Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

સુરેન્દ્રનગરમાં 'સુવિધા'ની રાહમાંને રાહમાં રહીશોની રમરમાટી

અગાઉ અનેક રજૂઆતો બાદ પણ નિવેડો નહિ આવતા ઓમ પાર્ક, શ્રીનાથજી પાર્ક સહિતના લોકોમાં ભભૂકયો રોષ : કામગીરીમાં નિષ્ક્રિયતા સામે પાલિકા કચેરીએ કર્યો વિરોધ વ્યકતઃ સત્વરે યોગ્ય નહિ થાય તો સત્યાગ્રહ કરવાની ઉગ્ર ચિમકી

પ્રાથમિક સુવિધા મુદ્દે ચીફ ઓફિસર સમક્ષ રોષભેર રજૂઆત કરતા ઓમ પાર્ક, શ્રીનાથજી પાર્ક સહિતના વિસ્તારોના રહીશો દર્શાય છે (તસ્વીર-અહેવાલઃ ફઝલ ચૌહાણ-વઢવાણ)

વઢવાણ, તા. ૫ :. સુરેન્દ્રનગર ખાતે પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાની અવારનવાર ફરીયાદો થઈ રહી છે, એવામાં ઓમ પાર્ક, શ્રીનાથજી પાર્ક સહિતના વિસ્તારવાસીઓએ અનેક રજૂઆતોથી કંટાળી ગઈકાલે નગરપાલિકા કચેરીએ 'હલ્લાબોલ' કરી ઉગ્રતા સાથે રમરમાટી બોલાવી વિરોધ દર્શાવ્યો હતો.

આ તકે સ્થાનિકોએ રોષભેર ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી કે, ઓમ પાર્ક, શ્રીનાથજી પાર્ક, આદિત્ય પાર્ક, ગૌતમ પાર્ક, ગણેશ પાર્ક અને પ્રિત વિહાર વિસ્તારમાં કાયમી રીતે કોઈ સફાઈ કામદાર, શેરી સફાઈ કામદાર, શેરી ગટર સફાઈ કામદાર આવતા નથી કે હાલ કોઈ નિયમીત કામદાર છે નહીં. જ્યારે જ્યારે રજૂઆત કરીએ ત્યારે આવે છે.

વધુમાં ઉમેર્યુ હતુ કે, ઓમ પાર્કથી ગાયત્રી મંદિરનો રસ્તો, શ્રીનાથજી પાર્કના કલ્યાણનગર સુધી જવાનો રસ્તો અને ફુલચંદનગર જવા સુધીનો રસ્તો કાચો અને તુટેલો છે, તો થોડોક વરસાદ પડતા રસ્તો બંધ જેવો જ થઈ જાય છે. ભૂગર્ભ ગટરની કામગીરીના કારણે તમામ રસ્તાઓ લેવલીંગ વગરના થઈ ગયેલ છે. છેલ્લા છ મહિનાથી પાણીની લાઈનો નાંખેલી હોવા છતા હજુ સુધી પાણીની નવી લાઈન ચાલુ કેમ કરાઈ નથી ?

આ બાબતે અગાઉ અવારનવાર લેખિત-મૌખિક રજૂઆત કરાઈ હોવા છતા પણ નગરપાલિકા દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી, તો હવે નિયમીત સફાઈ કામગીરી, વરસાદી પાણીના નિકાલ થાય તે રીતે રોડ રીપેરીંગ કરવા સાથે સાથે પાણીની નવી પાઈપ લાઈન ચાલુ કરવા માટે સત્વરે યોગ્ય નિકાલ સાથે વ્યવસ્થા કરવામાં નહી આવે તો નાછુટકે ગાંધી ચિંધ્યા માર્ગે સત્યાગ્રહ કરવાની ફરજ પડશે તેવી ઉગ્ર ચિમકી ઉચ્ચારાઈ છે.

(1:02 pm IST)