Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

મોરબી મફતમાં બરફગોલાનું પાર્સલ કરી આપવાની ના પાડનારની વર્દીધારીએ રેકડી બંધ કરાવી ?

મોરબી ડીપાર્ટમેન્ટ માટે શરમજનક ઘટના અંગે ઉચ્ચ અધિકારીઓ તપાસ કરે તે જરૂરી : અમુક બે-પાંચ વર્દીધારી મફત ગોલા નહી આપનાર નાના ધંધાર્થીઓ ઉપર પણ સતાનો દુરૂપયોગ કરીને આખા ડીપાર્ટમેન્ટને બદનામ કરતા હોવાની ભારે ચર્ચા

મોરબી, તા., પઃ પંથકમાં અનેક અનેક જગ્યાએ ઇંગ્લીશ દારૂ, દેશી દારૂ, જુગારના હાટડા, કયાંય જીમખાનાના નામે કલબ સહીતના અનેક ગેરકાયદે ધંધાઓ ચાલે છે. આ ગેરકાયદે ચાલતા ધંધાઓ બંધ કરાવવા જરૂરી છે તેના બદલે રેકડીઓમાં પોતાના પરીવારનો પેટનો ખાડો પુરવા નાના પાયે ધંધા-વેપાર કરતા વેપારીઓ પાસે દાદાગીરી કરી રહયાનું ચર્ચાય છે.

જેનું કાયમી ઉદાહરણ છે નહેરૂ ગેઇટ, જયાં પ્રજાજનોને ચાલવામાં પણ હાલાકી ભોગવવી પડે તે રીતે રેકડીઓ, રીક્ષાઓ આડેધડ ગોઠવાઇ જાય છે અને આ બાબત નવી નથી આ બાબતે અનેક વખત અખબારી અહેવાલો પણ છપાઇ ચુકયા છે કેટલા ભાવ છે? કેટલું રોજનું ઉઘરાણું છે?

મોટા મોટા ગેરકાયદે ધંધા કરનારા મગરમચ્છોને છાવરતી મોરબી વર્દીધારીના અમુક કર્મીઓ હંમેશા નાના-નાના ધંધાર્થીઓ પર કાયદાનો રોફ જમાવી આ વેપારીઓ વેચાણ કરતા હોય તેવી વસ્તુઓ મફતમાં લેવા ટેવાઇ ગયા છે જેના કારણે મુઠ્ઠીભર આવા વર્દીધારીઓના કારણે મોરબી આખા પોલીસ ડીપાર્ટમેન્ટને બદનામ થવાનો વારો આવે છે.

ગતરાત્રીનો એક બનાવ મોરબી વર્દીધારીના આબરૂના લીરા ઉડાડતો સગી આંખે જોવા મળ્યો હતો. ચાર પાંચ વર્દીધારીઓ મોરબી પોલીસની આબરૂને બટ્ટો લગાવે તેવો જગન કર્યો હતો.

મોરબીના મહેન્દ્ર ડ્રાઇવ રોડ પર પાંચ-સાત બરફ ગોલા, આઇસડીશની લારી-દુકાનવાળા ધંધો કરે છે. ગતરાત્રીના એક પોલીસની જીપ્સીકાર આવી અને એક ગોલાની રેકડી પાસે ઉભી રહી. અંદરથી પોલીસ કર્મીએ રેકડીવાળાને પાંચ ગોલાનું પાર્સલ કરી આપવા હુકમ કર્યો, તો રેકડી ચાલકે એક સાથે પાંચ ગોલાનું હું એકલો પાર્સલ નહીં કરી દઉ તેવો જવાબ આપતા સતાના મદમાં એ વર્દીધારીએ ચાલો સાડા અગીયાર વાગી ગયા રેકડી કરો બંધ અને બંધ ન કરી તો હમણા વળતા આવીએ છીએ અહીં ધોકા ઉડશે. ધમકી આપી રેકડી બંધ કરાવી ત્યાંથી ચાલ્યા ગયા, રેકડીવાળાએ રેકડી બંધ કરી દીધી ત્યારે સવાદશ વાગ્યા હતાં જયારે અન્ય રેકડીઓ ચાલુ જ રહી હતી. માત્ર મફતમાં ગોલા નહીં આપનારની રેકડી બંધ કરાવી સરેઆમ સતાનો દુરૂપયોગ કર્યાનું વરવુ પ્રદર્શન કર્યું હતું અને રેકડી ચાલક વિલા મોઢે રેકડી બંધ કરી ઘેર જવા નીકળી ગયો હતો.

મોરબીમાં આંગળીના વેઢે ગણી શકાય તેવા પોલીસ કર્મીઓએ આખા મોરબી પોલીસ ડીર્પા.ની આબરૂને બટ્ટો લગાવ્યો હતો.

આ બાબતે મોરબી સીટી પીઆઇ સાથે વાત કરતા તેમણે યોગ્ય કરવા આશ્વાસન આપ્યું હતું.

આ આજે છપાયેલ અખબારી અહેવાલના પગલે પુલપર ઉભા રહેતા ગોલાવાળા પર આજે રાત્રે તબાહી ઉતરશે, રાત્રે બંધ કરાવશે, આવું અગાઉ બન્યું છે.

માટે આ શ્રમજીવી નાના વેપારીઓ શાંતિથી પોતાનો ધંધો કરે અને અમુક પોલીસ કર્મી તેનો ધંધો બંધ ન કરાવે તે બાબતે ઉચ્ચ અધિકારીઓએ ધ્યાન આપવું રહ્યું.

(1:03 pm IST)