Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

શાપર-વેરાવળમાં મસ્કત પોલીસર્મ ફેકટરીમાં ભીષણ આગઃ કરોડોનું નુકશાન

વહેલી સવારે લાગેલી આગમાં સીમેન્ટના પતરાનો શેડ પડી ગયોઃ મશીનરી અને કાચો-પાકો માલ બળીને ખાખઃ રાજકોટ, ગોંડલ, જેતપુર ફાયર બ્રિગેડની મદદ લેવાઇઃ પ૦૦ જેટલા કર્મચારીઓને બહાર કઢાયાઃ ૧૧ વાગ્યે પણ વિકરાળ આગ કાબુમાં આવી નથીઃ જામનગર, મોરબી તથા જસદણ ફાયર બ્રિગેડની મદદ લેવાઇઃ ફેકટરીની બહાર લોકોના ટોળેટોળા

તસ્વીરમાં જયાં આગ લાગી છે તે ફેકટરી અને ભીષણ આગના દ્રશ્યો નજરે પડે છે. છેલ્લી તસ્વીરમાં લોકોના ટોળેટોળા દ્રશ્યમાન થાય છે. (તસ્વીરઃ કમલેશ વાસાણી-શાપર-વેરાવળ)

રાજકોટ, તા., પઃ રાજકોટની ભાગોળે આવેલ ઔદ્યોગીક ઝોન શાપર-વેરાવળમાં મસ્તક પોલીમર્સ નામની ફેકટરીમાં આજે વ્હેલી સવારે ભીષણ લાગ લાગતા અફડાતફડી મચી ગઇ હતી.આગને પગલે ફેકટરીમાં કામ કરતા પ૦૦ થીવધુ મજુરોને સલામત સ્થળે ખસેડાયા હતા. આ આગમાં કરોડોનું નુકશાન થયાનું પ્રાથમીક અંદાજ છે.

પ્રાપ્ત વિગત મુજબ શાપર-વેરાવળમાં આવેલ મસ્તક પોલીમર્સ નામની ફેકટરીમાં આજે વહેલી સવારે અચાનક આગ ભભુકતા ફેકટરીના કર્મચારી અરવિંદભાઇએ રાજકોટ તથા ગોંડલ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી જઇ પાણીનો મારો ચલાવ્યો હતો પણ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જેતપુર ફાયર બ્રિગેડને પણ જાણ કરાઇ હતી.

પ્લાસ્ટીકના દાણામાંથી કોથળી બનાવવાની આ ફેકટરીમાં  હજારેક કર્મચારીઓ કામ કરે છે. આજે વહેલી સવારે આગ લાગી ત્યારે પ૦૦ મજુરો કામ કરતા હતા અને આ આગને પગલે  તમામ મજુરો અને કર્મચારીઓને સલામત સ્થળે ખસેડાયા હતા. આ ભીષણ આગમાં સીમેન્ટના પતરાનો શેડ પડી ગયો હતો. તેમજ આ આગમાં ફેકટરીમાં રહેલી મશીનરી તેમજ કાચો અને પાકો માલ બળીને ખાખ થઇ જતા કરોડોનું નુકશાન થયું છે. આગ કઇ રીતે લાગી તે બહાર આવ્યું નથી.

આ લખાય છે ત્યારે બપોરે ૧૧ વાગ્યે ફેકટરીમાં વિકરાળ આગ ચાલુ જ છે. રાજકોટ, ગોંડલ, જેતપુરના ૪ બંબાઓ દ્વારા આગ કાબુમાં  ન આવતા જામનગર, મોરબી તથા જસદણ ફાયર બ્રિગેડની મદદ પણ મંગાઇ છે. આગના પગલે ફેકટરીની બહાર લોકોના ટોળેટોળા ભેગા થયા હતા.

આ ફેકટરીના માલીક વિદેશમાં રહેતા હોવાનું અને હાલ આ ફેકટરીનું સંચાલન નિરજભાઇ કરી રહયા હોવાનું જાણવા મળેલ છે. (૪.૨)

 

(11:47 am IST)