Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

અબડાસા બેઠક માટે કોંગ્રેસનો ધમધમાટ- અમિત ચાવડા, હાર્દિક પટેલ, પરેશ ધાનાણી આવતી કાલે કચ્છમાં : માતાના મઢ મધ્યે કચ્છ કોંગ્રેસના આગેવાનો સાથે ઘડશે રણનીતિ, ભાજપ વતી કોંગ્રેસને રામરામ કરનાર પ્રદ્યુમ્નસિંહ જાડેજા ફાઇનલ, કોંગ્રેસ વતી જ્ઞાતિ આધારિત સમીકરણ વચ્ચે ઉમેદવાર માટે લેખા જોખા

(ભુજ) રાજ્યસભાની ચુંટણી પહેલા કોંગ્રેસને રામરામ કરી ભાજપમાં જોડાનાર ધારાસભ્યોના રાજીનામાને પગલે ૮ બેઠકોની ચૂંટણી યોજાશે. જે પૈકી કચ્છની અબડાસા બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષમાં ચૂંટણી જંગની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જોકે, ભાજપે પોતાના ઉમેદવાર તરીકે કોંગ્રેસને છેહ દેનારા પ્રદ્યુમ્નસિંહ જાડેજાનું નામ ફાઈનલ કરી દીધું છે. જ્યારે સામે પક્ષે કોંગ્રેસ વતી બે પ્રભારીઓ ઉપરાંત અર્જુન મોઢવાડીયા, પરેશ ધાનાણીએ પણ અત્યાર સુધીમાં કાર્યકરો સાથે બે થી ત્રણ મીટીંગ કરી લીધી છે. હવે આવતી કાલે પક્ષના પ્રદેશ પ્રમુખ અને કાર્યકારી પ્રદેશ પ્રમુખ બન્ને આવી રહયા છે. કચ્છ કોંગ્રેસ દ્વારા આ સંદર્ભે જારી કરાયેલ અખબારી યાદીમાં પ્રવક્તા ગની કુંભારના જણાવ્યાનુસાર કચ્છ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વમાં માતાના મઢ મધ્યે બેઠક યોજાશે. જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ, વિપક્ષી નેતા પરેશ ધાનાણી ઉપસ્થિત રહી આગેવાનો અને કાર્યકરોને અબડાસા બેઠક જીતવા માટે રણનીતિ અને વ્યૂહરચના સમજાવશે. ભાજપની પ્રજા વિરોધી નીતિને મ્હાત કરવા માટે પ્રદેશ કોંગ્રેસના આગેવાનો બેઠકમાં માર્ગદર્શન આપશે. કચ્છ કોંગ્રેસના જિલ્લા, તાલુકા, શહેર, સેલ પાંખના હોદ્દેદારોને ઉપસ્થિત રહેવા જણાવાયું છે. કોંગ્રેસ વતી હજી ઉમેદવારનું નામ હજી ફાઇનલ ન હોઈ ઉમેદવાર અંગે પણ લેખા જોખા કરાશે.

(1:17 pm IST)