Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

૫૦૦ કરોડના ખર્ચે દરિયાઇ વિષયક મ્યુઝીયમ બનાવાશેઃ મનસુખ માંડવીયા

કચ્છમાં ૧૧૫ મિલીયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરનાર દિનદયાળ પોર્ટ કચ્છ કંડલાના વિકાસમાં બંદરના વપરાશકારોનુ મહત્વનુ યોગદાનઃ ૪૩ ઉદ્યોગ સાહસિકોનુ સન્માન

ભુજઃ દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના લીકવીડ સ્ટોરેજ ટેન્ક ટર્મિનલ ખાતેના રૂપિયા ૧૦ કરોડના ખર્ચે નિર્મિત અઘતન ટ્રક પાર્કિગની સુવિધાનું કેન્દ્રિય શિપીંગ મંત્રી મનસુખભાઇ માંડવીયાના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે દીનદયાળ પોર્ટના ચેરમેન એસ.કે. મહેતા તેમજ પોર્ટના અધિકારીઓ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે ટ્રક પાર્કિગના કમ્પાઉન્ડમાં જ સમાવિષ્ટ નવનિર્મિત કેન્ટીનની બિલ્ડીંગનું લોકાર્પણ કર્યુ હતું. મંત્રીશ્રીના આગમન સમયે સી.આઇ.એસ.એફ કમાન્ડર અભિષેક ચૌધરીની આગેવાની હેઠળની જવાનોની ટુકડી દ્વારા ગાર્ડ ઓફ ઓનર પણ અપાયું હતું. કાર્યક્રમના અંતે ટ્રક પાર્કિગના કમ્પાઉન્ડમાં મંત્રીશ્રીના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું (તસ્વીરઃ રાજેશ લાલવાણી.ગાંધીધામ)

ભુજ, તા.૫: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશમાં નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. મોદી સરકાર અર્થતંત્રને ધબકતું રાખવા અને વ્યાપાર ઉદ્યોગને વિકસાવવા શ્રેણીબદ્ઘ રાહતો સાથે નવા આયોજનો દ્વારા આગળ વધી રહી છે. દેશના ૧૨ મહાબંદરો પૈકી દીનદયાળ પોર્ટ કંડલાએ ૧૧૫ મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરીને નંબર વનનું સ્થાન હાંસલ કર્યું  છેે.  તેમાં આ બંદરના વપરાશકારોનું મહત્વનું યોગદાન છે. દીનદયાળ પોર્ટ કંડલા દ્વારા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના હોલ મધ્યે આયોજિત એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આ સરકાર ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા પ્રયત્નશીલ છે, દેશમાં ઇન્ડસ્ટ્રીઝ ફ્રેન્ડલી વાતાવરણ છે, તો ફોરેનના ઉદ્યોગકારો માટે પણ ૧૦૦% એફડીઆઈની છૂટ અપાઈ છે. પોર્ટના વિવિધ સેકટર સાથે સંકળાયેલા ૪૩ વપરાશકારોનું શિપિંગ મંત્રી મનસુખ માંડવીયાના હસ્તે સન્માન કરાયું હતું.

આ પ્રસંગે ગાંધીધામના વિવિધ સમાજો, વ્યાપારીઓ, ઉદ્યોગપતિઓ દ્વારા જમીનની લિઝ અંગેની મુશ્કેલી દૂર કરવા બદલ કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માંડવીયા અને મોરબી કચ્છના સાંસદ વીનોદ ચાવડા પ્રત્યે આભારની લાગણી વ્યકત કરાઈ હતી. આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકાર સમક્ષ કંડલા કોમ્પ્લેકસ અને પોર્ટને નડતા બે મહત્વના પ્રશ્નો જમીનોને ફ્રી હોલ્ડ કરવા તેમ જ કંડલા પોર્ટની બે ઓઇલ જેટીઓ ને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા પર્યાવરણ કિલયરન્સ નહીં મળતા જહાજોને લાંગરવા માટે અઠવાડિયા સુધી રાહ જોવી પડતી હોવાનું અને દરરોજનું મોટી રકમનું ડેમરેજ ડોલરમાં ચૂકવવું પડતું હોવાનું ચેમ્બર પ્રમુખ દિનેશ ગુપ્તાએ જણાવ્યું હતું.

મંત્રી શ્રી માંડવીયાએ આ પ્રશ્નો ઉકેલવાની હૈયાધારણ આપી હતી. સાથે સાથે એ પણ જણાવ્યું હતું કે, નવી પેઢી ભારતના ૨૦૦૦ વર્ષના દરિયાઈ વ્યાપારના ઇતિહાસથી વાકેફ થાય અને સાહસિક બની ઉદ્યોગ ક્ષેત્રે આગળ વધે તે હેતુ થી ૫૦૦ કરોડના ખર્ચે દરિયાઈ વ્યાપારના ઇતિહાસની ઝાંખી કરવાતું મ્યુઝિયમ ઉભું કરાશે.

આ કાર્યક્રમમાં રાજયમંત્રી વાસણભાઇ આહીર, સાંસદ વિનોદ ચાવડા, ડાયરેકટર ઓફ પોર્ટસ અરવિંદ ચૌધરી, દીનદયાળ પોર્ટ કંડલાના ચેરમેન એસ.કે. મેહતા ઉપસ્થિત હતા. કાર્યક્રમની વ્યવસ્થા બિઝનેસ ડેવલોપમેન્ટ ડિપાર્ટમેન્ટના ઓમપ્રકાશ દાદલાણીએ સંભાળી હતી.

 

દેશમાં આંતરિક દરિયાઈ માર્ગે માલ સામાનની હેરફેર વધી રહી છે, હવે ખાતરની હેરફેર માટે વિશેષ સબસીડી

કેન્દ્રિય શિપિંગમંત્રી મનસુખ માંડવીયાએ દીનદયાળ પોર્ટ કંડલા મધ્યે ટ્રક ટર્મિનલનું લોકાર્પણ કર્યુઃ વેસલ મોનીટરીંગ સિસ્ટમ અને દરિયાનો પ્રવાસ ખેડી પોર્ટની સુરક્ષા વ્યવસ્થા નિહાળી, પ્લાસ્ટિકથી મુકિતનો અને વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ જાળવણીનો સંદેશ

ભુજ, તા.૫: કેન્દ્રીય શિપિંગ રાજયમંત્રી મનસુખ માંડવીયાએ કંડલા પોર્ટના પોતાના બે દિવસના પ્રવાસ દરમ્યાન ટ્રક ટર્મિનલના લોકર્પણ કર્યા બાદઙ્ગ દરિયાઈ સુરક્ષાનું વીટીએમએસ વેસલ ટ્રાફિક મોનીટરીંગ સિસ્ટમ દ્વારા થતું ડિજિટલ મોનીટરીંગ નિહાળ્યું હતું. તેમ જ કંડલા પોર્ટની ખાસ ટગ દ્વારા પણ તેમણે દરિયાનો પ્રવાસ ખેડયો હતો. તેમણે પોર્ટ અધિકારીઓ સાથે બેઠક યોજીને પોર્ટના વિકાસ બાબતે તેમ જ આંતરરાજય જળમાર્ગનો વ્યવહાર વધારવા બાબતે ચર્ચા કરી લાંબા ગાળાનું આયોજન કરવા જણાવ્યું હતું. દીનદયાળ પોર્ટ કંડલા દ્વારા વધુ જેટીઓ કાર્યરત કરવા વિશે તેમણે માહિતી મેળવી હતી. દરમ્યાન તેમણે મીડીયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, દેશમાં સૌથી લાંબો દરિયા કિનારો આપણી પાસે છે. પણ, દરિયાઈ માર્ગે આંતરિક માલસામાનની હેરફેર વિશ્વના અન્ય દેશોની અપેક્ષાએ આપણા દેશમાં ઓછી છે. પણ, છેલ્લા દ્યણા સમયથી કેન્દ્ર સરકાર દેશમાં આંતરિક જળમાર્ગ દ્વારા માલ સામાનની હેરફેર માટે કેન્દ્ર સરકારે આપેલા પ્રોત્સાહનોને પગલે આંતરિક હેરફેર વધી છે. કંડલા થી સીરામીક ટાઈલ્સ, મીઠું તેમ જ અન્ય માલ સામાનની હેરફેર વધી છે. પણ, આ વખતે દેશમાં ખાતરની હેરફેર પણ દરિયાઈ માર્ગે થાય તે માટે કેન્દ્ર સરકાર ભાડા માં ખાસ સબસીડી આપશે. અત્યારે ટ્રકો મારફતે રોડ રસ્તા દ્વારા ખાતરની હેરાફેરી થાય છે. બેઠક અને દરિયાઈ પ્રવાસમાં દિનદયાળ પોર્ટ કંડલાના ચેરમેન એસ.કે. મહેતા, બિઝનેસ ડેવલોપમેન્ટ સેલના ઓમપ્રકાશ દાદલાણી સહિતના પોર્ટના અન્ય અધિકારીઓ સાથે રહ્યા હતા.

(11:45 am IST)