Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

જેતપુરમાં પ્રેમી સાથે બેઠેલી યુવતિનું અપહરણ કરીને હોટલમાં ગોંધી રાખી દુષ્‍કર્મ આચરનાર આરોપીઓનું સરઘસ કઢાયુઃ બે આરોપીઓએ બે હાથ જોડીને લોકોની માફી માંગી

જેતપુરઃ બીજી જુલાઈના રોજ જેતપુરમાં પ્રેમી સાથે બેઠેલી એક યુવતીનું અપહરણ કરીને તેને ઢોર માર મારીને તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આ કેસમાં બળાત્કારી યુવક તેમજ તેને મદદ કરનાર અન્ય 8 લોકો અને હોટલના મેનેજરની ધરપકડ કરી હતી.

ફરિયાદ પ્રમાણે યુવતી જેતલસર ઓવરબ્રિજ પાસે પોતાના મિત્ર સાથે બેઠી હતી ત્યારે બ્રિજરાજસિંહ નામના વ્યક્તિએ તેના મિત્રોએ બંનેનું અપહરણ કરી લીધું હતું. બાદમાં બંનેને ઢોર માર મારવામાં આવ્યો હતો. યુવતી જ્યારે તેના મિત્ર સાથે બેઠી હતી ત્યારે બ્રિજરાજના મિત્રોએ બંનેનો વીડિયો ઉતાર્યો હતો. બાદમાં આ લોકોએ બંનેનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને બંનેનું અપહરણ કરી લીધું હતું.

વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને બ્રિજરાજ નામનો વ્યક્તિ યુવતીને તેના મિત્રના એક્ટિવામાં એક હોટલમાં લઈ ગયો હતો. જ્યાં તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. બ્રિજરાજે બળાત્કારની સાથે સાથે યુવતીનો બીભત્સ વીડિયો પણ ઉતારી લીધો હતો. આ મામલે કોઈને કહેશે તો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.

હોટલ ખાતે યુવતીના મિત્રને 24 કલાક સુધી ગોંધી રાખવામાં આવ્યો હતો તેમજ બ્રિજરાજ અને તેના માણસો તેને ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં તેના એટીએમથી 80 હજાર જેટલી રકમ પણ ઉપાડી લેવામાં આવી હતી. આ કેસમાં પોલીસે બ્રિજરાજ સામે દુષ્કર્મ અને અપહરણની ફરિયાદ નોંધી છે, જ્યારે તેના મિત્રો સામે ગુનામાં મદદની ફરિયાદ નોંધી છે.

(6:14 pm IST)