Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

જેતપુરમાં વ્યાજખોરોના ત્રાસે વિપ્ર દંપતિની આત્મહત્યા

કટલેરી-હોઝીયેરીની દુકાનવાળા અલ્પેશભાઇ કનૈયાએ ૧પ લાખ લીધા હતાઃ લોકડાઉનના લીધે વ્યાજ ન ભરી શકયાઃ ઝેરી દવા પી લેતા પતિ-પત્નિ બન્નેના મોતથી અરેરાટી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. પ :.  કોઇ માણસ આર્થીક સંકળામણથી ઘેરાય અને બેંક લોનની પણ વ્યવસ્થા ન થઇ શકે ત્યારે વ્યાજે રૂપિયા લેવા મજબુર થઇ જાય છે. પરંતુ તે વ્યાજ પણ એટલું બધુ વધારે હોય છે કે તે મુળ રકમ કરતા પણ વધુ રકમ ચુકવી દેતો પણ વ્યાજના વિષ ચક્રમાંથી નીકળી શકતો નથી. શહેરમાં અગાઉ પણ અનેક બનાવો બની ચુકયા છે જેમાં વ્યાજે રૂપિયા લીધા બાદ વ્યાજખોરોનો ત્રાસ વધતી જ જીંદગી ટૂંકાવી હોય અથવા બધુ મુકી ગામ છોડી જતા રહે છે. આવી જ વધુ એક ઘટના ઘટી છે.

જેમાં વિપ દંપતિએ આપઘાત કરી લીધો છે. વિગત અનુસાર શહેરના ગુજરાતી વાડી વિસ્તારમાં રહેતા વિપ્ર યુવાન અલ્પેશભાઇ ભરતભાઇ કનૈયા ઉ.૩૬ ભીડભંજન રોડ પર આવેલ વિશાલ મોલમાં ભગવતી કટલેરી - હોઝીયરી નામની દુકાન ધરાવે છે. અલ્પેશભાઇને કોઇ કારણ સબબ રૂપિયાની જરૂરત પડતા તેણે વ્યાજે રૂપિયા લીધેલ જેના વ્યાજ માટે વ્યાજખોરો ત્રાસ આપતા હોય હાલ લોક ડાઉનના કારણે વ્યાજના રૂપિયા આપી શકયા ન હોય અવાર-નવાર વ્યાજખોરો ધમકી આપી ત્રાસ આપતા હોય તેનાથી કંટાળી જઇ ગત રાત્રીના અલ્પેશભાઇ તથા તેમના પત્નિ છાયાબેન (ઉ.૩૪) બન્ને એ ઝેરી દવા પી લીધેલ.

આ અંગેની જાણ તેના પરિવારજનોને થતા તેને સારવાર માટે સરકારી હોસ્પીટલ બાદ ખાનગી હોસ્પીટલમાં દાખલ કરેલ જયાં તેમનું સારવાર કારગત ન નિવડતા બન્નેના મોત નિપજેલ. આ અંગેની જાણ પોલીસને થતા બન્નેના મૃતદેહને પી. એમ. માટે સરકારી હોસ્પીટલે લાવવામાં આવેલ છે.

અલ્પેશભાઇના લગ્ન ૩ વર્ષ પહેલા છાયાબેન સાથે થયેલ તેમને સંતાન નથી. દંપતીના મોતથી કનૈયા પરિવારમાં ઘેરા શોકની લાગણી છવાય ગઇ છે. દંપતીએ આત્મહત્યા કરી શા માટે ? તે અંગે તેમના પરિવારજનોમાંથી એવુ જાણવા મળેલ કે અલ્પેશભાઇએ અંદાજીત રૂ. ૧પ લાખ જેવી રકમ વ્યાજે લીધેલ તે લોકોના ત્રાસથી આત્મહત્યા કરી લીધી. જેની પાસેથી વ્યાજે પૈસા લીધેલ તે તમામના નામ તેણે દુકાનમાં કાગળમાં લખેલ હોવાનું જાણવા મળેલ છે.

શહેરમાં ફાઇનાન્સના લાયસન્સ વગર તગડુ વ્યાજ રપ ટકા સુધી લેતી પેઢીઓ ધમધમે છે એવુ પણ ચર્ચાય છે કે લાયસન્સ ધરાવતી પેઢી કાગળ ઉપર અલગ અને વાસ્તવીકમાં અલગ વ્યાજ વસુલ કરે છે. આવા લોકોની યોગ્ય તપાસ કરી લોકોને વ્યાજના વિષ ચક્રમાં ફસાતા પોલીસ અટકાવે તેવી લોકમાંગ ઉઠી છે.

(11:22 am IST)