલને લોન લેનારના જામીનદારો ઉપર ઢોળવાના અને તેના ખાતા ખોટી રીતે સીઝ કરી તેની ઉપર દબાણ લાવવાના પ્રયત્ન સામે મૃતકના પિતા ધીરૂભાઇ ડેરે ઉના કોર્ટમાં આધાર પુરાવા સાથે રજુઆત કરી છે.

આ અંગે કોર્ટમાં આગામી તા. ર૪/૧ર/૧૮ નક્કી કરવામાં આવી છે ત્યારે એસ.બી.આઇ.ના જવાબદાર અધિકારીની ભૂલનો ભોગ બનનાર બન્ને ઇસમો સરકારી નોકરીયાત હોઇ તેના પગારની રકમ પણ ઉપાડી ન શકે ત્યારે તેમનું કુટુંબ નિર્વાહ કેમ ચલાવવો તે પ્રશ્ન ઉભો થયો છે. ત્યારે તેમના સીઝ કરેલા ખાતા તાત્કાલી ચાલુ કરવા પણ જણાવાયું છે.

(11:53 am IST)