Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ફરેણી સ્વામિનારાયણ વિદ્યાર્થી સંકુલમાં 'મંત્રરાજ મ્યુઝિક સ્ટુડીયો'નું નિર્માણ

ગુજરાતી લોકસંગીતના લોકલાડીલા કલાકારો શ્રી હેમંતભાઈ ચૌહાણ, શ્રી માલદેભાઈ આહિર, શ્રી દિપકભાઈ જોશી, શ્રી મયુર ચૌહાણ તથા સંગીત કલાજગત સાથે સંકળાયેલા સંગીતવિદ્દોની ઉપસ્થિતિમાં રેકોર્ડીંગ માટે ખુલ્લો મુકવામાં આવ્યો

ધોરાજી, તા. ૫ :. ધોરાજી તાલુકાના ફરેણી ગામે શ્રી સહજાનંદ સંસ્કારધામ ટ્રસ્ટ સંચાલિત શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠના સંકુલમાં આધુનિક સંગીત ઉપકરણોથી સજ્જ 'મંત્રરાજ મ્યુઝિક સ્ટુડીયો' નિર્માણ પામ્યો. સંસ્થાના સંસ્થાપક પ.પૂ. શાસ્ત્રી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ પોતાના મંડળ સહિત અમેરિકા-કેનેડાના સત્સંગ વિચરણ માટે પ્રસ્થાન કરતા પહેલા એપ્રિલ માસમાં આ સ્ટુડીયોનું ઔપચારીક ઉદઘાટન કરેલુ, પરંતુ પૂ. સ્વામીશ્રીની ઈચ્છા અને આજ્ઞાનુસાર અષાઢી બીજના પાવન દિવસે 'શ્રી મંત્રરાજ મ્યુઝિક સ્ટુડીયો' ગુજરાતી લોકસંગીતના લોકલાડીલા કલાકારો શ્રી હેમંતભાઈ ચૌહાણ, શ્રી માલદેભાઈ આહિર, શ્રી દિપકભાઈ જોશી, શ્રી મયુર ચૌહાણ તથા સંગીત કલાજગત સાથે સંકળાયેલા સંગીતવિદ્દોની ઉપસ્થિતિમાં રેકોર્ડીંગ માટે ખુલ્લો મુકવામાં આવ્યો.

શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠના ઓડીટોરીયમમાં પૂ. અક્ષરવલ્લભદાસજી સ્વામી તથા સંસ્થાના અન્ય સંતો ઉપરાંત કંડારી-લોધાધામથી પધારેલ સંતોની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના આત્મીય અને એલ.આઈ.સી. ઓફ ઈન્ડીયાના નિવૃત સીનીયર ડિવીઝનલ મેનેજર શ્રી પુરૂષોતમ ચોટલીયાએ સ્વાગત પ્રવચન કર્યુ. વિદેશ વિચરણ કરી રહેલા પ.પૂ. શાસ્ત્રી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ વિડીયો રેકોર્ડીંગમાં કલાકારોને આશિર્વાદો આપ્યા. પૂ. અક્ષરવલ્લભદાસજી સ્વામીએ સર્વે કલાકારોને સંસ્થાના સ્મૃતિ ચિહ્ન ભેટ આપી સન્માનિત કર્યા અને તેમને બિરદાવતી વાતો કરી. બાદમાં મંત્રરાજ મ્યુઝિક સ્ટુડીયોમાં કલાકારોએ સંગીતના સૂરો રેલાવ્યા. શ્રી હેમંત ચૌહાણે બ્રહ્માનંદ સ્વામીનું પદ 'નંદના લાલા ઓરા આવો...' રેકોર્ડ કરાવ્યું. શ્રી માલદેભાઈ આહિર, શ્રી દિપકભાઈ જોશી, મયુર ચૌહાણ તથા અન્ય કલાકારોએ રજુ કરેલ સંગીત કલાનું રેકોર્ડીંગ કરવામાં આવ્યું. આ કલાકારોએ આધુનિક સંગીત ઉપકરણો અને સાઉન્ડ પ્રુફ રેકોર્ડીંગ સિસ્ટમથી સુસજ્જ અદ્યતન 'મંત્રરાજ મ્યુઝિક સ્ટુડીયો'ની ખૂબ પ્રસંશા કરી અને એના નિર્માણ માટે પ.પૂ. શાસ્ત્રી સ્વામી પૂ. અક્ષરવલ્લભદાસજી સ્વામીને ધન્યવાદ આપ્યા.

(11:44 am IST)