Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ખંભાળીયામાં મધ્યાહન ભોજન સંચાલકોની હડતાલથી હજારો બાળકો ભુખ્યા

સંચાલકોને ત્રણ માસની પેશગી-માનદ વેતન ન ચૂકવાતા અચોકકસ મુદતની હડતાલ પાડી, જવાબદારો દ્વારા બાળકોના ભોગે પણ મધ્યસ્થી ન કરાઇ, કલેકટર કચેરીને મુખ્યમંત્રી કાર્યાલયથી પ્રેસર!!

ખંભાળીયા તા. પ :.. ખંભાળીયા તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રોના સંચાલકો દ્વારા ગત તા. ૪ થી અચોકકસ મુદતની હડતાલ ઉપર ઉતરી આજે બિજા  દિવસના અંતે શાળાઓમાં અભ્યાસ કરતા હજારો બાળકો ભુખ્યા રહ્યા છે. બે અધિકારીઓ વચ્ચેના શિતયુધ્ધના કારણે આ સ્થિતી ઉત્પન્ન થતાં મધ્યાહન ભોજન યોજનાના ત્રણેક માસના બિલ અટવાયેલા હોવાથી અંતે મ. ભો. યો. નાં સંચાલકો દ્વારા અચોકકસ મુદતની હડતાલ પાડી બીલ મંજૂર થયા બાદ કેન્દ્રો શરૂ કરવામાં આવશે તેવી માંગ ઉઠેલ છે.

હડતાલ અંગેની રજૂઆત મધ્યાહન ભોજનના નાયબ કલેકટર માંડોતને લેખીતમાં કરવામાં આવી હતી એમ છતાં જવાબદાર અધિકારી દ્વારા આ પ્રશ્ને ગંભીરતા ન દાખવતા છેલ્લે ભૂલકાઓને ભુખ્યા રહેવાનો વારો આવ્યો છે. આ બધુ જ માત્ર બે અધિકારીઓ વચ્ચેના ગજગ્રાહ અને શિતયુધ્ધ વચ્ચે થયું છે. જેનો ભોગ માસુમ ભૂલકાઓ બન્યા છે. મ. ભો. યો.ના સંચાલકોને પુછતાં તેઓએ બિલની રકમ મામલતદાર કચેરી ખાતેથી લેવાની હોય છે જેથી તમામ બીલ મામલતદાર ખંભાળીયાને આપેલ છે. આ અંગે મામલતદાર ચિંતન વૈષ્ણવને પુછતા તેઓએ જણાવ્યું હતું કે, બિલ તીજોરી કચેરીએ મોકલી આપેલ છે. છતાં પાસ કરવામાં આવતા નથી જયારે તિજોરી અધિકારીને પુછવામાં આવતા તેઓએ કહયું અમને માત્ર માર્ચ મહિનાનું બીજ જ મળ્યું છે. તે અમે પાસ કરી દિધુ છે. પરંતુ મેસેન્જર અહીંથી લેવા આવ્યો નથી આ તમામની વચ્ચે શાળાઓને મિઠુ ભોજન આરોગતા ભૂલકાઓ પુછે છે કે તો અમારો આમા શું વાંક ??! આ જોતા માત્ર અધિકારીઓના અહમ ટકરાવ અને શિતયુધ્ધના કારણે આ ગંભીર પ્રશ્ન ઉભો થયેલ હોવાનું જાણવા છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા મધ્યાહન ભોજનના સંચાલકોને કમસેકામ બાળકો માટે સમજાવવાની તસ્દી પણ કદાચ લેવા આવી નહીં હોય, આ પરથી એ સવાલ પણ ઉભો થાય છે. સસ્તા અનાજના દુકાનદારો જયારે હડતાલનું રાજયવ્યાપી રણશીંગુ ફુકે છે તો તેમને પુરવઠાના જવાબદાર અધિકારી દ્વારા  કેમ મનામણા કરી હડતાલ મુલત્વી રાખવા સમજાવટ કરી મામલો થાડે પાડી દેવામાં આવે છે ? તો આ બાબતે પણ વિદ્યાર્થીઓનું હિત જોઇ પાણી પહેલા પાળ બાંધવી એટલી જ જરૂરી છે. ખંભાળીયા સહિત તાલુકાના હજારો વિદ્યાર્થીઓ ભુખ્યા રહ્યા હોવાના સમાચારથી ગાંધીનગરથી કલેકટર કચેરી સુધી ફોન રણકયા હોવાના સમાચાર પણ મળી રહ્યા છે.  જે બાદ તાબડતોબ સંચાલકોના પ્રમુખ સહિતનાઓ તેમજ મામલતદાર ખંભાળીયા તા. જિલ્લા તિજોરી, અધિકારીની મીટીંગ નાયબ કલેકટર દ્વારા બોલાવવામાં આવી. તાત્કાલીક અસરથી જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી મધ્યાહન ભોજન આથી શરૂ થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ સંચાલકો દ્વારા મધ્યાહન ભોજન શરૂ કરવા કે કેમ તે અંગે મગનું નામ મરી પાડવામાં આવ્યું નહતું. આથી બીજા દિવસે પણ ભૂલકાઓ મધ્યાહન ભોજનથી અડગા રહેશે. ત્યારે વહેલી તકે અટવાયેલો મામલો તંત્રના જવાબદાર અધિકારી દ્વારા દૂર કરવામાં આવે જેથી શાળાઓના ભૂલકાઓને નિયમિત મધ્યાહન ભોજન મળી શકે તેવા પ્રયાશો તરફ સૌની મીટ છે.

એપ્રિલથી જુન સુધીના બિલ કચેરીને હજુ સુધી મળ્યા જ નથી : જિ. ટ્રેઝરી અધિકારી

આ અંગે જિલ્લા ટ્રેઝરી અધિકારી જે.વી. ગોવાણી સાથે ટેલીફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે એપ્રિલથી જુન સુધીના બીલ અમને હજુ સુધી મામલતદાર કચેરી ખાતેથી મળ્યા જ નથી, માર્ચ મહિનાનું બિલ તા. ર૬ના રોજ અમને મળતા તે તા. ૩૦ના રોજ મંજુર કરી આપવામાં આવેલ છે, પરંતુ તે હજુ સુધી અહીંથી મંગાવવામાં આવેલ નથી, આ ઉપરાંત ઉચક બિલની કન્ટીજન્સીમાં રૂ. ૧૦૦૦થી વધુની રકમની બિલમાં પેટા વાઉચર સાથે આપવાનું હોય છે જે પણ સાથે આપેલ નથી.

રજુ કરાયેલા બિલોમાં બિનજરૂરી કવેરી કાઢી રોકી રખાયા છે : મામલતદાર વૈષ્ણવ

આ ગંભીર બાળકોના પ્રશ્ને ખંભાળીયા મામલતદાર ચિંતન વૈષ્ણવ સાથે ટેલીફોનિક ચર્ચા કરવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે, બાકી રહેતા બિલો તિજોરી કચેરી ખાતે મોકલી આપેલા છે. પરંતુ ીબલની અંદરમાં અવાર-નવાર કવેરી કાઢી મંજુર ન કરવામાં આવતા સંચાલકોને પેશગી અને માનદ વેતનનું ચૂકવણું કરવામાં આવેલ નથી. આ ઉપરાંત મારો પણ ચાર માસથી પગાર કરવામાં આવેલ ન હોવાનું જણાવ્યું હતું.

તમામ પ્રશ્નો ઉપર પૂર્ણ વિરામ મૂકવા સમજાવટ કરવામાં આવી : નાયબ કલેકટર (મ.ભો.)

જિલ્લાના પુરવઠા અધિકારી અને (મ.ભો.)ના નાયબ કલેકટર એ.એસ. માંડોત સાથે આ અંગે પુચ્છા કરતા તેઓએ જણાવ્યું હતું કે મધ્યાહન ભોજન બંધ રહે તે ગંભીર પ્રશ્ન છે માટે આ બાબતે મ.ભો.ના આગેવાનો, મામલતદાર ખંભાળીયા, જિલ્લા તિજોરી અધિકારી સહિતને બોલાવી ઘટતું પૂર્ણ કરી કાલથી મધ્યાહન ભોજન શરૂ કરવામાં આવે તેમ માટેના પ્રયાસો કરી સમજાવટ કરવામાં આવી હતી.

બાળકોને ભોજન નહીં મળે ત્યાં  સુધી અમે પણ બપોરનું ભોજન નહીં લઇએ : સંચાલક આગેવાનો

ગત રોજ યોજાયેલ સમાધાન વલણની મીટીંગમાં ખંભાળીયા તાલુકા અને જિલ્લાના મધ્યાહન ભોજનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં તેમાં આજથી મધ્યાહન ભોજન શરૂ કરવા તેમજ અટકવાયેલા બિલ બાબતે વહેલી તકે ઘટતું કરવા નાયબ કલેકટર માંડોત દ્વારા જણાવ્યું હતું, પરંતુ તેના વળતા જવાબમાં મ.ભો.યો. તાલુકાના પ્રમુખ અને જિલ્લાના પ્રમુખ દ્વારા જણાવ્યું હતું કે, જયાં સુધી બાળકોને ભોજન નહીં મળે ત્યાં સુધી અમે પણ બપોરનું ભોજન લેશું નહીં.(પ.ર૦)

(5:21 pm IST)