Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

જૂનાગઢના પરબધામમાં અષાઢી બીજના મેળામાં જનમેદની ઉમટી

જુનાગઢ, તા.પઃ જૂનાગઢ જિલ્લાના પરબધામમાં સત દેવીદાસ બાપુ અને અમરમાના સમાધિ સ્થળે પરબધામની જગ્યામાં દર વર્ષે અષાઢી બીજનો મેળો યોજાય છે. આજે અષાઢી બીજના પવિત્ર દિવસે મેળામાં દર્શનાર્થીઓની જનમેદની જોવા મળી હતી.

અષાઢી બીજના મેળામાં ઉમટી પડેલા દર્શનાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં લઈને જગ્યાના વિવિધ ગામોના સ્વયંસેવકોએ સુંદર સંકલનથી જુદી જુદી કામગીરી બજાવી હતી. દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.

પરબધામમાં લોકઉત્સવ અંતર્ગત જગ્યામાં મહાપ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે અને આસપાસના ગામોના સ્વયંસેવકોએ આ સેવા બજાવી હતી. જગ્યાના મહંત કરશનદાસ બાપુના માર્ગદર્શન હેઠળ વિવિધ સમિતિઓ બનાવી સ્વચ્છતા, ભોજન ,લાઇટ, પાણી, ઉતારા, પાર્કિંગ અને ટ્રાફિક સંકલનની કામગીરી સેવાભાવી અગ્રણીઓ અને સ્વયંસેવકો તેમજ સંબંધિત વિભાગોના સંકલનથી કરવામાં આવી હતી.

જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા પણ પરબધામના મેળામાં રાણપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આરોગ્યનો સ્ટોલ ઊભો કરવામાં આવ્યો છે.આરોગ્ય કેન્દ્ર ખાતે દર્શનાર્થીઓએ આરોગ્ય વિષયક સેવાઓનો લાભ લીધો હતો.

જૂનાગઢ એસ.પી સૌરભ સિંઘના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી અને અન્ય પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ જવાનોએ મેળામાં સુરક્ષા વ્યવસ્થાની કામગીરી બજાવી હતી.

જુનાગઢ ભવનાથ ભારતી આશ્રમના મહામંડલેશ્વર ભારતી બાપુ અને શિવ નિકેતન આશ્રમના શ્રી દલપતગીરી બાપુએ મેળાની મુલાકાત લઇ દર્શન કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે પરબધામની જગ્યા જનસેવા અને દીન દુઃખીયા લોકોની સેવાને ઉજાગર કરે છે. ૬૦૦ વર્ષ પહેલા સતદેવીદાસ બાપુ અને અમરમાએ સમાજ દ્વારા તરછોડાયેલા બીમાર દર્દીઓની સેવા કરી અહીં સેવાની ધૂણી ધખાવી હતી. લાખો લોકો શ્રધ્ધા સાથે અષાઢી બીજના દિવસે જગ્યામાં દર્શન કરી મેળો માણે છે.

(1:22 pm IST)