Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

વેરાવળ પીપલ્સ બૅન્કના ચેરમેન સામે રાજ્ય રજીસ્ટ્રારને કાર્યવાહી કરવા હાઇકોર્ટનો આદેશ

બાકીદાર હોવા છતાં સોગંદનામા ઉપર ખોટી જાહેરાતો કરી હોવાથી હાઇકોર્ટમાં અરજી કરી હતી

અમદાવાદ : વેરાવળ પીપલ્સ બૅન્કના ચેરમેન તેમજ સૌરાષ્ટ્ર ક્ચ્છ અર્બન કો-ઓપરેટિવ બૅન્ક ફેડરેશનના પ્રમુખ વિક્રમ તન્નાએ ભૂતકાળમાં એસ.બી.આઇ માંથી લોન લઈ સમયસર ચુકવણી કરેલ ન હોય અને તેમ છતાં ખોટા સોગંદનામા કરી ડાયરેક્ટર પદ માટે ચૂંટણી લડી હોય તે કાયદાની વિરુદ્ધ છે. જેથી રાજ્ય રજીસ્ટ્રાર તાત્કાલિક અરજીનો નિર્ણય લઇ તેમને ડિરેક્ટર પદેથી દૂર કરે તેવી માંગ અરજદારે કરતા સહકારીક્ષેત્રમાં ક્ષેત્રમાં ખળભળાટ વ્યાપેલ છે

    . આ મામલે એડવોકેટ ચિરાગ કક્કડની અરજીની સુનાવણી કરતા હાઇકોર્ટે રાજ્ય રજિસ્ટ્રારને હુકમ કરી અને આઠ અઠવાડિયામાં અરજીનો કાયદાકીય નિકાલ કરવા આદેશ કર્યો છે. વેરાવળ પીપલ્સ બૅન્કના ચેરમેન વિક્રમ તન્ના ની પેઢીએ વેરાવળ પેટ્રોલિયમ્સ નામની પેઢીના નામે એસ.બી.આઇ માંથી ૬૫ હજાર લોન લીધેલ હતી. જે સમયસર ચૂકવેલ ન હોય જેથી તે 2011ની સ્થિતિએ વ્યાજ સાથે આશરે રૂપિયા ૬૦ લાખ થયેલ હતી. તે દરમિયાન વિક્રમ તન્ના એ પીપલ્સ બૅન્કની ડિરેક્ટર પદની ચૂંટણી લડવા માટે જે સોગંદનામા કરવા પડે તે ખોટા સોગંદનામાં કરેલ હતા. તેમાં તેમણે જણાવ્યું હતું કે હું કોઈ પણ બૅન્કનો મુદત વીતેલ બાકીદાર નથી.
હાલ ચેરમેન દરજજાના વિક્રમ તન્ના પર જે તે વખતે બાકીદાર હોવા છતાં સોગંદનામા ઉપર ખોટી જાહેરાતો કરી હોવાથી એડવોકેટ ચિરાગ કક્કડે રાજય રજિસ્ટ્રાર ને પગલા લેવા અરજી કરેલ હતી. પરંતુ રાજ્ય રજિસ્ટ્રાર દ્વારા આ અરજીનો કોઇ નિકાલ ન કરવામાં આવતા ન્યાય માટે હાઈકોર્ટમાં રાજ્ય રજિસ્ટ્રાર સામે અરજી કરેલ હતી.

આ મામલે આજે હાઇકોર્ટે અરજી સાંભળી હાઈકોર્ટે રાજ્ય રજિસ્ટ્રારને હુકમ કરીને આઠ અઠવાડીયામાં અરજીનો કાયદાકીય નિકાલ કરવા આદેશ ફરમાવેલ છે. એડવોકેટ ચિરાગ કકડે જણાવ્યું હતું કે રાજ્ય રજીસ્ટાર સમક્ષ જે અરજી કરેલ છે તેમાં અમારી માંગણી કરેલ છે કે અત્યાર સુધી ડાયરેક્ટર પદે ખોટા સોગંદનામા કરી ચૂંટાયેલા હોય તે ગેરકાયદેસર છે. જેથી રજિસ્ટ્રારે તાત્કાલિક હાલના પીપલ્સ બૅન્કના ચેરમેન અને ડિરેક્ટર પદ ઉપર થી વિક્રમ તન્નાને દૂર કરવા જોઇએ અને તેનો તાત્કાલિક અમલ થાય તેવી માંગ કરેલ હતી. હાઇકોર્ટ દ્વારા અરજી નો નિકાલ કરી રાજ્ય રજીસ્ટાર ને હુકમ કરતા, સહકારી ક્ષેત્રમાં ભારે ખળભળાટ વ્યાપેલ છે આવા ખોટા સોગંદનામા કરી ચૂંટણી અધિકારીઓ સાથે મિલાપીપણા કરી છટકબારીઓ શોધી સત્તા જાળવી રાખવા માટે સતત પ્રયત્ન કરતા આવા આગેવાનો સામે હાઈકોર્ટે ન્યાય રીતે અરજીનો નિકાલ કરતા, સભાસદો માં ખળભળાટ વ્યાપ્યો છે.

 
(9:10 am IST)