Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

મોરબીમાં રાહુલ ભોજકની છરીના ઘા ઝીંકી હત્યા કરનારા સગીર પકડાયો

આરોપીની પિતરાઇ બહેનનાં પ્રેમસંબંધ મામલે થયેલ ડખ્ખાનો ખાર રાખી ઢીમ ઢાળી દીધુ'તુ

 મોરબી, તા.પઃ  મોરબીમાં રાવળદેવ યુવકની હત્યા કરનાર સગીરને પોલીસે દબોચી લીધો છે. આરોપી સગીરના પિતરાઇ બહેનના પ્રેમસંબંધ મામલે થયેલ ડખ્ખાનો ખાર રાખી રાવળદેવ યુવાનનું ઢીમ ઢાળી દીધાનું ખુલ્યુ છે.

મળતી વિગત મુબજ મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારના રહેવાસી રાહુલ અશ્વિનભાઈ ભોજક (ઉ.વ.૨૦) નામનો યુવાન પોતાના ઘરેથી નાસ્તો કરવા બહાર નીકળ્યો હતો અને પોતાના ઘર નજીકની શેરીમાં બાઈક પર બેઠો હોય ત્યારે એક શખ્શે આવી તેને છરીનો ઘા ઝીંકી દેતા તેને રાજકોટ હોસ્પિટલ ખસેડવા તજવીજ આદરી હતી જોકે રાજકોટ પહોંચી સારવાર અપાય તે પૂર્વે યુવાનનું મોત થયું હતું જે બનાવ સંદર્ભે મૃતક યુવાનની માતા ભારતીબેન આશ્વીનભાઈ ભોજકે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે જેમાં કાલિકા પ્લોટ વિસ્તારનો જ રહેવાસી ૧૭ વર્ષના સગીર આરોપીએ છરીનો ઘા ઝીંકી હત્યા નીપજાવી હોવાનું જણાવ્યું છે અને મૃતક યુવાનને આરોપીની પિતરાઈ બહેન સાથે પ્રેમ સંબંધ હોય જે બાબતે અગાઉ પણ ઝઘડો થયો હતો તો ગત રાત્રીના સમયે યુવાન બેઠો હોય જયાં આવીને આરોપીએ છરીનો ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી.

દરમિયાન હત્યા કરી નાસી છૂટેલ સમીર કાલીકા પ્લોટમાં જ છુપાયો હોવાની બાતમી મળતા પી.આઇ.આર.જે. ચૌધરી  તથા ટીમે તેને દબોચી લીધો હતો. સગીરે પિતરાઇ બહેનના પ્રેમસંબંધ મામલે  થયેલ ડખ્ખાનો ખાર રાખી રાહુલને પતાવી દીધાની કબુલાત આપી હતી.(૨૩.૮)

(4:46 pm IST)