Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

મોરબીમાં જીએસટી ચોરીની શંકાએ ટાઇલ્‍સ ભરેલી ૭ ટ્રકો સિઝ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૫ : મોરબી સીરામીક ઉધોગ જીએસટી ચોરીની શંકાએ રાજકોટ સેન્‍ટ્રલ ગુડસ એન્‍ડ સર્વિસટેક્ષની પ્રિવેન્‍ટીવ ટીમ વીંગ દ્વારા સોફટ ટાર્ગેટ રહ્યો છે. ત્‍યારે સીરામીક એકમોમાં વારંવાર સઘન ચેકિંગ અને દરોડાની વચ્‍ચે હવે જીએસટી ચોરી કરીને બરોબર રવાના કરાતા સીરામીક ટાઇલ્‍સ ભરેલા ટ્રકો ઉપર નિશાન તાકી રાજકોટ સેન્‍ટ્રલ ગુડસ એન્‍ડ સર્વિસટેક્ષની પ્રિવેન્‍ટીવ ટીમ દ્વારા સોમવારે રાત્રીના મોરબી આસપાસના હાઈવે પર પેટ્રોલીંગ કરી જીએસટી ચોરીની શંકાએ સિરામિક ટાઈલ્‍સની સાત ટ્રકો ઝડપી લીધા હતા.
મોરબીના સિરામિક ઉદ્યોગમાં તાજેતરમાં જ એક માસનું સ્‍વૈચ્‍છિક વેકેશન પુરૂ થયું છે અને ધીમે-ધીમે ફેકટરીઓ શરૂ થઈ છે સાથેસાથે જીએસટી ચોરી પણ ચાલુ થઈ ગયાની શંકાના આધારે સેન્‍ટ્રલ ગુડસ એન્‍ડ સર્વિસટેક્ષ હેડકવાર્ટરની પ્રિવેન્‍ટીવ વીંગ પણ એકશન મોડ ઉપર આવી છે અને સોમવારે વીંગના ઈન્‍સપેકટરો દ્વારા સરપ્રાઈઝ હાઈવે પેટ્રોલીંગ મોરબી આસપાસના રોડ પર કરવામા આવી રહ્યું હતું. તે સમય પસાર થતી સાતેક જેટલી ટ્રકોને અટકાવી જીએસટી ઈ-વે બીલ સહિતના ડોક્‍યુમેન્‍ટની ચકાસણી હાથ ધરી હતી. જેમાં ગરબડ ગોટાળા લાગતા સાતેય ટ્રકોને જપ્ત કરી રાજકોટ હેડકવાર્ટર પર વધુ તપાસ માટે લાવવામા આવી છે.હાલ જીએસટીને લગતા ડોકયુમેન્‍ટની ચકાસણી કરવામા આવી રહી છે ત્‍યાર પછી ડયુટીની વસુલાતની કાર્યવાહી હાથ ધરવામા આવશે તેમ સુત્રોમાંથી જાણવા મળ્‍યું છે.

 

(11:54 am IST)