Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

નર્મદાના પાણી દ્વારા "પાણીદાર કચ્છ" બનાવવા સરકાર કટિબદ્ધ: વિજયભાઈ રૂપાણી

કચ્છીમાં ભાષણની શરૂઆત કરી નર્મદાના એક એમ.એફ. પાણી અંગે સૈદ્ધાંતિક મંજૂરીની વાત કરી, ખેડૂતોને દિવસે વીજળી આપવાની કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ, ખેતી ક્ષેત્રે ગુજરાત દેશમાં નંબર વન બને અને ખેતી દ્વારા ખેડૂતો ડોલર પાઉન્ડ લણે તે માટે સરકાર સક્રિય, કચ્છમાં એગ્રી કલ્ચર અને વેટરનીટી કોલેજ શરૂ થશે, કોંગ્રેસના વિરોધ સામે વિજયભાઈ વરસ્યા કહ્યું કોંગ્રેસે ખેડૂતોનું શોષણ કર્યું છે

(વિનોદ ગાલા દ્વારા) : (ભુજ) આજે ભુજ મઘ્યેથી રાજ્યવ્યાપી કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કૃષિ ક્ષેત્રે તેમની સરકારે કરેલી પાંચ વર્ષની કામગીરીનો હવાલો આપીને કોંગ્રેસને આડે હાથ લીધી હતી. જોકે, મુખ્યમંત્રીએ આજે કચ્છમાં નર્મદાના એક મિલિયન એકર ફીટ વધારાના પાણી અંગે તેમની સરકારે આપેલ સૈદ્ધાંતિક મંજૂરીની જાહેરાતને દોહરાવીને નર્મદાના પાણી દ્વારા "પાણીદાર કચ્છ" બનાવવાની તેમની સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત કચ્છમાં એગ્રી કલ્ચર અને વેટરનરી કોલેજ શરૂ કરવાની જાહેરાત વિજયભાઈએ કરી હતી. પોતાના પ્રવચનની શરૂઆત કચ્છીમાં કરી વિજયભાઈએ પોતાની સરકારના ૫ વર્ષના કાર્યકાળમાં ખેડૂત લક્ષી કરાયેલી કામગીરી વિશે ચિતાર આપી જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વ તળે ગુજરાત સરકારે પણ ખેડૂતો અને ખેતીના વિકાસ માટે અનેકવિધ યોજનાઓ સાથે ખેડૂત લક્ષી કામગીરી કરી છે. આજે કિસાન સર્વોદય યોજના દ્વારા ગુજરાતના ૧૪૦૦ ગામોમાં દિવસે વીજળી આપવાના કાર્યનો પ્રારંભ થઇ ચૂક્યો છે તે સાથે ૨૦૨૨ ના અંત સુધીમાં સમગ્ર ગુજરાત ના ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ જશે.  જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાનના સૂત્ર સાથે સરકાર ખેડૂતોને માર્ગદર્શન આપે છે. તો, ઓર્ગેનિક ખેતી ને પ્રાધાન્ય આપવા સરકાર પ્રયત્નશીલ છે, અત્યાર સુધી ૧ લાખ ખેડૂતો ઓર્ગેનિક ખેતી અપનાવી ચૂક્યા છે. તો, ખેડૂતોને ગાય માટે સબસીડીની યોજના અમલમાં મૂકી છે જેથી ગૌ આધારિત ઓર્ગેનિક ખેતી કરી શકાય. કચ્છ, બનાસકાંઠા માંથી વિદેશમાં ફળોની નિકાસ કરાય છે એ રીતે ગુજરાતના વધુને વધુ ખેડૂતો  ઓર્ગેનિક ખેતી અપનાવી વિદેશ નિકાસ કરી ડોલર પાઉન્ડ રળે એવા સરકારના પ્રયાસો છે. કૃષિ મંત્રી આર.સી. ફળદુએ પણ પાક ધિરાણ ઉપર ઝીરો ટકા વ્યાજ ઉપરાંત બિયારણ, ખાતર, ટ્રેકટર સહિતના કૃષિ સાધનો માટે કરોડો રૂપિયાની સહાય પાંચ વર્ષમાં વિજયભાઈની સરકારે આપી હોવાનું જણાવ્યું હતું. દરમ્યાન ભુજમાં કોંગ્રેસે કરેલા વિરોધ પ્રદર્શન અંગે મુખ્યમંત્રી વિજયભાઈ વરસ્યા હતા અને ભૂતકાળની કોંગ્રેસ સરકારની ખેડૂત વિરોધી નીતિની ટીકા કરી હતી. તો, વડાપ્રધાન નરેન્દ્રભાઇ દ્વારા અત્યારે ખેડૂત લક્ષી લેવાઈ રહેલા સુધારાના પગલાંઓ અંગે કોંગ્રેસ ખેડૂતોને ભરમાવી રહી હોવાનો આક્ષેપ વિજયભાઈએ કર્યો હતો. કાર્યક્રમમાં રાજ્યના વરિષ્ઠ સનદી અધિકારી  કે. કૈલાસનાથન, રાજીવ ગુપ્તા, મુખ્ય સચિવ અનિલ મુકીમ ઉપરાંત સાંસદ વિનોદ ચાવડા સહિત અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:31 pm IST)