Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ગટરના કામ દરમ્યાન મજૂરના મોતને પગલે ભુજ પાલિકામા હોબાળોઃ પોલીસ બંદોબસ્ત વચ્ચે મામલો ગરમાયો

 ભુજ, તા.પઃ રવિવારે રાત્રે ભુજ નગરપાલિકાના યોજનાના ચાલતા કામ દરમ્યાન ભેખડ ધસતા ખાનગી કોન્ટ્રાકટર પાસે કામ કરતા મજૂરનું મોત નીપજયું હતુ. જેને પગલે આજે સામાજીક સંગઠનોએ આ મામલે વિરોધ સાથે ભુજ નગરપાલિકામાં ભારે હોબાળો કર્યો હતો. દરમ્યાન આ મામલો ઉગ્ર બનશે એવી દહેશત વચ્ચે ભુજ નગરપાલિકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ભુજના એરપોર્ટ રોડ પર રવિવારે રાત્રે ગટરના કામ દરમ્યાન ભેખડ ધસતા અંદર કામ કરી રહેલા મજૂર અરવીંદ જોગીનુ મોત થયુ હતુ. સામાજીક સંગઠનોના વિરોધ સાથે ભુજ દલિત અધિકાર મંચે ભુજ પાલિકામાં ભારે હોબાળા સાથે તાળાબંધી અને ધેરાવનો કાર્યક્રમ કર્યો હતો. જોકે, પોલીસના ચુસ્ત બંદોબસ્તે તેને નિષ્ફળ બનાવ્યો હતો. ભુજ પાલિકાએ યોગ્ય તપાસની ખાતરી આપી હતી. ઉગ્ર રજુઆત સાથે દલિત અધિકાર મંચે ચીમકી ઉચ્ચારી છે. કે ન્યાય નહી મળે તો પાલિકામાં ઉગ્ર આંદોલન કરશે.

દરમ્યાન ભુજ પાલિકાએ મજૂરના મોત ના દોષનો ટોપલો કોન્ટ્રાકટર પર ઢોળ્યો છે અને આ મામલે એન્જીનીયર અને કોન્ટ્રાકટર સામે તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવાની વાત કરી છે. તો બીજી તરફ કોન્ટ્રાકટર તરફથી મૃતક મજૂરના પરિવારને વળતર સાથે પરિવાર માંથી કોઈ વારસદારને ભુજ પાલિકામાં નોકરી માટેની પણ તૈયારી દર્શાવી છે. બે દિવસથી ભુજમાં ચર્ચાઈ રહેલા આ મામલે ભુજ પાલિકાએ હજી કોઇ કાર્યવાહી કરી નથી. પરંતુ પોલીસ તપાસમાં જેની ગંભીર ભુલ સામે આવશે તેની સામે કાર્યવાહી કરવાની વાતનો વિરોધ બાદ સ્વીકાર કર્યો છે.ઙ્ગ

તાજેતરમાંજ વડોદરમાં ગટર નિયોજનના કામ દરમ્યાન એક હોટલમાં ૮ થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. જોકે, ભુજની આ ઘટનામાં ભારે વિરોધ છંતા પાલિકાએ કોઇની ગંભીર ભુલનો સ્વીકાર કર્યો નથી. પરંતુ તપાસ બાદ કાર્યવાહીની વાત કરી છે. તો બીજી તરફ સામાજીક સંગઠનો મૃત્કની વહારે આવ્યા છે. અને તેના ન્યાય માટે લડત શરૂ કરી છે. જો કે પોલિસે ઉગ્ર રજુઆત બાદ વિરોધને શાંત કર્યો છે. પરંતુ પરિણામ લક્ષી તપાસ કે કાર્યવાહી નહી થાય તો ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારાઇ છે.

(11:51 am IST)