Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

જામકંડોરણામાં અષાઢીબીજની ભગવાન રામદેવજીની ભવ્‍ય રથયાત્રા

ધારાસભ્‍ય જયેશ રાદડીયાએ રથયાત્રાને પ્રસ્‍થાન કરાવ્‍યું

જામકંડોરણાઃ સનાતન ધર્મ યુવક મંડળ દ્વારા આયોજીત ભગવાન રામદેવજીની અષાઢી બીજની ભવ્‍ય રથયાત્રા નીકળી હતી. આ રથયાત્રા અષાઢી બીજના દિવસે રામ મંદિરથી શરૂ થઈ પટેલ ચોક, ડંકીચોક, ભાદરા નાકા, બસ સ્‍ટેશન, બાલાજી ચોક થઈ પટેલ ચોકમાં પૂર્ણ થઈ હતી. આ રથયાત્રામાં મુખ્‍ય રથમાં ભગવાન રામદેવજી બિરાજમાન હતા. તેમજ આ મુખ્‍ય રથમાં પ.પૂ.સંતશ્રી રમેશબાપુ તથા જીજ્ઞેશબાપુ દાણીધારીયા જોડાયા હતા. આ રથયાત્રાનું ધારાસભ્‍ય જયેશભાઈ રાદડીયાના હસ્‍તે શ્રીફળ વધેરી પ્રસ્‍થાન કરવામાં આવ્‍યું હતું અને જયેશભાઈ રાદડીયાએ રામદેવજી પ્રભુના અનેરા દર્શનનો લાભ લીધો હતો. આ રથયાત્રામાં ધારાસભ્‍ય જયેશભાઈ રાદડીયાએ ભગવાન રામદેવજીનો રથ ચલાવી સારથી બની રથયાત્રામાં જોડાયા હતા. આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ, વિઠલભાઈ બોદર, હરસુખભાઈ પાનસુરીયા, મામલતદાર મુળિયાસીયા, ચિમનભાઈ પાનસુરીયા, બાવનજીભાઈ બગડા સહિતના આગેવાનોએ હાજરી આપી હતી. આ રથયાત્રામાં વિવિધ યુવક મંડળો આકર્ષણ ફલોટ રજુ કરવામાં આવ્‍યા હતા. આ રથયાત્રામાં ઝરમર વરસાદ વચ્‍ચે પણ આગેવાનો, વિશ્વ હિન્‍દુ પરિષદ તેમજ બજરંગદળના કાર્યકરો તેમજ મોટી સંખ્‍યામાં ભાવીક ભાઈઓ તથા બહેનો જોડાયા હતા. રથયાત્રા દરમિયાન રથયાત્રાના રૂટ પર સેવાભાવી યુવાનો દ્વારા ઠંડા સરબતની સુવિધા કરવામાં આવી હતી. જેનો રથયાત્રામાં જોડાયેલા તમામ ભાવિકોએ લાભ લીધો હતો. (તસ્‍વીરઃ અહેવાલઃ મનસુખભાઈ બાલધા જામકંડોરણા)

(10:57 am IST)