Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

બંધાળીનાં કોળી કોન્ટ્રાકટરને ૭ કાઠી દરબાર શખ્સોએ માર માર્યોઃ ૧૦ લાખની ખંડણી માંગી

વિંછીયા તાલુકામાં લુખ્ખાગીરીએ માઝા મુકી

વિંછીયા તા. પ :.. વિંછીયા તાલુકામાં લુખ્ખાગીરીએ માઝા મુકી છે.  થોડા દિવસ પૂર્વે કોળી યુવાન પર ફાયરીંગ થયાની ઘટના તાજી છે. ત્થા બંધાળી ગામના યુવા કોળી કોન્ટ્રાકટરને સાત જેટલા કાઠી દરબાર શખ્સો રૂ. દસ લાખની ખંડણી માંગી માર મારવાની ઘટના વિંછીયા પોલીસ સ્ટેશને નોંધાઇ છે. જો કે કોળી સમાજે વિશાળ રેલી કાઢી મામલતદારને આવેદન આપતા પોલીસને રેલો આવતા તમામ આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરી દીધા છે.

મળતી હકિકત મુજબ ફરીયાદી હંસરાજભાઇ વશરામભાઇ ભાલાણા - કોળી ઉ.૪પ રહે. બંધાળી તાલુકો વિંછીયાએ ધંધો કોન્ટ્રાકટરએ વિંછીયા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. પોલીસ ફરીયાદમાં આરોપીઓ તરીકે (૧) નરેશ ચાવડા કાઠી દરબાર (ર) વાસ્કરભાઇના ભત્રીજા રહે. આંકડીયા (૩) રણજીત વાળા આંકડીયા (૪) કોળાયા ગામના કાઠી દરબાર તેમજ અજાણ્યા ત્રણ શખ્સો નામ આપ્યા છે. ફરીયાદમાં વધુમાં જણાવ્યા મુજબ બંધાડી-મોઢુલ રોડનું કામ શરૂ છે. ત્યાં તમામ આરોપીઓ સ્વીફટ ગાડી લઇ ઘસી આવી હંસરાજભાઇને રોડનું કામ શરૂ રાખવુ હોય તો રૂ. ૧૦ લાખ આપવા પડશે તેમ જણાવ્યું હતું જેથી હંસરાજભાઇએ રૂ. આપવાની ના પાડતા તમામ આરોપીઓ ઉશ્કેરાઇ જઇ ગેરકાયદે મંડળી રચી પાવડાના હાથા વડે હંસરાજભાઇને મુઢમાર ઇજા કરી નાસી ગયા હતા બાદમાં કોળી સમાજે વિશાળ રેલી કાઢી લુખ્ખાગીરીના વિરોધમાં મામલતદાર વિંછીયાને આવેદન આપ્યું હતું. જેથી પોલીસે આરોપીઓને ઝડપી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

વિંછીયા વિસ્તારમાં પંદર દિવસમાં ખંડણી માંગવાનાં અને ખંડણી ન આપતા માર મારવાના અને અગાઉની ઘટનામાં જુના મનદુઃખને લીધે બંને કોળી યુવાનો પરનાં હૂમલાનાં ગૃહખાતા સુધી પડઘા પડયા હતાં. અને વિંછીયા પીએસઆઇ ધાધલની બદલી કરી ભાડલા પીએસઆઇ આર.એ. ઝાલાને ચાર્જ આપવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે પંદર દિવસ પહેલા કોળી યુવાન પર કાઠી શખ્સોએ ફાયરીંગ કર્યુ હતું તે બનાવ બાદ વિંછીયા જડબેસલાક બંધ રહ્યુ હતું ત્યારબાદ ફરી આવો બનાવ બનતા આ પંથકમાં રોષ છવાઇ જવા પામ્યો છે. (પ-૧૩)

(4:46 pm IST)