Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

મોરબીનો સિરામિક ઉદ્યોગ મંદીની અસરમાં ; પ્રોડક્શનમાં કાપ મૂકે તેવી શકયતા

ગેસના ભાવમાં ક્રમશ: વારંવાર ભાવ વધારો ઝિંકાતા વિપરીત અસર ઉત્પાદન પર પડી: અન્ય ચીજોના ભાવવધારાના લીધે ડિમાન્ડ ઘટી જતાં સિરામિક ઉદ્યોગમાં મંદી

મોરબી :દેશની સિરામિક જરૂરિયાત પૈકીની 70 ટકા જરૂરિયાત જે શહેર પુરી કરે છે તે મોરબીમાં સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસના ભાવમાં ક્રમશ: વારંવાર ભાવ વધારો ઝિંકાયો છે, જેની વિપરિત અસર ઉત્પાદન પર પડી છે અને બીજી તરફ અન્ય ચીજોના ભાવવધારાના લીધે ડિમાન્ડ ઘટી જતાં સિરામિક ઉદ્યોગ મંદીની અસરમાં આવી જતાં એસોસિએશનના પ્રમુખ સહિતના આગેવાનો ચિતામાં મુકાયા છે અને તેમણે સરકાર પાસે ગેસના ભાવ વધારાને કાબુમાં રાખવા અને પ્રોડક્શનને ગતિમાં લાવવા ભાવ ઘટાડવાની માગણી કરી છે.

 
આ અંગે  મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ હરેશભાઇ બોપલીયાએ જણાવ્યું હતું કે, હાલમાં કન્ટેનર ભાડા વધતા એક્સપોર્ટ ઘટીને 50 ટકાએ પહોંચી ગયું છે. એ જ રીતે ડોમેસ્ટિક માર્કેટમાં પણ હાલમાં ટાઇલ્સની કોઈ ડિમાન્ડ ન હોવાથી સ્થાનિક વેચાણમાં 30 ટકા જેટલો ઘટાડો જોવા મળતા સિરામીક ઉદ્યોગમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. ખાસ તો ઉદ્યોગોને હાલની આવી સમસ્યામાં બજારમા ટકી રહે તે માટે ગેસના ભાવમાં ઘટાડો કરાવવો જરૂરી છે. હાલ ગેસના ભાવ ડબલથી પણ વધુ થઈ ગયા છે. તેમાય 6% વેટ લેવામાં આવે છે. અમારી એક માંગ એવી પણ છે કે ગેસને GSTમાં સમાવવામાં આવે. હાલ ગુજરાત ગેસની આ ક્ષેત્રમાં મોનોપોલી છે. તો અન્ય ગેસની કંપનીને પણ મોરબીમાં કામ કરવા માટે અવકાશ આપવો જોઈએ.
 
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અત્યારે કંપીની નુકસાન સહન કરી છે. અમારી સીરામીક માર્કેટ રૂ.50 હજાર કરોડનું ટર્ન ઓવર ધરાવે છે.તેમાં 20 % જેટલું એક્સપોર્ટ થાય છે. તેમાય ભાડા ખુબ જ મોંઘા થયા છે. જેથી ડોમેસ્ટીક બજારમા 5 મહિનાથી ટાઈલ્સ, સેનેટરીવેરની માંગ 40% ઘટી ગઈ છે. તેમજ એક્સપોર્ટમા 10 મહિનાથી શીપીંગલાઈનના ભાડા અતિશય વધી જવાથી એક્સપોર્ટમા ઘટાડો થયો છે, હાલ 6 મહિનામાં ગુજરાત ગેસમાં બમણાથી વધુ ભાવ વધારો થયેલો હોવાથી ટાઈલ્સ અને સેનેટરીવેરમા ઉત્પાદન કોસ્ટ ખુબજ વઘવાથી ચાઈના સામે વૈશ્વિક લેવલે એક્સપોર્ટમાં ટકી રહેવું એ મોટી મુશ્કેલી છે.
 
ઉલ્લેખનીય છે કે, રો મટિરિયલના ભાવમાં વધારો થવાની સાથે ડીઝલ, કુદરતી ગેસના ભાવમાં વધારો થવાની સાથે ટ્રાન્સપોર્ટ હડતાળ બાદ મોરબીના સિરામીક ઉદ્યોગ ઉપર સંકટના વાદળો ઘેરાવા લગતા મોરબી સીરામીક એસોશિએશન દ્વારા નેનો, ડબલ ચાર્જ સહિતની ટાઇલ્સનું પ્રોડક્શન સ્વૈચ્છીક રીતે 30 દિવસ સુધી બંધ કરવાની સાથે-સાથે વિટ્રિફાઇડ ટાઈલ્સના ભાવમાં વધારો કરવાની ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. તેવા સમયે જ ડોમેસ્ટિક માર્કેટમાં માંગ ઘટવાની સાથે વિદેશી વ્યાપારમાં પણ પ્રતિકૂળ સંજોગો ઉભા થતા હાલમાં સિરામીક હબ મોરબીમાં સોપો પડી ગયો છે.

(10:22 pm IST)