Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

કેશોદ : એ મારા હકનું નથી, મારથી ના લેવાય : બાર લાખની સોનાની મળેલી લક્કી મૂળ માલિકને પ્રમાણિકતાથી પરત સોંપી દીધી

કેશોદ, તા. પ : રૂ. બાર લાખની કિંમતની હાથમાં પહેરવાની સોનાની લક્કી એક સામાન્ય માણસના હાથમાં આવતા તે એ મારા હકનું નથી, મારાથી ના લેવાય તેમ કહી અને મૂળ માલિકને સોંપી દઇ પ્ર્રમાણિકતા અને ખાનદાનીનું એક નામુનારૂપ ઉદાહરણ પુરૂ પાડયું હતું.

અહીંના અશોકભાઇ સોની દરરોજ સવારે પોતાના ઘરેથી નીકળી સૌ પ્રથમ મંદિરે દર્શન કરવા જાય છે. નિત્યક્રમ મુજબ તેઓ ચાલીને જતા હતાં ત્યારે રસ્તામાં ૩૦૦ ગ્રામ સોનાના વજનની હાથમાં પહેરેલી લક્કી પડી ગઇ હતી. આ લક્કી પડી ગઇ ત્યારે તો તેમને ખ્યાલ ના આવ્યો, પરંતુ મંદિરમાં જઇ ભગવાનની મૂર્તિને બે હાથ જોડી નમન કરતા હતાં ત્યારે ખ્યાલ આવ્યો કે પોતાના હાથની લક્કી રસ્તામાં કયાંક પડી ગયેલી છે. આથી તુરંત જ તેઓ એજ રસ્તે પરત વચ્ચે જલારામ મંદિર પાસે ફર્યા હતા અને પોતાની દુકાને બેઠેલા બાલાભાઇ ત્રિભોવનદાસ કારીયાને આ હકીકતની જાણ કરી હતી. આથી તપાસ કરતા રસ્તાની વચ્ચેથી બાલાભાઇને આ લક્કી મળી આવતા તેમણે તુરત જ ઓશકભાઇ પાસે સામેથી જઇ આ ૩૦૦ ગ્રામ વજનની ૧ર લાખ રૂ.ની કિંમતની લક્કી સોંપી આપી હતી.

જવાબમાં અશોકભાઇએ મેસવાણવાળા બાલાભાઇ કારીયાને તેમની દિકરી માટે સોનાની બુટી આપવાનું કહ્યું હતું, પરંતુ બાલાભાઇએ આ સોનાની બુટીનો અસ્વીકાર કરતા કહ્યું હતું કે, આ લક્કી 'મારા હકની નથી મારાથી નાલેવાય અને આ બુટી પણ તેના વળતર રૂપે ના લેવાય ઠાકોરજી મને જરૂર બદલો આપશે'

બાલાભાઇ કારિયા એક સામાન્ય વ્યાપારી પરિવારના સભ્ય છે છતાં તેમણે બતાવેલી આ પ્રમાણિકતા અને ખાનદાનીએ જાણકારોમાં તેમની પવિત્ર ભાવનાનીએ ઠીકઠીક ચર્ચા જગાવી છે.

(1:09 pm IST)