Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

થાનગઢમાં ડીગ્રી વગર છ મહિનાથી દવાખાનુ ધમધમાવતો રાજકોટનો વિમલ પ્રજાપતિ ઝડપાયો

૧૦ ચોપડી નાપાસ શ્રીનાથજી સોસાયટીનો શખ્‍સ અગાઉ હોસ્‍પિટલમાં કમ્‍પાઉન્‍ડર હતો : ગયા વર્ષે કોઠારીયા સોલવન્‍ટમાં દવાખાનુ ચલાવતાં રાજકોટ ક્રાઇમ બ્રાંચે પકડયો'તોઃ હવે થાનમાં બે દૂકાનોમાં દવાખાનુ ખોલી ૫૦ થી માંડી ૨૦૦ સુધીની ફી વસુલી દાક્‍તરી કરતો'તો

રાજકોટ તા. ૫: થાનગઢમાં તરણેતર રોડ પર સોનગઢ ગામના બોર્ડ નજીક બે દૂકાનમાં ચાલતાં ક્‍લિનીકમાં નકલી ડોક્‍ટર બેસીને પ્રેકટીસ કરતો હોવાની બાતમી થાનગઢ પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ એન. પી. મારૂને મળતાં દરોડો પાડી રાજકોટ મવડી પ્‍લોટ શ્રીનાથજી સોસાયટી-૩માં સહયોગ હોસ્‍પિટલ પાછળ રહેતાં વિમલ કેશુભાઇ સીતાપરા (પ્રજાપતિ) (ઉ.વ.૩૭)ને ડીગ્રી વગર મેડિકલ પ્રેકટીસ કરવા બદલ પકડી લઇ રૂા. ૩૦૬૦૫નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે. ગયા વર્ષે આ શખ્‍સને રાજકોટ ક્રાઇમ બ્રાંચે કોઠારીયા સોલવન્‍ટમાં ડીગ્રી વગર દવાખાનુ ચલાવવા બદલ પકડયો હતો. એ પછી હવે છેલ્લા છ માસથી થાનગઢમાં બે શટરવાળુ દવાખાનુ ખોલી દાક્‍તરી ચાલુ કરી દીધી હતી.

નકલી ડોક્‍ટરની બાતમી મળતાં કોન્‍સ. મનોજભાઇ અને કરસનભાઇ મારફત ખરાઇ કરાવવામાં આવી હતી. એ પછી દરોડો પાડવામાં આવતાં ક્‍લિનીકમાં ડોક્‍ટર બનીને બેઠેલા શખ્‍સની પુછતાછ થતાં પોતાનું નામ વિમલ સીતાપરા હોવાનું અને રાજકોટ રહેતો હોવાનું કહ્યું હતું. તેમજ પોતે અસલી ડોક્‍ટર હોવાનું રટણ કર્યુ હતું. પોલીસે ડીગ્રી માંગતા ગેંગેં-ફેંફેં થઇ ગયેલા આ શખ્‍સે પોતાની પાસે કોઇ ડીગ્રી નહિ હોવાનું પણ અગાઉ રાજકોટની મધુરમ્‌ હોસ્‍પિટલમાં પાંચ વર્ષ સુધી કમ્‍પાઉન્‍ડર તરીકે નોકરી કરી હોઇ તેના અનુભવને આધારે દવાખાનુ ખોલીને બેસી ગયાનું કબુલતાં મેડિકલ પ્રેકટીશનર એક્‍ટ હેઠળ કાર્યવહી કરવામાં આવી હતી.

પોલીસે ગુનાહિત ઇતિહાસ ચેક કરતાં વિમલ પ્રજાપતિ અગાઉ ગયા વર્ષે કોઠારીયા સોલવન્‍ટમાં પણ આ રીતે દવાખાનુ ચલાવતાં રાજકોટ ક્રાઇમ બ્રાંચના હાથે પકડાઇ ગયાનું ખુલ્‍યું હતું. તે થાનના દવાખાનામાં પચાસથી માંડી બસ્‍સો રૂપિયા સુધીની ફી લેતો હતો. છએક માસથી તેણે આ દવાખાનુ ચાલુ કર્યુ હતું. 

પોલીસ અધિક્ષકશ્રી હરેશ દુધાત, નાયબ પોલીસ અધિક્ષક સી. પી. મુંધવા-લીંબડીની સુચના મુજબ થાન પીઆઇ એ. એચ. ગોરીની રાહબરીમાં પીએસઆઇ એન. પી. મારૂ, જી. એન. શ્‍યારા, હેડકોન્‍સ. પ્રતાપભાઇ ખાચર, કોન્‍સ. કરસનભાઇ લોહ, મનોજભાઇ ઝાલા, દિલીપભાઇ લકુમ સહિતે આ કામગીરી કરી હતી.

(11:46 am IST)