Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

વિસાવદર તાલુકાના વિવિધ ગામોમાં- શહેરમાં હાર્દિક પટેલના સમર્થનમાં ઉપવાસ આંદોલનો... રામધુન સહિતના કાર્યક્રમો

 વિસાવદર તા.૬ : વિસાવદર તાલુકામાં ૬૫% પાટીદારોની વસ્‍તી છે ત્‍યારે પાટીદાર અનામત આંદોલન સમયે પણ આ તાલુકામાં ગુજરાતની કેન્‍દ્રની ભાજપ સરકાર સામે ઉગ્ર આંદોલનો થયેલ હતા. તાજેતરમાં હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના સમર્થનમાં વિવિધ ગામના લોકો દ્વારા દરરોજ મામલતદાર કચેરીમાં તથા પ્રાંત કચેરીમાં આવેદનપત્રો અપાઇ રહયા છે.

વિસાવદર તાલુકાના બારડીયા, મુંડીયા રાવણી ગામમાં સમસ્‍ત પાટીદાર સમાજના ભાઇઓ-બહેનો તથા બાળકો દ્વારા ઉપવાસ આંદોલનો તથા રામધુન ચાલુ કરી પાટીદારોની એકતાનો પરિચય આપી રહયા છે. આજરોજ આ લખાઇ રહયું છે ત્‍યારે વિસાવદર શહેરમાં રાણાબાપાની આાંબલી પાસે પાટીદારોના માણસોએ બહોળી સંખ્‍યામાં એકઠા થઇ ઉપવાસ આંદોલન ચાલુ કરેલ છે જયારે ગ્રામ્‍ય પંથક માંથી મળતા સમાચારો મુજબ તાલુકાના નાની મોણપરી, ભલગામ ગામે ગામલોકો દ્વારા ઉપવાસ આંદોલન તથા રામધુન ચાલુ કરવામાં આવેલ છે.

શિરવાણીયા તથા અન્‍યગામોમાં હાર્દિક પટેલના સમર્થનમાં વિશાળ વર્ગમાં પાટીદારો એકઠા થઇ ઉપવાસ આંદોલનો ચાલુ કરનાર છે. ગામે ગામ પાસના કાર્યકરો દ્વારા ગ્રૃપ મિટીંગો થઇ રહી છે. પાટીદાર સમાજ તેની માંગ ઉપર અડગ રહેલ છે પાટીદારોની માંગણીમાં આવેદનપત્રમાં (૧) અલ્‍પેશ કથીરિયા-સુરત શહેરના પાસ કન્‍વિનરને રાજદ્રોહના ખોટા ગુનામાં સંડોવી દઇને ગુજરાત સરકારે જેલમાં ધકેલી દીધેલ છે તેમને મુકત કરવા, (ર) રક્ષાબંધનના પવિત્ર દિવસે અલ્‍પેશ કથીરિયાની બહેનને રાખડી બાંધવા દીધેલ નથી. રક્ષાબંધનનો પર્વ ઉજવવા માટે સરકારશ્રી કરોડો રૂપિયાનો ખર્ચ કરીને તેમજ જેલમાં રહેલા કેદીઓને રક્ષાબંધનની ઉજવણી કરાવતા હોય તેમ છતાં અલ્‍પેશ કથીરિયાને એક નિર્દોષ પાટીદાર પુત્રની બહેનને રાખડી બાંધવા દીધેલ નથી. અને  આમ કરનાર હિન્‍દુ સંસ્‍કૃતિનું અપમાન કરી હિન્‍દુઓની લાગણી દુભાવનાર પોલીસ અધિકારીઓ સામે પગલા ભરવા માંગણી કરેલી છે, (૩) ઉપરોકત મુદ્દાઓ ઉપરાંત પાટીદાર સમાજને અનામત અપાવવા તેમજ ખેડૂતોના દેવા માફ કરાવવા તથા પાસ કમિટીના સુપ્રીમો હાર્દિક પટેલને નજરકેદ રાખી તેના સગા સંબંધી કે કર્મચારીને મળવા દેતા નથી અને અંગ્રેજ સરકારે કરેલ અત્‍યાચારના વિક્રમ તોડવા તૈયાર થયેલ ગુજરાત સરકાર સામે ન્‍યાય મેળવવા આમરણાંત ઉપવાસ પર બેસવા આવેદનપત્રમાં જણાવવામાં આવેલ છે.

(12:04 pm IST)