Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

અનલોક ૩.૦ પછી કચ્છમાં કોરોના બેકાબૂ : વધુ ૨૩ કેસ-આંકડો ૬૦૬ : અંજાર હોટસ્પોટ

પહેલા ૧૦૦ કેસને પોણા ત્રણ મહિના અને હવે માત્ર ૬ દિ'માં ૧૦૮ કેસઃ પૂર્વ હોમગાર્ડ કમાન્ડન્ટ અક્ષય ઠક્કરને કોરોના પોઝીટીવ : મુન્દ્રાના જાણીતા વ્યાપારીને કોરોના

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૫:  રાજકીય અને સામાજિક અગ્રણીઓ કોરોનાગ્રસ્ત થતાં કચ્છના લોકોમાં ફફડાટ ફેલાઈ રહ્યો છે. હવે પૂર્વ હોમગાર્ડ કમાન્ડન્ટ અક્ષય ઠકકરને કોરોના પોઝિટિવ આવ્યો છે. જોકે, હાલ તેઓ અમદાવાદ સ્થાયી થયા હોઈ રિપોર્ટ ત્યાં જ કરાવ્યો છે અને સારવાર પણ અમદાવાદ મધ્યે ચાલી રહી છે. આથી પૂર્વે રાપરના સામાજિક અને સહકારી ક્ષેત્રના આગેવાન વાડીલાલ સાવલા તેમ જ રાપરના ધારાસભ્યના પતિ કોંગ્રેસી અગ્રણી ભચુભાઈ આરેઠીયાને પણ કોરોના પોઝિટિવ આવતાં તેઓ અમદાવાદમાં સારવાર લઈ રહ્યા છે.

અનલોક ૩.૦ પછી કચ્છમાં કોરોનાના કેસોમાં ભારે વધારો થઈ રહ્યો છે. હોટસ્પોટ બનેલા અંજાર પંથકમાં ૧૦ કેસ, ગાંધીધામ ૬ અને ભુજમાં ૩ કેસ સાથે કોરોનાનો કહેર જારી રહ્યો છે. તે ઉપરાંત રાપર ૨, મુન્દ્રા ૧, ભચાઉ ૧ એમ કુલ ૨૩ નવા કેસ નોંધાયા છે. આ નવા કેસોમાં અંજારના ગાયનેક તબીબ ડો. અમિત પટેલને કોરોના ડિટેકટ થયા પછી તેમની હોસ્પિટલના સ્ટાફના ૪ મેમ્બર કોરોનાથી સંક્રમિત થયા છે. તો, મુન્દ્રાની જાણીતી વ્યાપારી પેઢી દરિયાલાલ પ્રો. સ્ટોરના હિરેન દિપક ચોથાણીને કોરોના આવતાં ગ્રાહકવર્ગમાં ફફડાટ મચી ગયો છે. કોરોનાના કહેર વચ્ચે અનલોક ૩.૦ પછી હવે એમ કહેવું પડશે સાવધાન કચ્છ!!

છેલ્લા ૬ દિ'માં જ ૧૦૮ કેસ

પહેલા ૧૦૦ કેસ પોણા ત્રણ મહિનામાં નોંધાયા હતા. પણ, અનલોક ૩.૦ પછી કોરોનાએ સ્પીડ પકડી અને હવે ૩૦ જુલાઈથી ૪ ઓગષ્ટ સુધીમાં જ ૧૦૮ કેસ થઈ ગયા છે. ( ૩૦ જુલાઈના કુલ કેસ ૪૯૮ હતા, ગઈકાલે રાત્રે ૪ ઓગષ્ટ સુધીના કુલ કેસ ૬૦૬ છે)

કચ્છના અત્યાર સુધીના આંકડા આ પ્રમાણે છે. એકિટવ કેસ ૧૮૨, સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૩૯૫ છે. જયારે ૨૯ ના મોત નિપજયા છે. કુલ દર્દીઓની સંખ્યા ૬૦૬ થઈ છે. કચ્છમાં કોરોનાના ફૂંફાડા વચ્ચે આજે પણ યાદી રાબેતા મુજબ થઈ મોડી જાહેર કરાઈ છે.

(11:20 am IST)