Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

જીતુભાઇ તમારો પ્રશ્ન પુરો થઇ જશે : ખાત્રી મળ્યાની ચર્ચા સાથે વાંકાનેરમાં સાંજે ઉપવાસ આંદોલન સમેટાશે

પ્રદિપસિંહ જાડેજા, સૌરભભાઇ પટેલે ટેલીફોનિક વાતચીત કરી : સમર્થકોમાં ખુશી

વાંકાનેરમાં જીતુભાઈ સોમાણીના ઉપવાસ આંદોલનને પડધરી રઘુકુળ આગેવાનો દ્વારા સમર્થનઃ પડધરીઃ વાંકાનેરના ટોલનાકા પાસે ધાર્મિક કાર્યક્રમ માટે હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા ફંડફાળો ઉઘરાવવામાં આવી રહ્યો હતો ત્યારે સ્થાનિક પીઆઈ વાઢીયા દ્વારા કાર્યકરો સાથે અભદ્ર વર્તન કરવામાં આવતા વાંકાનેર લોહાણા સમાજના અગ્રણી જીતુભાઈ સોમાણી દ્વારા આજે આઠમાં દિવસે પણ ઉપવાસ યથાવત છે. કાલે પડધરી રઘુકુળ આગેવાન નવનીતભાઈ બુદ્ધદેવ, નિલેશભાઈ કોટક, પત્રકાર મનમોહનભાઈ બગડાઈ, તુષારભાઈ કોટેચા સહિતનાએ ઉપવાસ છાવણીની મુલાકાત લીધી હતી અને સમર્થન આપ્યુ હતું. તેમજ હિન્દુ સમાજના અપમાન સમાન આ ઘટનાને વખોડી કાઢીને યોગ્ય પગલા લેવા માંગણી કરી હતી.

વાંકાનેર તા. ૫ : વાંકાનેરમાં પોલીસ ઇન્સ્પેકટર દ્વારા થયેલા અભદ્ર વાણી વિલાસને પગલે વાંકાનેર ભાજપના અગ્રણી નેતા દ્વારા છેલ્લા આઠ દિવસથી શરૂ થયેલા ઉપવાસ આંદોલનનો ગતરાત્રે રાજ્યના ગૃહમંત્રી અને પ્રભારી મંત્રી દ્વારા જીતુભાઇ સોમાણીને ટેલીફોન ઉપર આપવામાં આવેલ ખાત્રીને માન આપી આંદોલનનો સુખદ અંત આવ્યો હતો અને સાંજે સાડા પાંચ વાગ્યે સંતો - મહંતોના હસ્તે જીતુભાઇને પારણા કરાવવામાં આવશે તેમ તેમના સમર્થકોમાંથી જાણવા મળ્યું છે.

વાંકાનેરના વઘાસીયા ગામ પાસેના ટોલનાકા પાસે દસ દિવસ પહેલા નવરાત્રીમાં માતાના મઢે જતા પદયાત્રીની સેવા માટે વાંકાનેરના સેવકો સ્વૈચ્છીક ફાળો ઉઘરાવતા હતા ત્યારે ત્યાંથી પસાર થતાં વાંકાનેર શહેર પોલીસના પી.આઇ. બી.ટી.વાઢીયાએ આ સ્વયંસેવકો સાથે અભદ્ર વાણી વિલાસ કરી અશોભનીય વર્તન કર્યાના આક્ષેપ સાથે ગત તા. ૨૮મીથી વાંકાનેર ભાજપના અગ્રણી નેતા અને પૂર્વ નગરપતિ જીતુભાઇ સોમાણી અને તેમના સમર્થકોએ તેમના નિવાસસ્થાને પ્રથમ અન્નની બાદમાં છેલ્લા બે દિવસથી માત્ર પાણી ઉપર રહી જીતુભાઇ સોમાણીએ ઉપવાસ ચાલુ રાખેલ. બીજી બાજુ વાંકાનેરના જુદી જુદી જ્ઞાતિના અગ્રણીઓ ઉપરાંત ચેમ્બર્સ ઓફ કોમર્સ સહિતની અગ્રણી સંસ્થાઓ જુદા જુદા ધંધાર્થી એસોસીએશનો, સામાજીક, શૈક્ષણિક સંસ્થાઓના અગ્રણીઓ દ્વારા જીતુભાઇ સોમાણીના ઉપવાસ આંદોલનને ટેકો જાહેર કર્યો હતો.

સાથોસાથ આ સંસ્થાઓના અગ્રણીઓ સાથેનું પ્રતિનિધિ મંડળ દ્વારા બે દિવસ પહેલા મોરબી ખાતે જિલ્લા કલેકટરશ્રીને આવેદનપત્ર આપેલ. આ ઉપરાંત જીતુભાઇની માંગણી નહી સ્વીકારવામાં આવે તો શનિવારે વાંકાનેર બંધનું એલાન અને જીતુભાઇ સોમાણી દ્વારા પાણીનો ત્યાગની જાહેરાતને પગલે પ્રશાસન અને સમર્થકોમાં ભારે ઉત્તેજના સાથે આગામી કાર્યક્રમોની તૈયારીઓ શરૂ થઇ ગઇ હતી.

સ્થાનિક ભાજપ સંગઠન દ્વારા ગાંધીનગર સુધી રજૂઆત - મુલાકાતની ગતિવિધિ તે જ બની ગઇ હતી અને સૌની વાતને ધ્યાનમાં લઇ ગઇકાલે રાત્રે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહજી તથા પ્રભારી મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે જીતુભાઇ સોમાણી સાથે ફોન ઉપર ચર્ચા કરી તમારો પ્રશ્ન પુરો થઇ જશે તેવી ખાત્રી આપતા ઉપવાસ આંદોલનનો સુખદ અંત આવ્યો હતો.

જીતુભાઇ સોમાણીનો સંપર્ક સાધતા તેઓએ પણ ઉપરોકત બંને મંત્રીશ્રીઓની ખાત્રીને માન આપી આંદોલન સાંજે સંતો - મહંતોના હસ્તે પારણા કરી પૂર્ણ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

દરમિયાન વાંકાનેરના પ્રતિનિધિ મહમદ રાઠોડના અહેવાલમાં જણાવાયું છે કે, રાજ્ય સરકારે આપેલી ખાત્રીના અનુસંધાને સંતો - મહંતોની હાજરીમાં જીતુભાઇ સોમાણી પોતાના ઉપવાસના પારણા કરશે. તેવું જાહેર બોર્ડ માર્કેટ ચોક ખાતે મુકવામાં આવ્યું છે.

દરમિયાન ગોવિંદભાઇ મકવાણા અને ગોરધનભાઇ સરવૈયાએ ઉપવાસ આંદોલન સામે નારાજગી વ્યકત કરી છે. તેમજ બદલી સિવાયનો કોઇ રસ્તો કાઢવામાં આવે તેવી ચર્ચાએ જોર પકડયું છે.

(11:52 am IST)