Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

પોરબંદર જિલ્લાની એ-ગ્રેડ સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં માત્ર ૬ થી ૮ ડોકટરો

ઇમરજન્સી કેસમાં દર્દીઓ રામ ભરોસેઃ દર્દીઓને નિષ્ણાત ડોકટરોની સેવા મળતી નથી

પોરબંદર તા. પ :.. પોરબંદર જિલ્લાની એ.-ગ્રેડની સહકારી હોસ્પિટલમાં ૬ થી ૮ ડોકટરોની સેવા દર્દીઓના નસીબ રહી છે કુલ ૧૬ ડોકટરોની જગ્યામાં અર્ધી જગ્યા ખાલી છે.

હાલ જે ડોકટરોની સેવા ચાલુ છે તેમાંથી કેટલાંક ડોકટરોને અન્ય જિલ્લામાં ડેપ્યુટેશનમાં તેમજ એકાદ-બે ડોકટર રજા ઉપર હોય ગ્રામ્ય વિસ્તારમાં આવતા દર્દીઓને હોસ્પિટલે ધકકા થાય છે.સરકારી હોસ્પિટલમાં દરરોજ સરેરાશ ૯૦૦ દર્દીઓ અને કયારેક ૧૦૦૦ દર્દીઓની ઓપીડી પહોંચી જાય છે. હોસ્પિટલમાં જે તે  રોગના નિષ્ણાત ડોકટર કયારેક સમયસર મળતા નથી. સમયાંતરે આ પ્રશ્ને રજૂઆતો છતાં ધ્યાન અપાતું નથી.હોસ્પિટલની ખાલી જગ્યા ભરવામાં આવે તો અમુક સમય બાદ તેની બદલી થઇ જતાં જગ્યા ખાલી થઇ જાય છે. પોરબંદર સરકાર હોસ્પિટલના ડોકટરોને અન્ય જિલ્લામાં ડેપ્યુટેશન મુકવામાં આવે છે ત્યારે દર્દીઓના હિત માટે અન્ય શહેર જિલ્લાના ડોકટરોને પોરબંદર હોસ્પિટલમાં ડેપ્યુટેશન માટે મોકલાય તેમજ હોસ્પિટલમાં નિષ્ણાત સહિત ડોકટરોની વહેલી તકે જગ્યા ભરવા માગણી ઉઠી છે.

(11:48 am IST)