Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

કોડીનારઃ પૌત્રીને દિપડાના મુખમાંથી બચાવવા દાદીમાએ દોટ મુકી

લોકો એકત્ર થઇ ગયા-હાકલ-પડકારા કરતા દિપડો નાસી ગયોઃ દેવીપૂજક પરિવારની ૩ વર્ષની બાળા ગંભીર હાલતમાં સારવારમાં

કોડીનાર તા. પ :.. ગીરગઢડા તાલુકાના કોડીનાર નજીકના હરમડીયા ગામે ઝાપા નજીક આવેલી પથ્થરની ખાણ પાસે રહેતો દેવીપૂજક પરિવાર રાત્રે ૯ કલાકે જમીને આરામ ફરમાવતો હતો ત્યારે ફળીયામાં આ પરિવારની નેહા નામની ૩ વર્ષની બાળક રમતી હતી. અચાનક જ જંગલ વિસ્તારમાંથી આવી ચડેલા દીપડાએ બાળકીને બોચી માંથી ઉપાડી નાસવા લાગ્યો હતો.

બાળકીનાં દાદીમાનું અચાનક ધ્યાન પડતા તેઓ પાછળ દોડયા હતા અને બુમાબુમ કરતા પરિવારના લોકો ભેગા થઇ દીપડો બાળકીને લઇ જે ઝાડીમાં સંતાયો હતો ત્યાં પહોંચી હાકલા પડકાર કરતા દીપડો બાળકીને છોડી જંગલ વિસ્તાર તરફ નાસી ગયો હતો. પરિવારજનો બાળકી પાસે પહોંચતા જ તેઓના હોશ ઉડી ગયા હતાં.

બાળકીને તેડી મોટર સાયકલ પર દવાખાને લઇ જવાની તૈયારી હતી ત્યાં જ કોડીનાર નગરપાલીકાની જીપ મળતા અને આ જીપમાં તાત્કાલીક કોડીનાર રા.ના. વાળા હોસ્પિટલે લઇ આવ્યા હતાં. ફરજ પરના તબીબે તાત્કાલીક સારવાર શરૂ કરી હતી. ત્યારે બાળકીનો શ્વાસ બંધ હતો અને હૃદય પણ બંધ હતું.

રા. ના. વાળા હોસ્પિટલનાં નિષ્ણાત તબીબો દ્વારા પંપીંગ કરી હાર્ટ ચાલુ કરવામાં આવ્યું હતું. બાળકીને ગળાના તેમજ પડખાના ભાગે દીપડાના તીક્ષણ નહોર લાગવાના કારણે ૩૦ થી વધુ ટાંકા લેવા પડયા છે. ડોકટરનું કહેવું છે કે ભગવાનની કૃપા અને સમયસર સઘન સારવારના કારણે બાળકીનો જીવ બચી ગયો છે. આગામી ર૪ કલાક હજુ ભયજનક ગણાય. તેમજ હજુ ૩ દિવસ સઘન સારવાર કરવી પડશે.

વન વિભાગનાં અધિકારીઓએ હોસ્પિટલે આવી વિગત મેળવી દીપડાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. દીપડએ ઘાયલ કરેલી આ બાળકીનો દેવીપૂજક પરિવાર અત્યંત ગરીબ છે. મંજૂરી કરી ગુજરાન ચલાવે છે. ત્યારે વન વિભાગ અને સરકાર દ્વારા આ પરિવાર સામે જોઇ નિર્દોષ બાળકીની સારવાનો ખર્ચ તુરંત આપે તેવી ગામ લોકોમાં ચર્ચા જાગી છે.

(11:53 am IST)