Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

કચ્છમાં પવનચક્કી, ગેસ પાઈપ લાઈનના કામો દરમ્યાન કિસાનો સાથે દાદાગીરી

મુખ્યમંત્રીના કિસાન સન્માન કાર્યક્રમ પૂર્વે કિસાન સંઘની કચ્છમાં ખેતીના ભોગે વિકાસ અટકાવવા માંગ

કિસાનોની સંમતિ પછી જ કામની મંજુરી આપી કિસાનોનું સન્માન હણાતું અટકાવો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૫: આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કચ્છમાં છે અને તેઓ રાજયવ્યાપી કિસાન સર્વોદય યોજના સાથે કિસાન સન્માન કાર્યક્રમનો પ્રારંભ કરાવી રહ્યા છે. ત્યારે કચ્છમાં નખત્રાણાના સાંગનારા ગામે પવનચક્કીઓ દ્વારા હજારો ઝાડનો ખો કાઢવા સામે અને ખેતીની જમીનમાંથી દાદાગીરી કરી વીજ લાઈનો નાખવા સામે કરેલા સામૂહિક વિરોધ ચર્ચામાં છે. આ ઉપરાંત રક્ષિત ઘોડાર અભ્યારણ્ય હોય, સુરખાબ હોય કે રોહા કોટડા વિસ્તારમાં રાષ્ટ્રીય પક્ષી મોરના મોતની વાત હોય અવારનવાર છેક પૂર્વ કચ્છથી માંડી પશ્ચિમ કચ્છમાં ઔદ્યોગિક એકમોની ખેડૂતો અને ગ્રામજનો સામે દાદાગીરી, વહીવટી તંત્ર અને પોલીસ તંત્રનું મૌન ચર્ચાતું રહ્યું છે. ત્યારે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કચ્છથી પ્રારંભ થઇ રહેલ કિસાન સન્માન યોજના પૂર્વે કચ્છ ભારતીય કિસાન સંઘે આ યોજનાને આવકાર આપતાં કિસાનો થઈ રહેલ અપમાન સામે આક્રોશ વ્યકત કર્યો છે. ઔદ્યોગિક કંપનીઓ તેમાંયે અત્યારે પવનચક્કી અને ગેસ લાઈન ઉપરાંત વીજ ટાવર ઊભા કરતી કંપનીઓ દ્વારા પશુપાલન, પર્યાવરણ અને ખેતીના ભોગે વિકાસ થઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. કચ્છમાં આ રીતે દાદાગીરી, ગુંડાગીરી કરી થઈ રહેલ વિકાસ સામે ખેડૂતો, માલધારીઓ અવારનવાર રજૂઆત કરી રહ્યા છે. ઔદ્યોગિક એકમો અને તંત્ર સાથે મળી સરકારના હુકમો બતાવી કિસાનોનું, મહિલાઓનું અપમાન કરી કામ કરે છે, એ અટકાવીને તેમનું સન્માન સચવાય એ રીતે વર્તન કરે તો સાચું કિસાન સન્માન ગણાશે. વળતરના નામે થઈ રહેલ વિવાદ ઉપરાંત કિસાનો સામે કેસ કરી કરાતાં વિવાદ ઉકેલવા પણ કચ્છ ભારતીય કિસાન સંઘે માંગ કરી છે.

(11:40 am IST)