Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ગઢડા (સ્વામીના) ર૬મી રથયાત્રા દબદબાભેર સંપન્ન હજારોની મેદની ઉમટી

ગઢડા તા. પ :.. ગઢડા (સ્વામીના) મુકામે શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ આયોજીત પરંપરાગત આગામી ર૬ મી રથયાત્રા દબદબાભેર સંપન્ન કરવામાં આવી હતી.

આ રથયાત્રાને બપોરે ર કલાકે અંબાજી ચોક ખાતેથી શ્રી ગોપીનાથજી દેવ મંદિરના ભાનુપ્રકાશદાસજી તથા આસી. કોઠારી શાસ્ત્રી હરિપ્રસાદદાસજી સહિત સંતોના હસ્તે પૂજન આરતી બાદ રથને દોરડા વડે ખેંચી પ્રસ્થાન કરાવવામાાં આવ્યુ હતું. આ પ્રસ્થાન પ્રસંગે રાજકીય સામાજીક આગેવાનો તથા નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. આ રથયાત્રા પરંપરાગત રૂટ ઉપર પસાર થતા ઠેર ઠેર કોમી એખલાસપૂર્ણ વાતાવરણમાં સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ રથયાત્રા દરમિયાન વિવિધ મંડળો દ્વારા સામાજીક સંદેશાઓ આપતા ફલોટસ પૈકી  સ્વચ્છતા ઝૂંબેશ, પબજી ગેઇમ બહિષ્કાર, કુદરતી આપતીનો સામનો જેવા સામાજીક ફલોટસ રજૂ કરવામાં આવ્યા હતાં. તેમજ પૌરાણિક પાત્રો અને સંસ્કૃતિ માટે અનેક ફલોટસ રજૂ કરવામાં આવ્યા હતાં. આ રથયાત્રા ને નિહાળવા તથા દોરડા વડે રથને ખેંચવા અને દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં મેદનીએ આતુરતા પૂર્વક રાહ જોઇ હતી. આ રથયાત્રિકોને આવકારવા દરેક વિસ્તારોમાં શહેરીજનો તરફથી સ્વયંભુ નાસ્તા, પાણી, ચા અને સરબતના સ્ટોલની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. આ રથયાત્રા દરમિયાન અનેકવિધ રંગદર્શી ફલોટસ તથા લેઝીમ દાવ, બેન્ડવાજા, ડી. જે. સાઉન્ડે ભારે આકર્ષણ જમાવ્યું હતંું. આ રથયાત્રા દરમિયાન દાદાખાચર વાણીજય અને વિનયન સરકારી કોલેજના સ્ટાફ તથા વિદ્યાર્થીઓ દ્વારા રથયાત્રાની સાથે સાથે એકત્ર થતો કચરો ઉપાડી સ્વચ્છતા માટેનું પ્રશંસનીય કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. આ રથયાત્રા દરમિયાન એક થી ત્રણ નંબરનું સ્થાન ધરાવતા ફલોટસને રથયાત્રાના અંતે પુરસ્કૃત કરવામાં આવ્યા હતાં. આ ફલોટસ ને પુરસ્કૃત કરવા માટે સુરક્ષા સેતુ અંતર્ગત એક થી ત્રણ ક્રમાંક મેળવનાર એ રોકડ પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો હતો. તેમજ ગઢડા મુસ્લિમ સમજ દ્વારા પણ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. સમગ્ર રથયાત્રાને  સફળ બનાવવા માટે પ્રમુખ ચંદ્રકાન્ત લાઠીગરા તથા સમગ્ર ટીમ અને સ્વયંસેવકો દ્વારા સંકલન હાથ ધરવામાં આવ્યુ હતું. આ રથયાત્રા દરમિયાન જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા સમગ્ર યાત્રાનું ચાલીને નિદર્શન કરવામાં આવ્યુ હતું. સમગ્ર રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા ચુસ્ત બંદોબસ્ત યોજવામાં આવ્યો હતો.

(11:32 am IST)