Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

જસદણના રાજમાતા પ્રેમીલારાજેનો દેહ પંચ મહાભૂતમાં વિલીન

વડોદરા સ્‍ટેટ, જેતપુર સ્‍ટેટ, કાઠી સમાજના અગ્રણીઓ, રાજકીય આગેવાનો મોટી સંખ્‍યામાં સ્‍મશાન યાત્રામાં જોડાયા

જસદણના રાજમાતા પ્રેમીલારાજેનું અવસાન થતા તેમના પાર્થિવ દેહને દર્શનાર્થે રાખવામાં આવ્‍યો તેની તસ્‍વીર. તસ્‍વીરઃ ધર્મેશ કલ્‍યાણી જસદણ

(વિજય વસાણી દ્વારા) આટકોટ,તા. ૫ : જસદણનાં રાજમાતાના પ્રેમીલારાજે શિવરાજકુમાર ખાચર (ઉવ.૮૯)નું ગઇ કાલે બપોરે નિધન થયું હતું. આજે સવારે દરબાર ગઢ જસદણથી તેમની સ્‍મશાન યાત્રા નીકળી હતી. જેમાં અનેક રજવાડાઓ રાજકીય આગેવાનો સહિત વેપારી અગ્રણીઓ મોટી સંખ્‍યામાં જોડાયા હતા.

જસદણ દરબારશ્રી સત્‍યજીતકુમાર ખાચરના માતુશ્રી, યુવરાજ રવિરાજકુમાર સત્‍યજીતકુમાર ખાચર, મહારાજકુમાર શિવરાજકુમાર ખાચરના દાદીમાં, તથા સ્‍વઃ મહારાજ સાહેબ પ્રતાપસિંહ ગાયકવાડ (બરોડા)ના તેઓ પુત્રી થયા હતા.

આજે સવારે જસદણ ટાવર ચોક ખાતે આવેલ દરબાર ગઢથી તેમની સ્‍મશાન યાત્રા નિકળી હતી. જસદણ ચેમ્‍બર્સ ઓફ કોમર્સ દ્વારા રાજમાતાના નિધનથી અડધો દિવસ બંધ પાળવામાં આવ્‍યો હતો.

રાજમાતા પ્રેમીલારાજે બહુ જ નમ્રતાવાળા અને ધર્મ પરાયણ હતા. તેમના નિધનથી ઘેરો શોક છવાઇ ગયો છે.

સ્‍માશાન યાત્રામાં વડોદરા સ્‍ટેટનાં મહારાજા સમરજીતસિંહ, જેતપુર દબારશ્રી, કાઠી સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્‍યામાં લોકો જોડાયા હતા.

જસદણનાં ટેલીફોન એકસચેન્‍જ નજીક આવેલ રાજવી પરીવારના ખાસ સ્‍મશાન ગૃહ ખાતે જસદણ દરબારશ્રી સત્‍યજીતકુમાર ખાચરના હસ્‍તે અંતિમ વિધિ કરવામાં આવી હતી.

(10:10 am IST)