Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

જુનાગઢમાં રાત્રે સીંગદાણાના કારખાનેદાર પાસેથી રૂ. ૧ર.રર લાખ ભરેલો થેલો ઝુંટવીને ૩ શખ્સો ફરાર

ઘર પાસે જ રેલ્વે સ્ટેશનનો રસ્તો પુછીને પરાક્રમ કર્યુ

જુનાગઢ, તા., પઃ જુનાગઢમાં રાત્રે સીંગદાણાના કારખાનેદાર પાસેથી તેના ઘર નજીક જ ત્રણ શખ્સો રૂ. ૧ર.રર લાખ ભરેલો થેલો ઝંુટવીને ફરાર થઇ જતા સનસની સાથે હલચલ મચી ગઇ હતી.

આ અંગેની જાણ થતા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ કાફલા સાથે દોડી ગયા હતા. પરંતુ હજુ ત્રણેય શખ્સોના કોઇ સગડ મળ્યા નથી.

આ અંગેની વિગતો એવી છે કે, જુનાગઢમાં  બસ સ્ટેશન પાસે ગીરીરાજ મેઇન રોડ નજીક આવેલ શ્રીનાથનગર શેરી નં. ૩ માં બ્લોક નં. એ-૯૯માં રહેતા પટેલ વિજય જમનભાઇ કોટડીયા (ઉ.વ.૪પ) જીઆઇડીસી વિસ્તારમાં બંસીધર સીડસ નામનું સીંગદાણાનું કારખાનું ધરાવે છે.

ગઇકાલે રાબેતા મુજબ કામકાજ પુરૂ કરીને શહેરમાં એમ.જી.રોડ પર આવેલ એક આંગડીયામાંથી વિજયભાઇ વેપારનાં રૂ. ૧૧ લાખ પ૮ હજાર ઉપાડી હતી.

આ રકમ અને થેલામાં રૂ. ૬૪૦૦૦ સાથે મુકી કુલ રૂ. ૧ર.રર લાખની રોકડ સાથેનો થેલા સ્કુટરની ડીકીમાં મુકીને સાંજે ૭.૧પના અરસામાં વિજય કોટડીયા પોતાના ઘરે પહોંચીને સ્કુટરમાંથી થેલો કાઢવા માટે ડીકી ખોલેલ.

અજાણ્યા શખ્સો આવેલ અને રેલ્વે સ્ટેશનનો રસ્તો પુછી અને કારખાનેદારને વાતોમાં ઉલજાવીને રૂ.૧ર.રર લાખની રોકડ સાથેનો થેલો ઝુંટવી-ચોરીને નાસી ગયા હતા.

આ અંગેની જાણ થતા એસપી સૌરભસિંઘ, ડીવાયએસપી એમ.એસ.રાણા, એલસીબીના પીઆઇ આર.કે.ગોહીલ અને બી ડીવીઝનના એમ.ઝેડ. પટેલ વગેરે દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. પરંતુ રાત્રે પોલીસને કંઇ હાથ લાગ્યું ન હતું.

બી ડીવીઝનના તપાસનીસ પીઆઇ એમ.ઝેડ. પટેલે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે સીંગદાણાના વેપારી વિજય કોટડીયા રાબેતા મુજબ આંગડીયામાંથી નાણા લઇને ઘરે પહોંચેલ અને તેમના મકાન નજીક જ ચોરી થઇ છે.

આથી ત્રણેય શખ્સો પ્રથમથી એટલે કે આંગડીયા પેઢીથી વેાપારીનો પીછો કરા હતા કે કેમ? તેનો તાગ મેળવવા સીસીટીવી ફુટેજ તપાસવામાં આવી રહયા છે.

પીઆઇ શ્રી પટેલે વધુમાં જણાવેલ કે બે શખ્સોએ હેલ્મેટ પહેરેલ અને એક જણાએ મો ઉપર રૂમાલ બાંધ્યો હતો. બે મોટર સાયકલ પર આવેલા આ શખ્સો થેલો ઝુંટવીને શ્રીનાથ નગરની જુદી જુદી દિશામાં નાસી છુટયા હતા.

હાલ પીઆઇ પટેલ તેમજ ક્રાઇમ બ્રાંચે સીસીટીવી ફુટેજના આધારે તપાસનો દોર આગળ ધપાવ્યો છે.

(11:50 am IST)