Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા નુતન પ્રયોગ : કાંટાળા છોડના ઝૂંડ વચ્ચે લીમડો, જાંબુડો, વડ જેવા ઘટાદાર વૃક્ષો ઉછેર્યા

વગર પીંજરે સુરક્ષા : કોઠાસુઝ, દેશી બીજ અને શ્રમદાનથી મહેનત રંગ લાવી

રાજકોટ તા. ૫ : ભારતના વન વિભાગના હજારો પ્રયત્નો પછી પણ કયાંય જંગલો નિર્માણ પામી શકયા નથી. ત્યારે જળક્રાંતિ ટ્રસ્ટની ટીમે આગવી કોઠાસુઝ વાપરી શ્રમદાન થકી દેશી બીજનું રોપણ કરી ઘટાદાર વૃક્ષો ઉછેરી દાખલો બેસાડયો છે.

જળક્રાંતિ, ગીર ગાય માટે ક્રાંતિકારી કદમ ઉઠાવનાર સંસ્થાના મનસુખભાઇ સુવાગીયાએ આ વખતે ઉપલેટા તાલુકાના પ્રાંસલા, વડેખણ, ઢાંક અને મેરવદર ગામોની પસંદગી કરી ડુંગરાળ વિસ્તારોમાં ઘટાદાર વૃક્ષો ઉછેરી બતાવ્યા છે. સામાન્ય રીતે જંગલ નિર્માણ કરવા ૧૦*૧૦ ના મોટા ખાડા કરી રોપા વાવવામાં આવતા હોય છે. પછી તૃણાહારી પ્રાણીઓ ખાઇ જાય કે અન્ય પશુઓની રંઝાડ કે તેમના પગ નીચે કચડાઇ જાય કે ઉનાળામાં સુકાઇ જવાની ફરીયાદો રહેતી હોય છે. અબજોનો ખર્ચ વ્યર્થ જાય છે.

ત્યારે આ વખતે જળક્રાંતિ ટ્રસ્ટે ગામ લોકોનો સહયોગ લઇ નવતર પધ્ધતી અપનાવી. કાંટાવાળા છોડના ઝુંડની વચ્ચે કોદાળી મારી દેશી બીજનું રોપણ કર્યુ. ખાસ કરીને ખાખરો, લીમડો, સીસમ, ખેર, પીલુડી, જાંબુડો, વડ, ઉમરો જેવા વૃક્ષો વાવ્યા. વળી દેશી બીજનું રોપણ કર્યા પછી પાણી પાવાની પણ જરૂર ન પડતી હોવાનું મનસુખભાઇ જણાવે છે. કેમ કે આ કુદરતિ પ્રક્રિયાથી ઉગી નીકળે છે. વળી કાંટાવાળા વૃક્ષોના ઝુંડ વચ્ચે તેનું વાવેતર કરવાથી કુદરતી રક્ષણ મળે છે. પીંજરા મુકવાની જરૂર પડતી નથી.

ર૦૦૩ માં અજમાવેલ આ પ્રયોગ રંગ લાવ્યો હોય તેમ ૧૭ વર્ષે પહોડો પર આજે ૭ થી ૧૫ ફુટના ઘટાદાર વૃક્ષો લહેરાઇ રહ્યા છે. તેમના આ પ્રયોગને ઇતિહાસકાર નરોતમ પલાણ, વૈજ્ઞાનિક અરૂણભાઇ દવે, લોકભારતી સણોસરા, લોકગાયક માલદેભાઇ આહીર , કેળવણીકાર ભીમશી આહીર ભાણવડે બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

આ સફળ પરિણામ પછી જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા સોરાષ્ટ્રના ૧૦ ગામો અને ગીર જંગલમાં આ પધ્ધતિથી ૧૦૦ જાતના દેશી કુળના અસંખ્ય વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુ હોવાનું પ્રાંસલાના સરપંચ ભુપતભાઇ ઓડેદરા (મો.૯૯૦૯૮ ૮૧૫૦૩) અને સહકારી મંડળીના પ્રમુખ ધીરૂભાઇ પાદરીયા (મો.૯૯૧૩૦ ૨૬૨૩૬) ની સંયુકત યાદીમાં જણાવાયુ છે.

(2:47 pm IST)