Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

ગિરનાર પરિક્રમાને લઇને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ

૮મી નવેમ્બરથી ભવનાથ તળેટીમાં ગિરનાર પરિક્રમાઃ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ પહોંચશે : હિંસક વન્ય પ્રાણીઓથી યાત્રીઓની સુરક્ષા માટે પણ વિશેષ પગલા લેવામાં આવ્યા

જુનાગઢ, તા. ૪: ગિરનાર પરિક્રમાને લઇને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આગામી આઠમીથી ૧૨મી નવેમ્બર દરમિયાન આયોજિત થનાર ગિરનાર પરિક્રમા દરમિયાન પહોંચનાર શ્રદ્ધાળુઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ અને વ્યવસ્થાઓ હાથ ધરવામાં આવી ચુકી છે. પરિક્રમા પથનું નિરીક્ષણ પણ કરવામાં આવી ચુક્યું છે. પરિક્રમા માર્ગના જુદા જુદા તબક્કા અને કઠોર માર્ગના નિરીક્ષણની કામગીરી શરૂ થઇ ચુકી છે. હિંસક વન્ય પ્રાણીઓથી યાત્રીઓને કોઇ નુકસાન ન થાય તેની ખાતરી કરવા માટે પણ વિવિધ પગલા લેવામાં આવી ચુક્યા છે. વન્ય પ્રદેશમાં વિવિધ સ્થળો ઉપર પીવાના પાણીની સુવિધા પણ ઉભી કરવામાં આવી રહી છે. આરોગ્ય સુવિધા, યાત્રીઓની સુવિધા માટે સૂચના કેન્દ્ર, વન્ય વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિના સંરક્ષણ માટે પણ પગલા લેવામાં આવ્યા છે. ગિરનાર પરિક્રમાના ૩૬ કિલોમીટરની પરિક્રમા માર્ગ પર જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પરિક્રમા માર્ગમાં ૭૬ અન્ન ક્ષેત્રોને મંજુરી આપવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા પણ તમામ પાસા પર ચર્ચા કરવામાં આવી ચુકી છે. યાત્રીઓ માટે નિર્ધારિત કરવામાં આવેલા માર્ગ પર જ પરિક્રમા કરી શકાશે. બીજી બાજુ જુનાગઢ પરિક્રમા મેળા માટે મોટી સંખ્યામાં લોકો પહોચનાર છે જેથી આ મેળા માટે વિશેષ ટ્રેનોની પણ વ્યવસ્થા કરવામાં આવી રહીછે. ૭મીથી ૧૨મી નવેમ્બર દરમિયાન ચાલનાર પરિક્રમા મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચનાર છે. આને ધ્યાનમાં લઇને ભાવનગર મંડળ તરફથી જુનાગઢ-સત્તાધાર, રાજકોટ-જૂનાગઢ, સોમનાથ-જૂનાગઢ વચ્ચે વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે. આજથી ટ્રેનોની શરૂઆત થયા બાદ ૧૨મી નવેમ્બર સુધી આ ટ્રેનો ચાલશે. વિશેષ કોચ પણ આ ટ્રેનોમાં લગાવવામાં આવ્યા છે.

(9:47 pm IST)