Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

જવાનો દ્વારા જામનગરમાં વિવિધ હથિયારોના દીલધડક પ્રયોગોઃ કારગીલની સ્મૃતિમાં અનેરૂ આયોજન

જામનગર તા. પ :.. જામનગર થલ સેનાના મિલીટ્રી સ્ટેશન ખાતે સામાન્ય નાગરીકોને ભારતીય સેનાની દેશના રક્ષણ કરવા માટેની ભૂમિકાથી વાકેફ કરવામાં આવ્યા હતા અને વધુમાં વધુ લોકો સેના સાથે જોડાય તેમજ નવા સાહસો અને પડકારોનો સામનો કરવા સેનામાં કારકીર્દી બનાવે તે માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જવાનો દ્વારા પી. ટી.ના દાવ, મલ્લખમ અને સેનાના હથિયારો જેવા કે રાઇફલ્સ, ૮, એમએમ રોકેટ લોન્ચર, ૮૧ એમએમ મોર્ટાર, મિશાઇલ લોન્ચર, બેટલફિલ્ડ સર્વેલન્સ રડાર વગેરેનું પ્રદર્શન યોજાયું હતું. તેમજ કારગીલ વિજય દિવસની યાદી રૂપ આ વર્ષે તેને ર૦ વર્ષ પૂર્ણ થતા તેના વિષેનું વિડીયો તેમજ વસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં નંદવિદ્યા નિકેતન શાળા, શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ શાળા, શ્રી આણંદા બાવા સેવા સંસ્થાની શાળા, સૈનિક સ્કુલ બાલાચડી વગેરે શાળાના બાળકોએ કાર્યક્રમમાં હાજર રહી તેમજ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. સ્થળ પર અધિકારીઓ દ્વારા બાળકોને બાળ સહજ ભાષામાં હથિયારો, સાધનો અને સેના વિશે માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશસ્તિ પારીક, થલ સેના કમાન્ડર-અધિારીઓ, જવાનો અને સામાન્ય નાગરીકો ઉપસ્થિત રહ્યા હતાં. (તસ્વીર - અહેવાલ : મુકુંદ બદિયાણી-જામનગર)

(11:46 am IST)