Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

શુક્રવારથી ગરવા ગિરનારની પાવનકારી પરિક્રમાનો પ્રારંભ

નવનાથ ૬૪ જોગણી તેમજ સિદ્ધ ધુણા અને ભગવાન ગુરૂદતાત્રેય માં અંબાના જયાં બેસણા છે તેવા ગિરનારના ફરતે પરિક્રમાનો રૂડો અવસર : ગરવા ગિરનારની ગોદમાં અલખના ઓટલે આળોટવા લાખો ભાવિકોનો મહાસાગર પુણ્યનું ભવનુ ભાથુ બાંધવા ઉમટશે હૈયેહૈયુ દળાશે : પ્રથમ વિસામો જીણાબાવાનીમઢી બીજો માળવેલા ત્રીજો પડાવ બોરદેવી અંતિમ દિવસે દામોદરકુંડ સ્નાન સાથે ભાવિકો પરિક્રમાં પૂર્ણ કરશે : તુલશી વિવાહના દિવસે શરૂ થતી પરિક્રમા દરમ્યાન પાંચ દિવસમાં યાત્રિકો ૩૬ કિ.મી.ની મઝલ કાંપશે : વન વિભાગ દ્વારા તમામ તૈયારી પૂર્ણ જીલ્લા કલેકટર સૌરભ પારધી અને એસપી સૌરભસિંઘ દ્વારા સજજડ વ્યવસ્થા

ગિરનાર પરિક્રમાં રૂટ પરના દેવમંદિરોઃ જુનાગઢઃ શુક્રવારથી શરૂ થઇ રહેલી ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાના માર્ગ ઉપર આવેલ પ્રાચીન દેવમંદિરોમાં ગિરનારની ઉતરે પ્રથમ પડાવ ઉપરનું પ્રાચીન દેવમંદિર જીણાબાવાની મઢી અને ત્યારબાદ પર્વતની પાછળના ભાગે આવેલ માળવેલાની જગ્યાનું મંદિર છેલ્લે દક્ષિણ વિભાગમાં છેલ્લો પડાવ બોરદેવી મંદિર નજરે પડે છે. કુલ ત્રણ પડાવ રમણીય સ્થળો દેવમંદિરો ઉપરોકત તસ્વીરોમાં નજરે પડે છે.(તસ્વીર મુકેશ વાઘેલા-જુનાગઢ)

જૂનાગઢ તા. પ :.. સમગ્ર સૌરાષ્ટ્ર સહિત દેશભરમાં અનેરી ખ્યાતિ ધરાવતી ગરવા ગિરનારની ભવ્ય ભાતિગળ સમી પાવનકારી પરિક્રમાનો તા. ૮ ને શુક્રવાર કારતક સુદ અગિયારસથી રંગચંગે પ્રારંભ થવાનો છે.

ત્યારે છેવાડાના ગામમાંથી લોકો આ પાવનકારી પરિક્રમામાં જોડાવા માટે જૂનાગઢ ઉમટી પડશે ૩૬ કિ. મી. લાંબી આ ભકિતમય પરિક્રમામાં પાંચ દિવસ સુધી ગીરીકંદરાઓમાં રહી જંગલમાં મંગલમય પરિક્રમા કરી પોતાના જીવન ધન્ય બનાવશે.

પરિક્રમાના રૂપે અલખના ઓટલે આળોટવા માટે લાખો ભાવિકો મહાસાગર રૂપી પરિક્રમામાં જોડાઇ પરિક્રમાની વિસ્મરણીય પળો પોતાની સાથે વતનમાં લઇ જાય છે.

આવી ભજન - ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમરૂપ સમી ગિરીવર ગિરનાર ફરતે ચાર-ચાર દિવસ ચાલનારી પરિક્રમામાં આ વર્ષે પણ લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડે તેવી ધારણા વચ્ચે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઇ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરાઇ રહી છે.

હિન્દુ ધર્મમાં અમરનાથ યાત્રા અને માન સરોવર યાત્રા જેટલુ જ મહત્વ ધરવતી ગરવા ગિરનારની ફરતે ચાર દિવસીય લીલી પરિક્રમાની પરંપરા આજની યુવા પેઢીએ પણ જાળવી રાખી છે. પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ કારતક સુદ ૧૧ થી શરૂ થતી પાવનકારી પરિક્રમામાં આ વર્ષે પણ લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે તેવી સંભાવના છે.

આ વર્ષે પરિક્રમાર્થીઓની સંખ્યા વધુ રહેવાની ધારણા

ગત વર્ષ કરતા આ વર્ષે પરિક્રમામાં આવનાર લોકોની સંખ્યા વધુ રહેશે તેમ કહી શકાય કારણ કે આ વર્ષે વરસાદને કારણે ખેડૂતોને કામકાજ પણ થવાનું હોય અને ખેડૂતો ખેતી કામ પુર્ણ કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પરિક્રમામાં વધુમાં વધુ ગામડાની પ્રજા ભાગ લેવા માટે આવતી હોય છે ત્યારે આ વખતે ગ્રામ્ય પ્રજા વધુમાં વધુ સંખ્યામાં ઉમટી પડે તેવી સંભાવના છે. પ્રતિ વર્ષ અંદાજે દશ લાખ જેટલી સંખ્યા થતી હોય છે. ત્યારે આ વર્ષે પરિક્રમાર્થીઓની સંખ્યાનો આંક દશ લાખથી વધુ રહે તેવુ તંત્રનું અનુમાન રહ્યું છે.

નવનાથ ચોસઠ જોગણી તેમજ સિધ્ધ ધુણા અને ગુરૂ દત્રાતેય ભગવાન, મા અંબા ના જવાં બેસણા છે તેવા ગરવા ગિરનારની ફરતે પરિક્રમાનો લાભ રૂપી લ્હાવો લેવા માટે આ વર્ષે વિક્રમી માનવ મહેરામણ ઉમટી પડે તેવી શકયતાઓને ધ્યાનમાં લઇ તંત્ર દ્વારા પુરતી તૈયારી થઇ રહી છે.

હવે પરિક્રમાના ત્રણ પડાવ પૈકી પડાવ અંગે સઘળી વિગતો જોઇએ

પ્રથમ પડાવ જીણા બાવાની મઢી

આ પાવનકારી પરિક્રમાનું પ્રથમ ચરણ  કારતક સુદ અગિયારસના દિનથી શરૂ થાય છે. ભવનાથ તળેટી ખાતે આ દિવસે શરૂ થતી પરિક્રમામાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ પરિક્રમા ભ્રમણની શરૂઆત કરે છે.

આ પરિક્રમાનો પહેલો વિસામો સંત જીણા બાવાની મઢીનો એક લોક વાયકા મુજબ એવો પરિચય છે ઘણા વર્ષો પહેલાની આ વાત છે અઘોર ગાઢ જંગલમાં સંત શ્રી જીણા બાવા આ જંગલમાં ધુણો ધખાવી પ્રભુ ભજન કરતા પ્રભુમય જીવન ગુજારતા આ જંગલમાં સંતના બેસણામાં ગુરૂદત મહારાજ ચલમ પીવા પધારતા તે વખતે એમ કહેવાય છે કે સંત મહાત્મા અને ગુરૂ મહારાજના બેસણામાં એવી વાત થયેલ કે જીણા બાવા તારુ નામ જીણો હોવાનું ઉદેશ શું ત્યારે સંત જીણા બાવાએ સભામાં બેઠેલા સાધુઓ સંત મહાત્મા તેમજ ગુરૂ મહારાજની કૃપા હશે તો પ્રશ્નનો યોગ્ય સમયે જવાબ આપ લોકોને મળી રહેશે.

સમય જતા ફરી એક વખત આ સાધુ મહાત્માની બેઠકમાં એક જ વાત નિકળતા  સંતશ્રી જીણાબાપુએ ફરી એજ પ્રશ્ન કરતા તેના જવાબમાં બધા સાધુ મહાત્માઓ તથા સંત જીણા બાવાએ ચલમ પિતા હતા તે ચલમ પદી બની ગયા પછી ખાલી કરી બધાની વચ્ચે બેઠેલ એક સાધુ મહાત્માના હાથમાં સોંપીને જણાવેલ કે આ ચલમમાંથી આપ સાધુ સંતોને ગુરૂ મહારાજની કૃપાથી સાંગોપાગ અંદર પ્રવેશી બહાર નીકળતો ખરેખર જીણો છે અને જીણા બાવાએ સાધુ સંતોને ગુરૂ મહારાજના આશિર્વાદથી ચલમ અંદર સાંગોપાંગ બહાર નીકળી ગયા હતાં.

અને આ પરિક્ષા વખતે ગુરૂદત મહારાજ પોતે જ પધારેલ સંતની ભકિતને પ્રભુ મયજીવન ઉપર પ્રસન્ન થઇને જીણા બાવાને સાક્ષાત દર્શન આપ્યા હોવાની એક લોક વાયકા છે.

પરિક્રમા દરમ્યાન અપવાદ રૂપ કિસ્સાઓમાં અમુક પરિક્રમાર્થીઓ વહેલા તે પહેલાનુ ધોરણ અપનાવી વિધીવત રીતે અગિયારસના દિવસે શરૂ થતી પરિક્રમા અગાઉ શરૂ કરી અને વહેલી પુર્ણ કરે છે. દરમ્યાન પહેલા પડાવ ખાતે ભવનાથ તળેટીથી હર હર મહાદેવના ગુંજનાદ સાથે પરિક્રમાર્થીઅ જય ગિરનારીના ગુંજનાદ સાથે પાવનકારી પરિક્રમાનો પ્રારંભ કરે છે. કુદરતના ખોળામાં રહેલ અદભુત સૌંદર્યની ઝાંખી કરાવતા ગિરનાર જંગલમાં ત્રણ રાત્રીઓ વિતાવવા માટે પરિક્રમાર્થીઓ કટીબધ્ધ બને છે ભવનાથના દૂધેશ્વર મહાદેવ મંદિર ખાતેથી પ્રારંભ થઇ પરિક્રમાનો દોર વનરાઇમાં કલરવ બની ગુંજી ઉઠે છે.

પરિક્રમાર્થીઓ જંગલમાં મંગલસમા વાતાવરણ વચ્ચે આબડ ખાબડ પથ્થરાળ રસ્તા પર પદયાત્રા શરૂ કરે છે અને જીણા બાવાની મઢીએ પહોંચે છે જયાં યાત્રિકો પરિક્રમાનો વિધીવત પડાવ ગણાય છે. ઘનઘોર જંગલ વચ્ચો વચ્ચ આવેલ આ જગ્યાએ પ્રથમ પડાવની રાત્રી વિતાવવા લોકો ડેરા તંબુ તાણે છે.

અહી પરિક્રમાર્થીઓના ભોજનની વ્યવસ્થા માટે અનેક સેવાભાવી સંસ્થા ખડેપગે સેવા કરી પુણ્યનું ભાથુ બાંધવા તૈયાર હોય છે. ભોજનની સાથો-સાથ રાત્રી દરમ્યાન ભજન અને ભકિતનો અનોખો સમનવ્યનો માહોલ નિહાળી પરિક્રમાર્થીઓ ધન્યતા અનુભવે છે. અને જીણા બાવાની મઢી ખાતે પરિક્રમાર્થીઓ પ્રથમ પડાવરૂપી રાતવાસો કરે છે.

બીજો પડાવ માળવેલા

પરિક્રમાના પ્રારંભ થયા બાદ પ્રથમ પડાવ રૂપી રાત્રી રોકાણ જીણા બાવાની મઢી એ વિતાવ્યા બાદ સવાર પડતાની સાથે જ પરિક્રમાર્થી બીજા પડાવ એવા માળવેલા તરફ આગળ વધે છે.

રસ્તામાં યાત્રિકો જય જય શિવશંકર, બમ...બમ...બોલે જય ગિરનારીના ગુંજનાદથી ગિરીકંદરાઓને ગુંજવી દે છે. માળવેલા તરફ આગળ જતા પરિક્રમાર્થીઓ ખરા અર્થમાં કુદરતના સાનિધ્યને નિહાળવા અતૃપ્ત ઇચ્છાની પૂર્તિ અહી કરી શકે છે.

રસ્તામાં વહેતા ખળખળ કુદરતી ઝરણા પ્રાકૃતિક સૌદર્ય સભર વનની વનરાઇઓ જાણે કે પરિક્રમાર્થીઓને અહી પામી સોળેકળાએ ખીલી ઉઠી હોય તેવુ મનમોહક દ્રશ્ય ઠેર ઠેર જોવા મળે છે. યાત્રિકો ભજનના સુરતાલ છેડી ધીમે ધીમે દ્વિતીય પડાવ માળવેલા તરફ આગળ વધે છે.

માળવેલાની જગ્યાનું મહાત્મય એવુ છે કે મધ્ય જંગલનો આ ભાગ છે ચોપાઇ ખાઇઓ છે અને લગભગ પાંચથી છ કિલો મીટર ચોપાસ વિસ્તારમાં કોઇપણ પ્રકારનું વાહન અહી અવર જવર કરી શકે તેમ નથી. માત્ર શ્રધ્ધા ભકિત જ માળવેલા ગાઢ જંગલમાં આવેલ માતા મહાકાળીના સ્થાનકના દર્શને આવી શકે છે અને એક કહેવાતી લોકવાયકા મુજબ જુનાગઢમાં ભગવાન કૃષ્ણના મોટા ભાઇ બળદેવજી મહારાજનું શાસન હતુ ત્યારે તેમના બહેન સુભદ્રા દેવીનું અપહરણ પાંડુ પુત્ર અર્જુને કર્યુ હતુ અને માળવેલા ખાતેના જંગલમાં માંર્કડ ઋષિના આશ્રમ રહ્યા હતા માર્કડ ઋષિ પાસે માત્ર ફળ ફુલ અને આહાર હતો અને તેનાથી સૌનુ સ્વાગત કરતા હતાં.

મહાકાળી માતાના અન્ય ભકત માર્કડ મુનિ પાસે ભોજન પાત્ર હતુ જેનાથી ભાવિકોને મનગમતુ ભોજન પીરસતા હતાં.

આ માળવેલાની જગ્યામાં સાધુ સંતો આવતા હતા એક વખત એક સાધુએ કેરીની મોસમ ન હોવા છતાં કેરી ખાવાની ઇચ્છા વ્યકત કરી ત્યારે તેની ઇચ્છાપુરી કરી આપેલ કેરીના ઝોટણાનુ વૃક્ષારોપણ કર્યુ હતુ ભેરવનાથ પાસે આજે પણ ઉમળખાનુ વૃક્ષ છે. માતા મહાકાળી અને જયગુરૂદતના આર્શિવાદથી માળવેલાની જગ્યાના અલૌકિક ભકતોને શ્રધ્ધા શાંતિ સમર્પિત કરે છે.

આ પડાવ ખાતે અમુક યાત્રિકો સેવાભાવી સંસ્થા દ્વારા ચાલતા પ્રસાદ ભોજન કક્ષમાં જમવા પહોંચી જાય છે તો અમુક યાત્રિકો સાથે લાવેલ કાચા ભોજનની સામગ્રીને રાંધી ખરા અર્થમાં વન ભોજન આરોગવાનો અનેરો આનંદ મેળવે છે. અને રાત્રી દરમ્યાન ભજન મંડળીઓ સંગાથે હરિભજનમાં પરિક્રમાર્થી મગ્ન બની જાય છે. અને દ્વિતીય પડાવ પુર્ણ કરે છે.

ત્રીજો પડાવ બોરદેવી

ભજન-ભોજન અને ભકિતનો અનેરો ત્રિવેણી સંગમ રૂપી પરિક્રમાના દ્વિતીય પડાવ માળવેલા ખાતે રાત વિતાવ્યા બાદ પરિક્રમાના અંતિમ પડાવ એવા બોરદેવી તરફ આગળ ધપવા પ્રયાણ કરતા વહેલી સવારે બોરદેવી રસ્તાની વાત પકડે છે.

અંતિમ પડાવ રૂપી બોરદેવીની જગ્યા તરફ યાત્રિકો ઉબડ-ખાબડ રસ્તાઓ પર ચાલવા માંડે છે. અત્યંત વિકટ એવા બોરદેવીના સાંકડા અને પથ્થરોની શીલા ધરાવતાં જંગલી માર્ગ ઉપર ચાલવુ અતિ કઠીન છે. છતા લોકો પુરી શ્રધ્ધા ભકિતથી જય ગિરનારીના નાદ સાથે પરિક્રમાના ત્રીજા પડાવ પુર્ણ કરવા તરફ પ્રયાણ કરે છે.

અને તેમાં પણ નળપાણાની ઘોડી માર્ગ ઉપર ચાલવુ અતિ કઠણાઇ ભર્યુ છે જયાં વાકા ચુકા રસ્તાઓ પર પરિક્રમાર્થીઓને પડવા લપસવાની શકયતા રહે છે.

ચોથા દિવસે ભવનાથ પ્રયાણ

બોરદેવી ખાતે ત્રીજા પડાવરૂપી રાત્રી રોકાણ બાદ ચોથા દિવસે પરિક્રમાર્થીઓ ગરવા ગિરનારની ૩૬ કિ. મી. લાંબી પરિક્રમા પુર્ણ કરી ભવનાથ પહોંચે છે.

મહાનગર પાલિકા દ્વારા પરિક્રમા સંદર્ભે વિવિધ કામગીરી

પ્લાસ્ટીક ન લાવવા અપીલ રસ્તા પાણી સહિતની કામગીરી પુરજોશમાં ૪ જગ્યાએ ફાયર સ્ટેન્ડ ટુ રખાશે

જુનાગઢ તા. પ : શુક્રવારથી શરૂ થતી ગરવા ગિરનારની લીલી પરિક્રમાં સંદર્ભે કોર્પોરશેન દ્વારા વિવિધ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. મ્યુનીસીપલ કમિશનરશ્રી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ ડે.મ્યુ.કમિશ્નર શ્રી નંદાણીયા આસી કમિ. શ્રી પ્રફુલ્લ કનેરીયા શ્રી જયેશ વાજા અને કોર્પોરેશનના કાફલા દ્વારા ગિરનાર દરવાજાથી લઇ ભવનાથ તળેટી સુધિ રોડ રસ્તા પાણીની કામગીરી હાથ ધરાઇ છે.અને પરિક્રમાં દરમ્યાન પ્લાસ્ટીક ના ઝબલા માવાના ગુટકાના પ્લાસ્ટીક સાથે ન લાવવા અનુરોધ કર્યો છે.આસી કમિશનર પ્રફુલ્લ કનેરીયાએ જણાવ્યું હતું કે યાત્રીકોને પુરતી માહીતી મળી રહે તે માટે ભવનાથ તળેટી ખાતે નાગરીક સુવિધા કેન્દ્ર ઉભુ કરવામાં આવશે.

તેમજ કોઇ આકસ્મીક રીતે આગ લાગવાની ઘટના બને તો તને બુઝાવવા ૪ ફાયર ફાયટર સ્ટેન્ડ ટુ રાખવામાં આવશે.

જેમાં બોરદેવી, જીણાબાવાની મઢી જીલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ ઝોનલ ઓફીસ આ ૪ ફાયર ફાયટર સ્ટેન્ડ ટુ રાખવામાં આવશે આમ મનાપા દ્વારા તમામ તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

જાુનાગઢ શ્રી ભારતી આશ્રમે ભાવિકો માટે અવિરત અન્નક્ષેત્ર

જુનાગઢ તા. પ : જાુનાગઢ ભવનાથ મહાદેવના કેન્દ્ર બિંદુ સમા શ્રી ભારતી આશ્રમ ખાતે સંસ્થાપક શ્રી મહામંડલેશ્વર પુ. ભારતીબાપુ દ્વારા છેલ્લા ૮ વર્ષથી ભાવિકો માટે કાયમી અન્નક્ષેત્રનો પ્રારંભ કરવામાં આવેલ છે.

પૂ.બાપુએ જણાવ્યું હતું કે  તેમના ગુરૂદેવ બ્રહ્મલીન સંત અંવિતકા ભારતીજી મહારાજના આદેશ મુજબ ભજનકરો અને ભોજન કરાવો સુત્રને ચરિતાર્થ કરવા પુ.બાપુ દ્વારા આ અન્નક્ષેત્ર બપોરે અને સાંજે બન્ને ટાઇમ ભાવિકો માટેશરૂ કરાયુ છે. જેમા નાતજાતના ભેદભાવ વગર ભાવિકોને ભાવથી રોટલી શાક ખમણ મોહનથાળ, ગુંદી, ગાઠીયા, દાળ-ભાત, વગેરે પિરસવામાં આવી રહ્યા છે. આ મહાપ્રસાદનો અસંખ્ય ભાવિકો લાભ લઇ રહ્યા છે.

જુનાગઢ પરીક્રમાં સંદર્ભે વનખાતા દ્વારા તમામ તૈયારી પુર્ણ પીવાના પાણીના ર૦-ર૦ પોઇન્ટ ઉભા કરાયાઃ

૪ થી વધુ ટ્રેકર ટીમ

૧૦૦ થી વધુ અન્નક્ષેત્રને પરમીટ અપાઇઃ ડીસીએફ શ્રી સુનીલ બેરવાલના માર્ગદર્શન હેઠળ એસીએફ બી.કે.ખટાણા અને આરએફઓ આંબલીયા, શ્રી ઝાલા સહીત ૧પ૦ જેટલા વન કર્મી ખડેપગેઃ પ્લાસ્ટીક સાથે ન લાવવા અપીલ કરાઇ

જુનાગઢ, તા., પઃ ગરવા ગિરનારની ભાતીગળ સમી લીલી પરીક્રમાંનો શુક્રવારથી પ્રારંભ થઇ રહયો છે તેવા વન વિભાગના આંગણે રૂડો અવસર આવ્યો હોય તેમ છેલ્લા એકાદ માસથી ડીસીએફ એસ.કે.બેરવાલના માર્ગદર્શન હેઠળ તૈયારી થઇ રહી છે.

પરીક્રમાંના લાયઝોન અધિકારી એસીએફ બી.કે.ખડાણા અને ઉતર રેન્જના આરએફઓ બી.એમ.આંબલીયા તેમજ દક્ષિણ રેન્જના આરએફઓ ભગીરથસિંહ ઝાલાએ પત્રકારોને સાથે રાખી સમગ્ર પરીક્રમાં રૂટનું નિદર્શન કરાવ્યું હતું.

જેમાં પરીક્રમાંના સમગ્ર રૂટના રસ્તાઓ રીપેર કરી સુવ્યવસ્થિત કરાયા હતા તે ઉપરાંત ઉચાપર્વત પર આવેલ ત્રણ ઘોડીઓ પૈકી ઇટવા માળવેલા નળ પાણીની ઘોડી વરસાદને કારણે ધોવાણ થઇ ગયેલ તથા આરસીસી રોડ કરવામાં આવ્યા છે. ઉપરાંત સીધુ કપરૂ ચડાણ એવા માળવેલા કઠીન માર્ગ ઉપર યાત્રીકોને હાર્ટએટેક આવવાના બનાવો બનતા રહે છે જેને ધ્યાને લઇ ત્યાં આરસીસીના પગથીયા બનાવવામાં આવેલ છે.

જેથી વૃધ્ધ લોકો પણ આસાનીથી પરીક્રમાં કરી શકશે ગત વર્ષ કરતા આ વર્ષે વધુ વરસાદને લીધે પાણીના કુદરતી સ્ત્રોત પણ ઘણા હોવાથી વન વિભાગ અને પુરવઠા વિભાગ દ્વારા પ હજાર લીટરની ર૦ જેટલી ટાંકીઓ મુકવામાં આવી છે અને પરીક્રમાંના રૂટ પર ૧પ વન વિભાગની રાવટી ઉભી કરવામાં આવી છે. જેમાં ૧પ૦ થી વધુ વન કર્મીઓ વાયરલેશ વોકીટોકીથી સજ્જ વન્ય સંપદાની જાળવણી કરશે અને યાત્રીકોને મદદરૂપ થશે.

ઉપરાંત ગિરનારના આ જંગલમાં ૩૩ થી વધુ સિંહો વસવાટ કરે છે તેઓને ટેકર ટીમ દ્વારા લોકેટ કરી પરીક્રમાથી રૂટથી દુર કરવામાં આવેલ છે તેમજ પરીક્રમાં રૂટ ઉપર ૪ ટ્રેકર ટીમ તૈનાત કરાઇ છે આ તકે વન વિભાગના અધિકારીઓ પર્યાવરણની જાગૃતી અર્થે પરીક્રમાર્થીઓને પ્લાસ્ટીક ઝબલા માવા ગુટકા સાથે ન લાવવા અપીલ કરી છે.

ગરવા ગિરનારની પરિક્રમા બગડુના અજાભગતે વિ.સં. ૧૯૩૮માં ૧૦ માણસોના સંઘથી શરૂ કરેલ

જૂનાગઢ, તા. ૫ :. માણસની ઉત્પતિ અને વિકાસની સાથે જ ઉત્સવો, લોકમેળાઓ, તિર્થયાત્રા વગેરે માનવ જીવનનો પર્યાય બની ગયા છે. તિર્થયાત્રા મેળાઓ ઉત્સવો વગેરે માનવીની સંસ્કૃતિ અને ધાર્મિક એકતાની મૂર્તિ સ્વરૂપ જેવા છે તે માનવ જીવનમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે.

પરિક્રમા

ગિરનાર તળેટીમાં ભવનાથ મહાદેવની જગ્યામાં યાત્રિકોનો મેળો ભરાય છે. અહીંથી પરિક્રમા શરૂ થાય છે. યાત્રાળુઓ સરકડીયા હનુમાન સુરજકુંડ ભવનાથ થઈ ભજનભાવથી રંગાઈ સંઘના સ્વરૂપમાં માળવેલા જઈ પહોંચે છે અને ત્યાંથી બીજી સવારે ઉપડી શ્રાવણ વડ વાસંતો નાગહેમજળીયા કુંડ થઈ રાત્રીના બોરદેવીની જગ્યામાં રાત રહે છે અને ત્રીજે દિવસે સંઘ ફરી ભવનાથ પહોંચ છે. પ્રતિ વર્ષે યોજાતી આ લીલી પરિક્રમામાં સૌરાષ્ટ્ર ગુજરાત અન્ય પ્રાંતોમાંથી લાખો યાત્રિકો વિવિધ સંપ્રદાયના સંતો-સાધુઓ અવધુતો ઉમટી પડે છે.

ઈતિહાસના પાના બોલે છે

ગિરનારની પરિક્રમાનો રિવાજ બહુ પ્રાચીન સમયમાં હશે. મધ્યકાળમાં અનેક કારણોવસાત બંધ પડેલ હશે એવુ અનુમાન ઘણા ઈતિહાસવિદ્દોએ કરેલ છે પરંતુ તે હકિકત વજુદ વગરની રહી છે. ખરી હકીકત એ છે કે આ પરિક્રમાનો રિવાજ સંવત ૧૯૩૮ એટલે કે ઈ.સ. ૧૮૮૨માં શરૂ થઈ છે અને એ શરૂ કરનાર મેંદરડા તાલુકાના બગડુ ગામના લેઉવા કણબી પટેલ સંત શ્રી અજાભગત હતા. આ અજાભગતનો જન્મ ઉપલેટામાં પણ તેના નિવાસકાર્યની પ્રણાલિકા બગડુ ગામે બંધાયેલ બગડુ ગામ વિશે કહેવાય છે કે પુરાતનકાળમાં બગડુમાં બગડાલમ ઋષિનો આશ્રમ હતો તેના નામ પરથી ગામનુ નામ બગડુ પડેલ છે.

૧૦ માણસોનો સંઘ કાઢયો

ગરવા ગિરનારની પવિત્ર પરિક્રમા અંગે મળેલા પુરાવાઓ જોતા તે વિ.સં. ૧૯૩૮મા જ શરૂ થઈ છે. વિક્રમ સંવત ૧૯૩૭ની ભાદરવી અમાસ એટલે શ્રાવણ મહિનાની અમાસ કહેવાય છે તે દિવસે અજાદેવજી ભગત દામોદર કુંડ ન્હાવા ગયા ત્યારે બાજુમાં આવેલ ફરાળી બાવાના આશ્રમમાં ગિરનારની મહાત્મય વર્ણવતો ગ્રંથ વંચાઈ રહ્યો હતો. ગ્રંથની મહત્તાની અજાભગત પ્રભાવિત થયા અને એ ગ્રંથ વાંચવા માટે બાવાજી પાસે માંગ્યો ત્યારે બાવાજીએ તેને મુળ ગ્રંથ નહી પરંતુ હસ્તલિખીત ગ્રંથ આપ્યો અજાભગતે એ ગ્રંથમાંથી શોધી કાઢયુ કે કારતક સુદ અગિયારસ એટલે કે દેવ ઉઠી એકાદશી આ દિવસે પોઢેલા તમામ દેવોને જાગવાનો સમય સાથે ભીષ્મ પંચક વૃતારંભ અગિયારસથી પૂનમ એ પાંચ દિવસ પંચક કહેવાય.

ભીષ્મ જેવી દ્રઢ પ્રતિજ્ઞાથી વૃતાક વ્રતક આરંભ કરવામાં આવે તો કોટી કોટી ફળ મળે અને તેની અમલવારી આ વર્ષથી જ કરવી એનુ તેની અમલવારી આ વર્ષથી જ કરવી એવુ નક્કી કરી વિ.સં. ૧૯૩૮ ઈ.સ. ૧૮૨૨ના કારતક સુદ ૧૧ના દિવસે અજાભગતે સંઘ કાઢયો.

આ સંઘમા નાગડી ગામના ભવો ભદ્ર (૨) સાંખડાવદરના ભીમજી પટેલ (૩) સેમરાળાના હિરો બોઘરો (૪) જામકાના જીવા ભાભો (૫) થાણા પિપળીના કડવા બાંબર અન્ય બીજા પાંચ વ્યકિતઓ મળીને ૧૦ માણસોનો સંઘ કાઢયો અને ગિરનાર પરિક્રમાના પ્રથમ પગરણ માંડયા.

દામોદર કુંડમાં સ્નાન કરી ભવા ભટ્ટજીએ પરિક્રમાની શાસ્ત્રોકત વિધિ પ્રમાણે શરૂઆત કરી પહેલા દિવસે જીણાબાવાની મઢીએ પડાવ બીજા દિવસે માળવેલા પડાવ અને ત્રીજે દિવસે બોરદેવી અને ચોથા દિવસે દામોદર કુંડ પડાવ એવુ વ્યવસ્થિત આયોજન સાથે ૧૦ માણસોનો સંઘ નિકળ્યો. આજે પણ પરિક્રમામાં અજાભગતની જય બોલાય છે તેણે જીવનભર સાચા અર્થમાં લોકોની સેવા સાથે દાસાપંથી જ્યોત જલતી રાખી છે. સંવત ૧૯૪૯માના મહાસુદ ૧૧ને શુક્રવારે આ ફાની દુનિયા છોડી દેહત્યાગ કરનાર અજાભગતની સમાધિ આણંદપર ગામના રસ્તે આવેલ છે.

એસટી વિભાગ દ્વારા ૪૦ મીની બસો દોડાવાશે અને ૩રપ એકસ્ટ્રા બસો મુકવામાં આવશે

જાુનાગઢ તા. પ : શુક્રવારથી શરૂ થઇ રહેલી પરિક્રમા સંદર્ભે એસટી વિભાગ દ્વારા જુનાગઢ એસટી ડેપોથી ભવનાથ સુધી ૪૦ મીની બસો દોડાવવામાં આવનાર છે. એસટીના વિભાગીય નિયામક શ્રી જી.ઓ.શાહના માર્ગદર્શન હેઠળ પરિક્રમામાં દરમ્યાન લોકો સારી રીતે આવન જાવન કરી શકે અને મુશ્કેલી ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા ખાસ કાળજી લેવામાં આવનાર છ.ે અને પરિક્રમા દરમ્યાન ૪૦ મીની બસો જુનાગઢ એસટી ડેપોથી ભવનાથ જીલ્લા પંચાયત ગેસ્ટ હાઉસના ગ્રાઉન્ડ સુધી આવન જાવન કરશે ઉપરાંત હિમતનગર-અમદાવાદ-અમરેલી ૩રપ જેટલી એકસ્ટ્રાબસો જરૂરીયાત મુજબ ગોઠવવામાં આવશે આ તકે શ્રી શાહના માર્ગદર્શન હેઠળ ડીટીઓ ડેપો મેનેજર વહિવટી અધિકારીઓ ખડેપગે વ્યવસ્થા જાળવશે.

અહેવાલ

વિનુ એસ.જોષી, અકિલા બ્યુરો જુનાગઢ

તસ્વીરો

મુકેશ એચ.વાઘેલા, જુનાગઢ

(11:33 am IST)