Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

અત્યારનાં સ્વયંવરમાં જેમ-તેમ ખાબકતા નહીં: પૂ.મોરારીબાપુ

વતન મહુવા-તલગાજરડામાં ''માનસ ત્રિભુવન'' શ્રી રામકથાનો વિરામઃ હવે પછી પૂ. મોરારીબાપુના વ્યાસાસને મથુરામાં શનિવારથી રામકથા

ઇશ્વરીયા-ભાવનગર-રાજકોટ તા.૫: પૂ. મોરારીબાપુએ ગઇકાલે જણાવ્યું હતું કે '' અત્યારના સ્વયંવરમાં જેમ-તેમ ખાબકતા નહી.'' પૂ. મોરારીબાપુએ શ્રી રામકથાના વિરામના દિવસે વતન-તલગાજરડામાં શ્રી રામ-સીતાના સ્વયંવરનો પ્રસંગ વર્ણવતા આ શબ્દો કહયાં હતા. પૂ. મોરારીબાપુએ કહયું કે આજના યુગમાં છોકરા-છોકરી એકબીજાને પસંદ કરે તે સારી વાત છે પરંતુ આ માટે વડિલોનું પણ માનજો. મહુવાના તલગાજરડામાં શ્રી હરિભાઇ રામજીભાઇ નકુમ પરિવાર અને તલગાજરડા ગામ દ્વારા નિમિત માત્ર યજમાન બનીને યોજાયેલ રામકથાના વિરામ પ્રસંગે શ્રી મોરારીબાપુએ તુલસીદાસજીએ વર્ણવેલા શિવ-પાર્વતીના સંવાદ સ્વરૂપ રામ ચરિત માનસના બાલકાંડ, અયોધ્યા કાંડ, અરણ્ય કાંડ, ક્રિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકા કાંડ, ઉત્તરકાંડ વગેરેનું ટુંકમાં વર્ણન કરી રામકથા 'માનસ ત્રિભુનવ'ને વિરામ આપ્યો હતો.

શ્રી મોરારીબાપુએ બાલકાંડની ચોપાઇ 'વિશ્વનાથ મમ નાથ પુરારિઃ ત્રિભુનવ મહિમા બિહિત તુમ્હારી, તુમ્હ ત્રિભુવન ગુરૂ બેદ બખાનાઃ આન જીવ ર્પાંવર કા જાના, કેન્દ્રમાં રાખી વ્યકિતગત રીતે પોતાના દાદા ગુરૂ અને વૈશ્વિક રીતે ત્રિભુવન મહાદેવ શિવના સંદર્ભમાં 'માનસ ત્રિભુવન' ગાન વર્ણન કર્યું.

સમાપન વિરામ પ્રસંગે શ્રી મોરારીબાપુએ યજમાન શ્રોતાઓ પાસેથી દક્ષિણારૂપે સમાજમાં કાયમી સદ્દભાવ અને સંવાદ માંગ્યો. તેઓએ કહયું કે નિંદા કરનારા તો આવશે. પાછુ ના જોશો નહિતર ભજન નંદવાશે. તલગાજરડામાં યોજાયેલી આ કથા માટે પ્રસન્નતા વ્યકત કરી યજમાન પરિવાર સાથે સહયોગીઓને ધન્યવાદ પાઠવ્યા હતા.

આ પ્રસંગે ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ નિમિત માત્ર યજમાનનું આયોજન ગમ્યું અને તેમાં યુવાનો જોડાતા રહયાથી આનંદ વ્યકત કરી જાહેર જીવનમાં રહેલાને પૂ. મોરારીબાપુના આશિર્વાદ મળતા રહે તેમ ભાવ જણાવ્યો.

યજમાન પરિવારના શ્રી હરિભાઇ રામજીભાઇ નકુમનું ઘણી સંસ્થા તથા સંબંધિઓ દ્વારા અભિવાદન કરાયું.

આ કથા પ્રસંગે યજમાન પરિવાર વતી શ્રી દર્શન નકુમે ઋણ ભાવ વ્યકત કરી તેમનાં સ્વર્ગસ્થ માતુશ્રી શારદાબેનનો સંકલ્પ પુરો થયાનો ભાવ દર્શાવ્યો હતો.

રામકથા દરમિયાન બીજા દિવસથી ચિત્રકુટ તલગાજરડા ખાતે બપોર પછી સાંજ સુધી વિવિધ કલાકારો પોતાની કલા રજૂ કરતા હતાં.

કથાના નવમાં દિવસે આજે ધાર્મિક, વિદ્વાનો, સમાજીક અગ્રણીઓ વગેરે જોડાયા  હતા. જેમાં શ્રી આણંદરામ કાપડી, શ્રી કનુભાઇ કળસરિયા, શ્રી કિશોરસિંહ ગોહિલ, શ્રી લવજીભાઇ ડાલિયા-બાદશાહ, શ્રી નાનાલાલ રાજયગુરૂ, શ્રી વીરજીભાઇ ઠુમર, શ્રી માયાભાઇ આહીર, શ્રી પ્રવિણભાઇ બલદાણીયા સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ ભાવિકો જોડાયા હતાં.

રામકથામાં સૌ પ્રથમવાર આરતી માટે વ્યાસપીઠ પર નગારૂ તથા ઘંટનું આકર્ષણ રહયું હતું. કથા દરમિયાન રકતદાન શિબિર રાખવામાં આવેલ.

'માનસ ત્રિભુવન'ના વિરાટ આયોજનમાં સંકલનમાં શ્રી તરૂણભાઇ કાતરિયા, શ્રી ગિરીશભાઇ કળસરિયા, શ્રી રમેશભાઇ કાતરિયા, શ્રી જયંતિભાઇ મકવાણા, શ્રી હિતેષભાઇ કાતરિયા, શ્રી નાનુભાઇ સાવલિયા, શ્રી સુરેશભાઇ ઢોલા, શ્રી રાકેશભાઇ ગુજજર, શ્રી રાજુભાઇ કાતરિયા,  શ્રી નીતિનભાઇ ગુજ્જર વગેરેએ સુંદર વ્યવસ્થા સંભાળી હતી. હવે પછી શનિવારથી મથુરા-ઉત્તર પ્રદેશમાં રામકથા યોજાશે.

એ. મેરા  પ્રેમપત્ર પઢકર...

રાજકોટ તા. પ :.. પૂ. મોરારીબાપુએ ગઇકાલે શ્રીરામ કથામાં એ મેરા પ્રેમપત્ર પઢકર... ફિલ્મ ગીતનું ગાન કર્યુ હતું. અને જણાવ્યું હતું કે, બાળપણમાં બધા મોટા વ્યકિતઓ એમાં સંતો-મહંતો- પણ આવી જાય તેમણે ટોકીઝોમાં ફિલ્મ જોવા ગયા જ હોય હું પણ મહુવા-તલગાજરડાની ટોકીઝમાં ફિલ્મ જોવા ગયો હતો.

તેમ કહીને યજમાન પરિવારના વડિલને પૂછતા તેમણે પણ મહુવા-તલગાજરડાની ટોકીઝમાં 'હાથી મેરે સાથી' ફિલ્મ જોઇ હોવાનું જણાવતા પૂ. મોરારીબાપુએ કહયું કે હું પણ ફિલ્મ જોવા ગયો હતો પરંતુ મારો યજમાન પણ ફિલ્મ 'જોતેલ' હોવો જોઇએ.

ઉત્તમ ગૃહિણી અને ઉત્તમ ગૃહિણો બનવા લેખક કાંતીભાઇ ભટ્ટની ટકોર

ઇશ્વરીયા તા. પ :.. અહીં મૂર્ધન્ય પત્રકાર શ્રી કાંતિભાઇ ભટ્ટે પ્રાસંગીક વાત કરી હતી અને જણાવ્યુ કે એક 'મોરારિ' નહિ વધુ 'છોટે મોરારિ' ની સમાજને જરૂર છે. તેમણે પોતાના પત્રકાત્વના ભાવ વ્યકત કરી સૌને 'ઉત્તમ ગૃહિણી' અને 'ઉત્તમ ગૃહિણો' બનવા ટકોર કરી. પ્રારંભે હરિચંદ્રભાઇ જોષીએ કાન્તીભાઇ ભટ્ટનો પરિચય આપ્યો હતો.

અખબારોનો આભાર...

રાજકોટ તા. પ :.. પૂ. મોરારીબાપુએ શ્રીરામકથાના વિરામના દિવસે જણાવ્યું કે, મારા વતન તલગાજરડામાં આયોજીત શ્રરામ કથાનું જુદા જુદા અખબારોમાં દરરોજ સારી રીતે હું જે બોલ્યો તે જ શબ્દો સાથે કવરેજ આપવામાં આવ્યું. આ ઉપરાંત ઇલેકટ્રોનીકસ મિડીયાએ પણ કથાનું સારૂ કવરેજ આપ્યુ તે માટે બધાનો આભાર.

(12:02 pm IST)