Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

સોમવારથી શ્રાવણનો પ્રારંભ : સૌરાષ્ટ્ર-કચ્છમાં તૈયારીનો ધમધમાટ

કોવિડ ગાઇડ લાઇન મુજબ પૂજન - અર્ચન સહિતના કાર્યક્રમો યોજાશે

રાજકોટ તા. ૫ : સોમવારથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થશે અને રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં તૈયારીનો ધમધમાટ શરૂ કરાયો છે.

કોવિડ ગાઇડલાઇન મુજબ જુદા-જુદા શિવ મંદિરોમાં પૂજન - અર્ચન સહિતના કાર્યક્રમો યોજાયા છે.

પ્રભાસપાટણ

(મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ : વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણના પ્રથમ સોમવારે અમદાવાદ ચાણકયપુરી ઘાટલોડીયા માલધારી સેવા સમાજ સોમનાથ દાદાને ધજા ચઢાવશે.

આ અંગેની વિગત આપતા માલધારી સમાજના અગ્રણી ભરત ભીખાભાઇ દેસાઇએ જણાવ્યું કે, તેનો સમગ્ર સમાજ છેલ્લા ૧૯ વરસથી શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ દાદા દર્શન - પૂજા - ધજારોહણ કરે છે.

વડિલ ભીખાભાઇ દેસાઇની પ્રેરણાથી શરૂ કરેલું આ કાર્ય ૧૯ વરસથી નિયમીત સોમનાથ આવતો રહે છે, તેના સમાજના સર્વ લોકો તા. ૮ રવિવારે સોમનાથ પહોંચશે. જ્યાં ઉતારે ભજન - કિર્તન અને તા. ૯ ધજારોહણ બાદ સોમનાથ સાંસ્કૃતિક ભવન પાસે સોમનાથ આવેલા તમામ દર્શનાર્થીઓને ફરાળી રાજગરાનો શીરો ભોજન પ્રસાદી વિતરણ સવારથી સાંજ સુધી કરાશે.

આ કાર્ય સરસ રીતે પાર પડે તે માટે સોમનાથ ટ્રસ્ટ ટ્રસ્ટી સચિવ પ્રવિણભાઇ લહેરી, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા તથા જીતુપુરી ગોસ્વામી બાપુનો સારો સહકાર અમોને મળે છે જે બદલ તેઓના આભારી છીએ.

શ્રાવણના પ્રથમ દિવસ અને પ્રથમ સોમવારે સોમનાથના ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમાનો જન્મદિન હોઇ તેમના શુભેચ્છકો તેઓ સોમનાથ આવે ધજારોહણ કરે મહાદેવના આશિર્વાદ મેળવે તે માટે તેઓનો સંપર્ક કરાઇ રહ્યો છે.

સમગ્ર શ્રાવણ માસમાં અનુ કૂળ તારીખે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ પ્રતિવર્ષ શ્રાવણ માસમાં સોમનાથ દર્શન - ધજારોહણ - પૂજા અર્થે આવે છે તેઓ પણ આ પવિત્ર શ્રાવણમાં સોમનાથ આવશે તેવી શકયતા છે.

(11:06 am IST)