Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

મોરબીના છેવાડાના વિસ્તારમાં સમસ્યાનો ઢગલો : લોકો હેરાન-હેરાન

ઉભરાતી ભૂગર્ભ ગટર, બંધ સ્ટ્રીટ લાઈટ અને રઝળતા ઢોરનો ભારે ત્રાસ, તમામ સમસ્યાઓનું તાકીદે નિરાકરણ કરવાની માંગ

મોરબી : મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલ છેવાડાના વિસ્તારમાં તંત્રની બેદરકારીના કારણે પાર વગરની સમસ્યા હોવાથી લોકોને ભારે હેરાનગતિ ભોગવવી પડે છે. જેમાં આ વિસ્તારમાં ઉભરાતી ભૂગર્ભ ગટર, બંધ સ્ટ્રીટ લાઈટ અને રઝળતા ઢોરનો ભારે ત્રાસ હોવાથી લોકો ત્રસ્ત બની ગયા છે. આથી તમામ સમસ્યાઓનું તાકીદે નિરાકરણ કરવાની માંગ સાથે પાલિકા તંત્રને રજુઆત કરવામાં આવી છે

મોરબીના વોર્ડ નંબર-11માં આવેલ શનાળા બાયપાસ પાસેનો લાયન્સનગર વિસ્તાર હાલ સમસ્યાનું ઘર બની ગયો છે. જેમાં આ વિસ્તારમાં ઉભરાતી ભૂગર્ભ ગટર, બંધ સ્ટ્રીટ લાઈટ અને રઝળતા ઢોરનો ભારે ત્રાસનો લાંબા સમયથી ગંભીર પ્રશ્ન છે. આ મુદ્દે તંત્રને અનેક રજુઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર જરાય ધ્યાન ન આપતું હોવાથી સમસ્યાઓ વકરતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ત્યારે આ વિસ્તારના સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરીને આગામી સમયમાં તહેવારો નજીક આવતા હોય લોકો હળીમળી ખુશીથી તહેવારો ઉજવી શકે તે માટે આ તમામ સમસ્યાનું તાકીદે નિરાકરણ કરવાની માંગ કરી છે.

(9:54 pm IST)