Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

જુનાગઢ તાલુકા પોલીસે પકડેલ દારૂમાંથી ર૧ પેટી દારૂ ઘર ભેગો કરનાર એએસઆઇ સસ્પેન્ડ

એએસઆઇના રાઇટરની ધરપકડ માટે તજવીજ ડીવાયએસપી ગઢવી દ્વારા તપાસ

જુનાગઢ તા.પ : જુનાગઢ તાલુકા પોલીસે પકડેલ દારૂમાંથી ર૧ પેટી દારૂ ઘર ભેગો કરનાર  તાલુકા એએસઆઇ પૃથ્વીરાજસિંહ જયેન્દ્રસિંહ વાળાને ધરપકડ બાદ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

જયારે એએસઆઇના રાઇટર કોન્સ્ટેબલ કેશુભાઇ સામતભાઇ કરમટાની ધરપકડ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

બુધવારની રાત્રે આઇજીપી સુભાષ ત્રિવેદી અને એસપી સૌરભસિંઘની સુચનાથી ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં તાલુકા પીએસઆઇ જે.પી. ગોસાઇએ સ્ટાફ સાથે  મજેવડી અને માખીયાળાની વચ્ચે આવેલ કાળા લાલજી હીરપરાની વાડીમાંથી રૂ.૧૮.૮ર લાખની કિંમતનો ૩૮૮ પેટી વિદેશી દારૂ કબ્જે કર્યો હતો અને બે શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

પરંતુ આ પ્રકરણમાં કેટલાકે દારૂ ઘરભેગો કરી દેવાયો હોવાની બાતમી મળતા આઇજીપી શ્રી સુભાષ ત્રિવેદી સુચનાથી તેમના ઇન્ચાર્જ  લીડર પી.આઇ.ડ એન.વી. આંબલીયા  વગેરેએ તાલુકા પોલીસ એએસઆઇ પૃથ્વીરાજસિંહ વાળાના જુનાગઢમાં દાતાર પોલીસ લાઇનના બી-૩ કવાટર નં.૯૦રમા દરોડો પાડીને રૂ.૧ લાખ બે હજારની કિંમતનો દારૂનો  જથ્થો કબ્જે કર્યો હતો અને  પૃથ્વીરાજસિંહની ધરપકડ કરી હતી.

જયારે તાલુકાના પોલીસ કોન્સ્ટેબલ કેશુભાઇ કરમટા હાજર મળી આવેલ નહી બને સામે પીઆઇ એન.વી. આંબલીયાએ એ ડીવીઝન પોલીસ ગુનો દાખલ કરાવ્યો હતો  અને ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ પી.આઇ. આર.કે. ગોહિલને તપાસ સોંપવામાં આવી હતી.

પરંતુ રાત્રે એસપી સૌરભસિંઘે આ પ્રકરણની તપાસ ક્રાઇમબ્રાંચ પાસેથી લઇ કેશોદના ડીવાયએસપી જે.બી. ગઢવીને સોંપતા તેઓએ પૃથ્વીરાજસિંહ વાળાને રીમાન્ડ ઓકે મેળવવા અને પોલીસ કર્મી  કેશુભાઇની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.

દરમિયાન પોલીસ અધિક્ષક સૌરભસિંઘ અકિલાને જણાવેલ કે દારૂ સાથે ઝડપાયેલ એએસઆઇ પૃથ્વીરાજસિંહ વાળાને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને બપોર સુધીમાં સસ્પેન્ડનો હુકમ જારી કરી દેવાશે.

જયારે કોન્સ્ટેબલ કરમટાની ધરપકડ થયેલી તેની સામે પગલા લેવાશે તેમ સૌરભસિંઘે જણાવ્યું હતું.

(1:23 pm IST)