Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

વિસાવદરના ધારાસભ્‍યપદેથી હર્ષદ રિબડીયાએ સ્‍પીકરને રાજીનામુ સુપ્રત કર્યુ એ વેળાએ ભાજપના ધારાસભ્‍ય અક્ષય પટેલની સૂચક હાજરી

ભાજપમાં જોડાઇ રહ્યાનું રાજકીય વિશ્‍લેષકોમાં મજબૂત આકલન

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૫ : વિસાવદર-ભેસાણ વિસ્‍તારના કોંગ્રેસના ધારાસભ્‍યપદેથી હર્ષદભાઇ રિબડીયાએ ગુજરાત વિધાનસભાના અધ્‍યક્ષા ડો.નિમાબેન આચાર્યને રાજીનામુ સુપ્રત કર્યુ એ વેળાએ ભાજપના ધારાસભ્‍ય અક્ષય પટેલની સૂચક હાજરીના ફોટોગ્રાફ સાથેના અહેવાલો-વીડીયો બહાર આવતા રિબડીયા ભાજપમા જ જોડાઇ રહ્યાનુ અને આજ અથવા કાલે ગણતરીની કલાકોમા જોડાઇ રહ્યાનુ રાજકીય વિશ્‍લેષકો મજબૂત આકલન કરી રહ્યા છે.
દરમિયાન બહાર આવેલ વિગતો અનુસાર ધારાસભ્‍ય રિબડીયાએ ગાંધીનગર જ પડાવ નાખ્‍યો છે અને આગેવાનો-કાર્યકરો-ટેકેદારોને ગાંધીનગર જ ટેલેફોનિક સંદેશા મોકલી બોલાવાઇ રહ્યા છે.મોટાભાગે કમલમ્‌ ખાતે જ કેસરિયા ખેસ ધારણ કરાય તેવી સંભાવના દૃઢ બની રહી છે.જો કે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી ૧૧મીએ ગુજરાત આવી રહ્યા છે ત્‍યારે મોદીની ઉપસ્‍થિતિમા હર્ષદભાઇ રિબડીયા ઉપરાંતના અન્‍ય ધારાસભ્‍યો ભાજપમા જોડાઇ તેવો ઘાટ ઘડાઈ રહ્યાનુ પણ ચર્ચાઈ રહ્યુ છે.

 

(10:44 am IST)